Iran IRGC Killed 100 MEK Fighters: ઈરાનની રાજધાની તેહરાન સોમવારે રાત્રે યુદ્ધનું મેદાન બની ગઈ હતી. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને વિરોધ પક્ષના સશસ્ત્ર જૂથ 'મુજાહિદ્દીન-એ-ખલ્ક' (MEK) વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં અંદાજે 100 થી વધુ લડવૈયાઓ માર્યા ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ અથડામણ ઈરાનના સૌથી સુરક્ષિત ગણાતા 'મોતાહારી કોમ્પ્લેક્સ' નજીક થઈ હતી, જ્યાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીનું મુખ્ય મથક આવેલું છે.
સર્વોચ્ચ નેતાના ગઢમાં ઘૂસણખોરીનો પ્રયાસ
પ્રાપ્ત વિગતો મુજબ, શિયા-માર્ક્સવાદી વિચારધારા ધરાવતા MEK જૂથના લડવૈયાઓએ તેહરાનમાં અત્યંત રક્ષિત એવા સરકારી સંકુલમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંકુલ માત્ર આયાતુલ્લાહ ખામેનીનું મુખ્યાલય જ નહીં, પરંતુ ગાર્ડિયન કાઉન્સિલ, ગુપ્તચર મંત્રાલય, અને ન્યાયતંત્રનું કેન્દ્રીય કાર્યાલય પણ ધરાવે છે. આ જ સંકુલમાં ખામેનીના પુત્ર મોજતબાનું ઘર અને ઓફિસ પણ આવેલી છે. સોમવારે સવારે જ્યારે ખામેનીના કાર્યાલયમાં નમાજ ચાલી રહી હતી ત્યારે આ અથડામણો શરૂ થઈ હતી.
બંને પક્ષોના દાવા અને જાનહાનિ
ઈરાની રાજ્ય મીડિયા 'તસ્નીમ ન્યૂઝ એજન્સી' અને હિઝબુલ્લાહ સાથે જોડાયેલા 'અલ અખબાર' એ આ અથડામણની પુષ્ટિ કરી છે. IRGCએ દાવો કર્યો છે કે તેમણે 100 જેટલા MEK લડવૈયાઓને ઠાર કર્યા છે. બીજી તરફ, MEKએ આ હુમલાને 'સફળ' ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના સરકારના સમર્થકો હતા. જૂથના જણાવ્યા અનુસાર, 150 થી વધુ બળવાખોરો સુરક્ષિત રીતે તેમના બેઝ પર પરત ફર્યા છે. અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં એમ્બ્યુલન્સનો મોટો કાફલો જોવા મળ્યો હતો, જે જાનહાનિનો આંકડો મોટો હોવાના સંકેત આપે છે.
'સૌથી ખતરનાક અને મુશ્કેલ કામગીરી'
અલ-અખબારના અહેવાલ મુજબ, આ ઓપરેશન MEK દ્વારા ઈરાની ધરતી પર કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી ખતરનાક અને જટિલ કામગીરીમાંની એક હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ બળવાખોરોને વિદેશી ગુપ્તચર એજન્સીઓનું સીધું સમર્થન પ્રાપ્ત હતું. જોકે, ઈરાની સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે તેમણે આ ઘૂસણખોરીના પ્રયાસને શરૂઆતના તબક્કે જ નિષ્ફળ બનાવી દીધો હતો.
આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ
મંગળવારે MEK જૂથે જાહેરાત કરી હતી કે તેઓ માર્યા ગયેલા અને ઘાયલ લડવૈયાઓના નામ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનોને સોંપશે. તેમણે યુએનના વિશેષ સંવાદદાતા સાથે અટકાયતમાં લેવાયેલા 16 સભ્યોની યાદી પહેલેથી જ શેર કરી દીધી છે. ઈરાન સરકાર MEKને એક 'આતંકવાદી જૂથ' માને છે. તસ્નીમ ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં આડકતરી રીતે અમેરિકા પર નિશાન સાધતા જણાવ્યું કે, MEK એ નથી સમજી રહ્યું કે ટ્રમ્પ જેવા નેતાઓ અન્ય દેશોનો માત્ર પોતાના લાભ માટે ઉપયોગ કરે છે. આ ઘટનાએ ઈરાનની આંતરિક સુરક્ષા અને ગુપ્તચર પ્રણાલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સર્વોચ્ચ નેતાના મુખ્યાલય સુધી બળવાખોરોનું પહોંચવું એ ઈરાની શાસન માટે એક મોટો પડકાર માનવામાં આવે છે.








