Student died after 100 sit ups: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ શિક્ષણતંત્ર અને સ્થાનિક વહીવટી તંત્રને મોટો ઝટકો આપ્યો છે. છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 12 વર્ષની વિદ્યાર્થિનીને શાળામાં 10 મિનિટ મોડું પહોંચવા બદલ કથિત રીતે કઠિન શારીરિક સજા આપવામાં આવી હતી. આ ઘટનાના એક અઠવાડિયા પછી છોકરીનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. હવે આ મામલે શાળાની શિક્ષિકા મમતા યાદવ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો છે.
મોડું પહોંચવાના કારણે કઠોર સજા
પોલીસે આપેલી માહિતી મુજબ, 8 નવેમ્બરના રોજ શિક્ષિકાએ શાળામાં મોડાં પહોંચેલા અનેક વિદ્યાર્થીઓને ઉઠક-બેઠક કરવાની સજા આપી હતી. આરોપ છે કે વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલ બેગ સાથે 100 ઉઠક-બેઠક કરવા કહેવામાં આવ્યું. આ 12 વર્ષની વિદ્યાર્થિનીએ પણ બેગ ખભે જ લટકાવીને આ સજા પૂરી કરી હતી. સજા દરમિયાન તે તકલીફ અનુભવી રહી હોવાનો અન્ય વિદ્યાર્થીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
ઘરે પહોંચ્યા બાદ તબિયત બગડવા લાગી
સજા પૂરી કરીને જ્યારે છોકરી ઘરે પરત ફરી, ત્યારે સાંજે તેને ભારે પીઠનો દુઃખાવો અને અસ્વસ્થતા અનુભવાઈ. પરિવારજનોએ શરૂઆતમાં તેને વસઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી. પરંતુ સ્થિતિ સતત ખરાબ થતી જતાં તેને તાત્કાલિક મુંબઈની જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં તે ઘણા દિવસો સુધી જીવતા રહેવા માટે ઝઝૂમતી રહી અને અંતે તેનું મોત થયું.
પરિવારના ગંભીર આરોપો
પરિવારનો આક્ષેપ છે કે વિદ્યાર્થિનીને આપેલી અતિશય કઠિન સજાએ તેના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી અને અંતે તેની જીંદગી છીનવી લીધી. વિદ્યાર્થિનીની માતાએ જણાવ્યું કે, 'દીકરી ઘરે આવી ત્યારે સતત પીઠ દુઃખવાની ફરિયાદ કરતી હતી. પૂછતાં તેણે સ્વીકાર્યું કે તેને બેગ સાથે ઉઠક-બેઠક કરાવી હતી. ધીમે ધીમે તેની પીડા વધતી ગઈ અને અમારે હોસ્પિટલમાં દોડી જવું પડ્યું. ડોક્ટરોએ શરૂઆતમાં કહ્યું કે સજાના કારણે તે ગભરાઈ ગઈ છે અને પીઠની માઠી અસર થઈ છે.'
ઘટનાની તપાસ અને પોલીસ કાર્યવાહી
પ્રાથમિક રીતે અકસ્માત મૃત્યુનો કેસ (ADR) નોંધાયો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારે કરેલી ફરિયાદના આધારે હવે શિક્ષિકા મમતા યાદવ વિરુદ્ધ BNSની સંબંધિત કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન સાક્ષીઓના નિવેદન, વિદ્યાર્થીઓના નિવેદન અને CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે.
સ્થાનિક સ્તરે ઉથલપાથલ
આ ઘટના સામે આવ્યા બાદ વસઈ વિસ્તારમાં સ્થાનિકો અને વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ઘણાં વાલીઓ શારીરિક સજાના નામે બાળકો પર થતી કઠોરતા સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. શિક્ષણ વિભાગે પણ શાળાને નોટિસ મોકલી તપાસ શરૂ કરી છે.








