IRCTC Money Laundering Case: દિલ્હીની વિશેષ રાઉસ એવન્યુ કોર્ટ તરફથી આવેલો આદેશ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર માટે ખૂબ જ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. IRCTC સાથે જોડાયેલા મની લોન્ડરિંગના બહુચર્ચિત કેસમાં કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે મની લોન્ડરિંગના ગંભીર આરોપો ઘડવાનો (ચાર્જ ફ્રેમ કરવાનો) સ્પષ્ટ આદેશ આપ્યો છે. આ ચુકાદા બાદ લાલુ પરિવારની કાનૂની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
કોર્ટે કુલ 9 લોકો અને સંસ્થાઓ સામે આદેશ આપ્યો
રાઉસ એવન્યુ કોર્ટે આ કેસમાં માત્ર લાલુ પરિવાર જ નહીં, પરંતુ અન્ય સાથીદારો અને કંપનીઓ સામે પણ કાનૂની કાર્યવાહી મજબૂત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના ચુકાદા મુજબ, લારા પ્રોજેક્ટ્સ, લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, પીસી ગુપ્તા, સરલા ગુપ્તા, સુજાતા હોટેલ્સ તેમજ વિજય કોચર અને વિનય કોચર સહિત કૂલ 9 વ્યક્તિઓ અને સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસરના ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. બીજી તરફ, પુરાવાના અભાવે કોર્ટે આ જ મામલામાં અન્ય કેટલાક આરોપીઓને મુક્ત પણ કર્યા છે.
'રાજકીય રીતે પ્રેરિત તપાસ નથી' – કોર્ટનું મહત્વનું અવલોકન
કેસની સુનાવણી દરમિયાન કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ થઈ રહેલી તપાસ કોઈ રાજકીય દ્વેષ કે બદલાની ભાવનાથી પ્રેરિત નથી. તપાસ એજન્સીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને કાગળોના આધારે કાયદાકીય પ્રક્રિયા આગળ વધી રહી છે. કોર્ટના આ અવલોકનથી તપાસ એજન્સીઓની કાર્યવાહીને મોટું સમર્થન મળ્યું છે.
પટનાની જમીન ગુનાની આવક ગણાવાઈ
આ સમગ્ર વિવાદ અને તપાસનો મુખ્ય આધાર જમીનની ગેરકાયદેસર ટ્રાન્સફર સાથે જોડાયેલો છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે IRCTC હોટેલ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા આચરીને પટનામાં જે જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી, તે જમીન વાસ્તવમાં 'ગુનાની આવક' છે. ટેન્ડર આપવાના બદલામાં કિંમતી જમીન કથિત રીતે ખુબ જ ઓછી કિંમતે અથવા બેનામી રીતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાના ગંભીર પુરાવા એજન્સીઓને મળ્યા છે.
શું છે સમગ્ર IRCTC કૌભાંડનો કેસ?
આ કૌભાંડ એ સમયનું છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. તે સમયે પૂરી અને રાંચીમાં આવેલી IRCTCની બે આઈઆરસીટીસી હોટેલોના સંચાલન અને દેખરેખ માટેના ટેન્ડર ખાનગી કંપની (સુજાતા હોટેલ્સ)ને આપવામાં આવ્યા હતા. આરોપ છે કે આ ટેન્ડરો આપવાના બદલામાં લાલુ યાદવના પરિવારને કિંમતી જમીનના ટુકડા લાંચ કે ગેરકાયદેસર લાભ તરીકે સોંપવામાં આવ્યા હતા, જેમાં ઈડી અને સીબીઆઈ દ્વારા લાંબા સમયથી તપાસ ચાલી રહી છે.








