Sugar Price Hike: દેશમાં ખાંડના વધતા ભાવ અને સ્ટોકમાં ઘટાડાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે ખાંડના ભાવ વધારા મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તહેવારો પહેલાં સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. ખડગેએ કહ્યું, કે તહેવારોની સિઝન પહેલાં મોદી સરકારની નીતિઓની કડવાશ ખાંડની મીઠાશમાં ભળી ગઈ છે. તેમણે સવાલ કર્યો કે વિશ્વના મોટા ખાંડ ઉત્પાદક અને નિકાસકાર દેશોમાં સામેલ ભારતનો ખાંડનો સ્ટોક નવ વર્ષના નીચલા સ્તરે કેવી રીતે પહોંચી ગયો.
‘આ કેવું આત્મનિર્ભર ભારત?’
ખડગેએ કેન્દ્ર સરકારને ત્રણ સવાલ કર્યા છે. તેમણે પૂછ્યું કે દેશમાં ખાંડની અછત વચ્ચે 10 લાખ ટન રો સુગર ડ્યુટી ફ્રી આયાત કરવાની જરૂર કેમ પડી? તેમણે વધુમાં સવાલ કર્યો કે એક તરફ ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત થાય છે અને બીજી તરફ વિદેશથી ખાંડ આયાત કરવી પડી રહી છે. ખડગેએ શેરડીના ઉપયોગને લઈને પણ સરકારને ઘેરી હતી. તેમનું કહેવું છે કે શેરડીમાંથી ખાંડ બનાવવાની જગ્યાએ તેનો ઉપયોગ પેટ્રોલમાં ભેળવવા માટેના ઇથેનોલના ઉત્પાદનમાં થઈ રહ્યો છે.
ઘણા શહેરોમાં ખાંડનો ભાવ ₹70 પ્રતિ કિલો સુધી પહોંચ્યો
દેશના કેટલાક શહેરોમાં ખાંડનો છૂટક ભાવ ₹70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ખાંડના ભાવમાં આશરે 40 ટકાનો વધારો થયો છે. ભાવને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકારે 31 ઓક્ટોબર સુધી 10 લાખ ટન રો સુગર ડ્યુટી વગર આયાત કરવાની મંજૂરી આપી છે. ખાંડ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ગોળના ભાવમાં આશરે 24 ટકા, ચોખામાં 16 ટકા અને મકાઈના લોટમાં 11 ટકા સુધીનો વધારો નોંધાયો હોવાના આંકડા સામે આવ્યા છે.
મિલો પાસે ખાંડનો સ્ટોક ઘટ્યો
ખાંડના ભાવ વધવા પાછળનું એક કારણ મિલો પાસે રહેલા સ્ટોકમાં ઘટાડો પણ માનવામાં આવી રહ્યું છે. ગયા સિઝનમાં પિલાણ શરૂ થાય તે પહેલાં મિલો પાસે આશરે 47 લાખ ટન ખાંડનો સ્ટોક હતો, જ્યારે આ વખતે તે ઘટીને લગભગ 32 લાખ ટન રહ્યો છે. બીજી તરફ, ઇથેનોલના ઉત્પાદન માટે પણ શેરડી અને તેના ઉત્પાદનોનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે દેશમાં આશરે 720 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થયું હતું.
સરકારે કહ્યું- ઇથેનોલના કારણે ખાંડ મોંઘી નથી થઈ
કેન્દ્ર સરકારે ખાંડના ભાવ વધારા માટે ઇથેનોલ ઉત્પાદનને જવાબદાર ગણવાનો ઇનકાર કર્યો છે. ખાદ્ય સચિવ સંજીવ ચોપરાના જણાવ્યા મુજબ, ખાંડના ભાવ વધવા પાછળ સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો, તહેવારો પહેલાં વધેલી માંગ, હવામાનને કારણે શેરડીના પાકને થયેલું નુકસાન અને આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાય સંબંધિત દબાણ જેવા કારણો જવાબદાર છે. ચોપરાએ જણાવ્યું હતું, કે દેશમાં ઘરેલું જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો ખાંડનો સ્ટોક ઉપલબ્ધ છે. તેમ છતાં છેલ્લા કેટલાક દિવસોમાં મિલો દ્વારા ભાવ વધારવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ 20 જુલાઈએ ખાંડની સરેરાશ છૂટક કિંમત ₹48 પ્રતિ કિલો હતી, જે વધીને ₹56 પ્રતિ કિલો થઈ છે. જ્યારે એક્સ-મિલ કિંમત ₹47-48થી વધીને માત્ર 7થી 10 દિવસમાં ₹62 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
ઇથેનોલમાં ખાંડનો ઉપયોગ ઘટ્યો હોવાનો સરકારનો દાવો
ખાદ્ય સચિવના જણાવ્યા મુજબ, દેશમાં ઉત્પાદિત ઇથેનોલનો હવે લગભગ એક ચતુર્થાંશ હિસ્સો જ ખાંડમાંથી બને છે, જ્યારે મોટો હિસ્સો મકાઈ સહિતના અનાજમાંથી તૈયાર થાય છે. ઇથેનોલ માટે ડાયવર્ટ કરવામાં આવતી ખાંડનો હિસ્સો 2022-23માં 12 ટકા હતો, જે 2025-26માં ઘટીને લગભગ 9 ટકા થયો છે. વર્તમાન સિઝનમાં આશરે 28 લાખ ટન ખાંડ ઇથેનોલ માટે ડાયવર્ટ કરવામાં આવી હોવાનો સરકારનો દાવો છે.
ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક
ભારત બ્રાઝિલ બાદ વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ છે. 2021-22માં ભારતે આશરે 1.1 કરોડ ટન ખાંડની રેકોર્ડ નિકાસ કરી હતી. જોકે ત્યારબાદ નિકાસમાં સતત ઘટાડો નોંધાયો છે. 2022-23માં ખાંડ, મોલાસીસ અને સંબંધિત ઉત્પાદનોની નિકાસ આશરે 1.33 કરોડ ટન હતી, જે 2023-24માં ઘટીને 51.35 લાખ ટન અને 2024-25માં 38.43 લાખ ટન થઈ હતી. હવે સ્થાનિક સપ્લાય પર દબાણ વચ્ચે ભારતને વિદેશથી કાચી ખાંડ આયાત કરીને ભારતીય મિલોમાં રિફાઇન કરવાની જરૂર પડી રહી છે. ખાંડના ભાવ વધારા વચ્ચે સરકાર અને વિપક્ષના દાવાઓ અલગ-અલગ છે. હવે તહેવારોની સિઝન પહેલાં ખાંડના ભાવને કાબૂમાં લેવા સરકાર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.








