Jaipur Road Accident: રાજસ્થાનની રાજધાની જયપુરના ચાકસુ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. કોટા-જયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-52 પર થયેલા આ અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી હતા અને ધાર્મિક પ્રવાસ પર નીકળ્યા હતા.
વહેલી સવારે સર્જાયો કાળમુખો અકસ્માત
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત શનિવારે સવારે લગભગ 5:30 વાગ્યે હાઈવે પર ટિગરિયા વળાંક પાસે થયો હતો. જબલપુરનો આ પરિવાર અને મિત્રો ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ સીકર સ્થિત ખાટુશ્યામજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. વહેલી સવારનો સમય હોવાથી ડ્રાઈવરને અચાનક ઊંઘનું ઝોકું આવી ગયું હતું, જેના કારણે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પૂરપાટ ઝડપે આગળ જઈ રહેલા એક ટ્રેલરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.
કારના કુરચા બોલી ગયા
ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અને કારના ફુરચા બોલી ગયા હતા. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત નીપજ્યું હતું.
મૃતકોની ઓળખ
મૃતકોની ઓળખ રેશ્મા શ્રીવાસ્તવ, પીયૂષ રાય, રાહુલ રજક, શાનુ અને ડ્રાઈવર અનુરાગ તરીકે કરવામાં આવી છે. અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતા જ ચાકસુ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
ધાર્મિક યાત્રા માતમમાં ફેરવાઈ
મૃતકો બે દિવસ પહેલા જબલપુરથી ધાર્મિક યાત્રા માટે નીકળ્યા હતા. 13 ફેબ્રુઆરીના રોજ તેઓએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા હતા અને ત્યાંથી ખુશખુશાલ વાતાવરણમાં ખાટુશ્યામજી જવા રવાના થયા હતા. પરંતુ મંજિલ સુધી પહોંચે તે પહેલા જ કાળનો પંજો ફરી વળ્યો હતો.
પોલીસ દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી
પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની ઊંઘને જ અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. હાલમાં તમામ મૃતદેહોને ચાકસુ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા જબલપુરમાં રહેતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આ કરુણ અકસ્માતે જબલપુરમાં શોકનું મોજું ફેરવી દીધું છે.








