US Iran Nuclear Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે હવે શાંતિની નવી આશા જાગી છે. ઈરાને કતાર મારફતે અમેરિકા સમક્ષ નવો અણુ પ્રસ્તાવ મોકલ્યો છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકા હાલમાં આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે અણુ મુદ્દે કે અન્ય કોઈપણ પ્રકારની વાટાઘાટો શરૂ કરતાં પહેલાં અમેરિકાએ તેની સાત શરતો સ્વીકારવી પડશે.
અમેરિકા સામે ઈરાનની સાત આકરી શરતો
ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસિન રઝાઈએ રશિયા પ્રવાસ દરમિયાન ઈરાનની માંગણીઓનો ફરીથી ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા સાતેય શરતો સ્વીકારે નહીં ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે અને કોઈ વાટાઘાટો પણ શરૂ થશે નહીં. ઈરાનની મુખ્ય સાત માંગણીઓમાં આર્થિક પ્રતિબંધો હટાવવા, વિદેશોમાં ફ્રીઝ કરાયેલી ઈરાની સંપત્તિ મુક્ત કરવી, યુદ્ધના નુકસાનનું વળતર ચૂકવવું અને અમેરિકન નૌકાદળની નાકેબંધી દૂર કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધ્ય પૂર્વમાંથી અમેરિકન સૈન્યની વાપસી સહિતની શરતો પણ ઈરાને મૂકી છે.
વાટાઘાટોની પદ્ધતિને લઈને પણ મતભેદ
બીજી તરફ, અમેરિકાનું વલણ છે કે કોઈપણ પ્રારંભિક વાતચીતમાં અણુ મુદ્દાને સામેલ કરવો અત્યંત જરૂરી છે. આ કારણે બંને દેશો વચ્ચે માત્ર શરતોને લઈને જ નહીં, પરંતુ વાટાઘાટો કઈ રીતે શરૂ કરવી તે મુદ્દે પણ મતભેદો છે. કતાર સહિતના અન્ય મધ્યસ્થી દેશો બંને પક્ષો વચ્ચે તણાવ ઓછો કરવા પ્રયાસ કરી રહ્યા છે. હવે અમેરિકા ઈરાનની સાત શરતો અંગે શું નિર્ણય લે છે તેના પર આગળની રાજદ્વારી પ્રક્રિયાનો આધાર રહેશે.
મિડટર્મ ચૂંટણી બાદ ફરી ભડકી શકે છે યુદ્ધ?
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યા બાદ શરૂ થયેલો સંઘર્ષ સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાયો હતો. આ ટકરાવમાં લેબેનોનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુતી વિદ્રોહીઓ પણ સામેલ થયા હતા. હવે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ સૈન્ય ટકરાવ ફરી શરૂ થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચૂંટણી બાદ ફરી સૈન્ય કાર્યવાહી કરવાની શક્યતાને નકારી નથી. બીજી તરફ, ઈરાને પણ ચેતવણી આપી છે કે જો યુદ્ધ ફરી શરૂ થશે તો આ વખતે તેનો જવાબ અગાઉ કરતાં વધુ આકરો હશે. આવી સ્થિતિમાં ઈરાનના શાંતિ પ્રસ્તાવ પર અમેરિકાનો નિર્ણય બંને દેશો વચ્ચેના આગામી સંબંધો માટે મહત્વપૂર્ણ બની શકે છે.








