Massive explosion in swiss resort: દુનિયાના સૌથી મોંઘા અને આલીશાન સ્કી રિસોર્ટ તરીકે જાણીતા સ્વિટ્ઝરલેન્ડના ક્રાન્સ મોન્ટાના શહેરમાં ગુરુવારે વહેલી સવારે એક બારમાં પ્રચંડ વિસ્ફોટ થતા ભારે તબાહી મચી ગઈ છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બારની આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. સ્વિસ પોલીસે આ ઘટનામાં અનેક લોકોના કરૂણ મોત થયાની પુષ્ટિ કરી છે, જ્યારે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આખા રિસોર્ટ વિસ્તારમાં ભયનો માહોલ છે.
વહેલી સવારે બારમાં થયો બ્લાસ્ટ, પ્રવાસીઓમાં નાસભાગ
નવા વર્ષની રજાઓ ગાળવા માટે હજારો પ્રવાસીઓ જ્યારે ક્રાન્સ મોન્ટાનામાં એકઠા થયા ત્યારે જ આ દુર્ઘટના ઘટી છે. વહેલી સવારે બારમાં લોકોની અવરજવર હતી, ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. સ્વિટ્ઝરલેન્ડના વાલેસ કેન્ટન પોલીસના પ્રવક્તા ગાયતાન લાથિયોએ મીડિયાને જણાવ્યું કે, વિસ્ફોટમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘાયલોનો આંકડો વધી શકે છે. પોલીસ અને ઈમરજન્સી ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઘાયલોની સ્થિતિ ગંભીર, સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાયો
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એર-લિફ્ટ કરી નજીકની હાઈટેક હોસ્પિટલોમાં ખસેડાયા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે આખાય વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
અકસ્માત કે આતંકી હુમલો? તપાસનો ધમધમાટ
વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ એ તપાસ કરી રહી છે કે આ બ્લાસ્ટ કોઈ ગેસ લીકેજ કે શોર્ટ સર્કિટ જેવા અકસ્માતને કારણે થયો છે કે પછી તેની પાછળ કોઈ અન્ય ષડયંત્ર રહેલું છે. ફોરેન્સિક એક્સપર્ટ્સની ટીમ કાટમાળમાંથી પુરાવા એકત્ર કરી રહી છે. સ્વિસ સત્તાવાળાઓ હાલમાં કોઈપણ શક્યતાને નકારી રહ્યા નથી અને તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.
પ્રવાસીઓનું માનીતું અને મોંઘું ડેસ્ટિનેશન
ક્રાન્સ મોન્ટાના સ્વિટ્ઝરલેન્ડનું અત્યંત આધુનિક અને લક્ઝરી સ્કી રિસોર્ટ શહેર છે. નવા વર્ષની આસપાસ અહીં વિશ્વભરમાંથી ધનિક પ્રવાસીઓ અને સેલિબ્રિટીઓ રજાઓ ગાળવા આવતા હોય છે. આ સમયે અહીં હોટલો અને બારમાં ભારે ભીડ હોય છે. આ દુર્ઘટનાને કારણે અહીં આવેલા પ્રવાસીઓમાં ભારે ફાળ પડી છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
સાક્ષીઓની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ
બારમાં હાજર રહેલા બચેલા લોકો અને સ્ટાફની પોલીસ પૂછપરછ કરી રહી છે. વિસ્ફોટ પહેલા કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી કે કેમ તે જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટનો અવાજ એટલો મોટો હતો કે દૂર સુધીની ઇમારતોના કાચ તૂટી ગયા હતા. સરકાર દ્વારા ટૂંક સમયમાં મૃતકોની સંખ્યા અને ઓળખ અંગે સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી શકે છે.








