Indigo Flight Crisis: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં સર્જાયેલી ફ્લાઇટ કટોકટી અને મુસાફરોને થયેલી હાલાકી અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પોતાનો તપાસ અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલમાં એરલાઇનની ગંભીર બેદરકારી અને મેનેજમેન્ટની ખામીઓનો ખુલાસો થયો છે, જેને પગલે DGCAએ ઇન્ડિગો પર કુલ ₹22.20 કરોડનો તોતિંગ દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, એરલાઇને ભવિષ્યના સુધારા માટે ₹50 કરોડની બેંક ગેરંટી પણ જમા કરાવવી પડશે.
સિસ્ટમમાં સુધારા માટે ₹50 કરોડની બેંક ગેરંટી
DGCAએ માત્ર દંડ જ નથી ફટકાર્યો, પરંતુ એરલાઇનને લાંબા ગાળાના સિસ્ટમ સુધારા માટે કડક નિર્દેશો આપ્યા છે. ઇન્ડિગોએ ₹50 કરોડની બેંક ગેરંટી જમા કરાવવી પડશે, જેનો ઉપયોગ 'ઇન્ડિગો સિસ્ટમિક રિફોર્મ એશ્યોરન્સ સ્કીમ' (ISRAS) હેઠળ કરવામાં આવશે. આ યોજનાનો હેતુ ભવિષ્યમાં ફ્લાઇટ ઓપરેશન્સમાં થતા વિક્ષેપોને રોકવા અને તકનીકી ખામીઓને સુધારવાનો છે. આ ઉપરાંત, વિવિધ છ જોગવાઈઓના ઉલ્લંઘન બદલ અલગથી ₹1.80 કરોડનો (દરેક ઉલ્લંઘન દીઠ ₹30 લાખ) વધારાનો દંડ લાદવામાં આવ્યો છે.
ટોચના અધિકારીઓ સામે કડક કાર્યવાહી
આ કટોકટી માટે DGCA એ એરલાઇનના ઉચ્ચ મેનેજમેન્ટને સીધેસીધું જવાબદાર ઠેરવ્યું છે. ફ્લાઇટ ઓપરેશન્સ અને કટોકટી વ્યવસ્થાપનમાં દેખરેખના અભાવ બદલ CEO ને સત્તાવાર ચેતવણી અપાઈ છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) વિન્ટર શેડ્યૂલ 2025 અને નવા ફ્લાઇટ ડ્યુટી નિયમોનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જણાવાયું છે. સૌથી કડક પગલું લેતા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટને તેમની ઓપરેશનલ જવાબદારીઓમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં કોઈપણ જવાબદાર પદ પર તેમની નિમણૂક ન કરવા નિર્દેશ આપ્યો છે.
તપાસમાં શું બહાર આવ્યું?
DGCAની તપાસ સમિતિએ નોંધ્યું છે કે ફ્લાઇટમાં અતિશય વિલંબ અને મોટા પાયે રદ થવા પાછળ 'અતિશય ઓપરેશનલ ઑપ્ટિમાઇઝેશન' જવાબદાર હતું. એટલે કે, કંપનીએ ક્ષમતા કરતા વધુ ફ્લાઇટ્સ ચલાવવાની કોશિશ કરી પરંતુ તેની પાસે પૂરતી તૈયારી નહોતી. સોફ્ટવેરની ખામીઓ અને નવા ફ્લાઇટ ડ્યુટી નિયમોના અમલીકરણમાં નિષ્ફળતાને કારણે એરલાઇન પાસે પૂરતા 'ઓપરેશનલ બફર' (વધારાના ક્રૂ કે સાધનો) ઉપલબ્ધ નહોતા, જેણે કટોકટીને વધુ ગંભીર બનાવી હતી.
અહેવાલ એરલાઇન ઉદ્યોગ માટે ચેતવણી સમાન
આ અહેવાલ એરલાઇન ઉદ્યોગ માટે એક ચેતવણી સમાન છે કે મુસાફરોની સુરક્ષા અને સમય સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી ચલાવી લેવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે ઇન્ડિગો આટલી મોટી રકમના દંડ અને ફેરફારો બાદ તેની સેવાઓમાં કેટલો સુધારો લાવી શકે છે.








