ટૉપ ન્યૂઝ

'એક આતંકવાદી દેશ મને સવાલ પૂછે છે...', UNમાં જયશંકરે પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી

26 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'એક આતંકવાદી દેશ મને સવાલ પૂછે છે...', UNમાં જયશંકરે પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી

S Jaishankar UNGA 2026: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્ર દરમિયાન ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે એક પાકિસ્તાની પત્રકારની ઝાટકણી કાઢી હતી. લાઇબેરિયાના વિદેશ મંત્રી સારા બેસોલો ન્યાન્તી સાથે યોજાયેલી સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન, જ્યારે એક પાકિસ્તાની રિપોર્ટરે ભારત પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતો પ્રશ્ન પૂછ્યો ત્યારે વિદેશ મંત્રીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કટાક્ષ કરતાં કહ્યું કે, એક આતંકવાદી દેશ મને આ સવાલ પૂછી રહ્યો છે. આટલું બોલીને તેઓ સ્મિત સાથે આગળ વધી ગયા હતા. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પારવથાનેની હરીશે પણ પત્રકારને સ્પષ્ટ કર્યું હતું કે, તેમને જવાબ મોટેથી અને સ્પષ્ટપણે મળી ગયો છે.

ભૂતકાળમાં પણ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું
ભારતીય વિદેશ મંત્રી દ્વારા પાકિસ્તાની પત્રકારો કે મુત્સદ્દીઓને આવી રીતે રોકડિયો જવાબ આપવાની આ પહેલી ઘટના નથી. આ અગાઉ ડિસેમ્બર 2022માં ન્યૂયોર્કમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જ્યારે પાકિસ્તાની પત્રકારે દક્ષિણ એશિયામાં આતંકવાદ અંગે પ્રશ્ન કર્યો હતો, ત્યારે જયશંકરે કહ્યું હતું કે તેઓ ખોટા મંત્રીને પ્રશ્ન પૂછી રહ્યા છે અને પાકિસ્તાન ક્યાં સુધી આતંકવાદ ચાલુ રાખવા માગે છે તેનો જવાબ પાકિસ્તાની મંત્રીઓ જ આપી શકશે. આ ઘટનાઓ દર્શાવે છે કે, ભારત વૈશ્વિક મંચો પર પાકિસ્તાન દ્વારા પ્રસરતા આતંકવાદ સામે સતત આકરું વલણ અપનાવી રહ્યું છે.

સરહદ પારના આતંકવાદ પર ભારતનું ઝીરો ટોલરન્સ વલણ
ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદનો મુદ્દો લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય મંચો પર ચર્ચાનો વિષય રહ્યો છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક પ્લેટફોર્મ પર પહલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો છે, જેમાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તે હુમલા બાદ ભારતે પોતાની સુરક્ષા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઉપરાંત, પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના મોહરા સમાન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF)ને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરાવવામાં અને આતંકવાદી ફંડિંગ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરાવવામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે.

દરિયાઈ માર્ગો પર વધી રહેલા હુમલા અંગે ગંભીર ચિંતા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડૉ. જયશંકરે દરિયાઈ સુરક્ષા અને વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓનો મુદ્દો પણ પ્રમુખતાથી ઉઠાવ્યો હતો. તેમણે ખાડી ક્ષેત્ર, લાલ સમુદ્ર (Red Sea), હોર્મુઝની સામુદ્રધુની અને કાળા સમુદ્ર (Black Sea) માં નાવિકો તથા વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરિયામાં હિંસા અને જાનમાલના નુકસાનનું કોઈ પણ બહાનું વ્યાજબી ઠેરવી શકાય નહીં, કારણ કે આવા હુમલા વૈશ્વિક વેપાર અને દરિયાઈ મુસાફરોની સુરક્ષા માટે મોટો ભય ઊભો કરે છે.

દરિયાઈ અસુરક્ષામાં ભારતીય નાવિકોના મોત
છેલ્લા કેટલાક મહિનાઓમાં દરિયાઈ માર્ગો પર થયેલા વિવિધ હુમલાઓમાં ભારતીય નાવિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. બ્લેક સીમાં એમવી ઓમોર્ફી પર થયેલા હુમલામાં ભારતીય ચીફ ઓફિસરનું મોત થયું હતું, જ્યારે એમવી ગોલ્ડન લિયો પરના હુમલામાં ચાર ભારતીય નાવિકો માર્યા ગયા હતા. આ ઉપરાંત હોર્મુઝ સ્ટ્રેટમાં એલ ગૈયા ટેન્કર પર થયેલા હુમલા બાદ એક ભારતીય ક્રૂ સભ્ય ગુમ થયો હતો અને ઓમાનની ખાડીમાં એમવી કેપ ડાઓ પરના હુમલામાં પણ એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાઓ દરિયાઈ સુરક્ષા મજબૂત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.

UNGAના ઉચ્ચ સ્તરીય સત્રમાં ભારતનો મજબૂત પક્ષ
વિદેશ મંત્રી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના હાઈ લેવલ સેગમેન્ટમાં ભારત તરફથી સંબોધન કરવાના છે. પોતાના સંબોધનમાં તેઓ વૈશ્વિક સુરક્ષા, ગ્લોબલ સાઉથના મુદ્દાઓ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના સુધારા પર ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરશે. ભૂતકાળની જેમ ભારત આ વખતે પણ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ દોહરાવશે અને આતંકવાદીઓને આશ્રય આપતા તેમજ ફંડિંગ પૂરું પાડતા દેશોને વૈશ્વિક સ્તરે જવાબદાર ઠેરવવાની માંગ મજબૂત કરશે.

Tags:
#WorldNews#GujaratNews#PMModi#UNGA#Terrorism
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026