Libyan army chief dies: લીબિયા માટે અત્યંત દુઃખદ અને આઘાતજનક ઘટનામાં દેશના સેનાપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદનું મંગળવારે રાત્રે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. આ અકસ્માતમાં તેમના સાથે મુસાફરી કરી રહેલા ચાર અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પણ મૃત્યુ પામ્યા છે. તૂર્કિયેની રાજધાની અંકારાથી ઉડાન ભર્યા બાદ થોડા સમયગાળામાં જ તેમનું પ્રાઇવેટ જેટ ક્રેશ થતાં સમગ્ર લીબિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તૂર્કિયેના અધિકારીઓના જણાવ્યા મુજબ, ફાલ્કન 50 પ્રકારનું બિઝનેસ જેટ અંકારામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સંરક્ષણ બેઠક પૂર્ણ કર્યા બાદ લીબિયા પરત ફરી રહ્યું હતું. વિમાને અંકારાના એસેનબોગા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સાંજે લગભગ 8:30 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન બાદ આશરે 40 મિનિટ પછી વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે અચાનક સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
દુર્ઘટનાની ગંભીરતા સ્પષ્ટ થઈ ગઈ હતી
તૂર્કિયેના ગૃહ મંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે, વિમાને અંકારાના હાયમાના જિલ્લામાં ઇમરજન્સી લેન્ડિંગનો સંકેત આપ્યો હતો. જોકે, આ સંકેત બાદ વિમાન તરફથી કોઈ વધુ સંપર્ક મળી શક્યો નહોતો. બાદમાં વિમાનનો કાટમાળ હાયમાના જિલ્લાના કેસિક્કાવાક ગામ નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યો હતો. સ્થાનિક ટીવી ચેનલો દ્વારા પ્રસારિત થયેલા CCTV ફૂટેજમાં આકાશમાં અચાનક તેજસ્વી વિસ્ફોટ થતો દેખાયો હતો, જેના કારણે દુર્ઘટનાની ગંભીરતા સ્પષ્ટ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં જનરલ અલ-હદ્દાદની સાથે લીબિયન ગ્રાઉન્ડ ફોર્સના ચીફ અલ-ફિતૌરી ઘ્રેબીલ, મિલિટરી મેન્યુફેક્ચરિંગ એજન્સીના ડાયરેક્ટર મહમૂદ અલ-કુતાવી, ચીફ ઓફ સ્ટાફના સલાહકાર મોહમ્મદ અલ-અસાવી દીબ અને મીડિયા ઓફિસના ફોટોગ્રાફર મોહમ્મદ ઉમર અહેમદ મહજૂબનું પણ મૃત્યુ થયું છે. લીબિયન સત્તાવાળાઓએ પ્રાથમિક તપાસના આધારે આ દુર્ઘટનાનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું જણાવ્યું છે.
એરપોર્ટને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું
જનરલ અલ-હદ્દાદ તૂર્કિયેમાં ઉચ્ચ સ્તરીય સંરક્ષણ મંત્રણા માટે આવ્યા હતા, જ્યાં તેમણે તૂર્કિયેના સંરક્ષણ મંત્રી યાસર ગુલર અને ચીફ ઓફ જનરલ સ્ટાફ સેલ્ચુક બાયરક્તારોગલુ સહિતના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ લીબિયા અને તૂર્કિયે વચ્ચેના સૈન્ય અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવાનો હતો. આ દુર્ઘટના બાદ સુરક્ષા કારણોસર અંકારાના એસેનબોગા એરપોર્ટને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. તૂર્કિયેના ન્યાય મંત્રાલયે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ચાર સભ્યોની વિશેષ ટીમની રચના કરી છે. બીજી તરફ, લીબિયાના વડાપ્રધાનએ જનરલ અલ-હદ્દાદના અવસાનને દેશ માટે 'અપૂરણીય ખોટ' ગણાવી છે અને શોક વ્યક્ત કર્યો છે. આ ઘટના લીબિયાના સૈન્ય નેતૃત્વ માટે એક ગંભીર પડકાર તરીકે જોવામાં આવી રહી છે.








