Indian rupee hits all time low: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવની અસર હવે ભારતીય અર્થતંત્ર પર પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. ખાસ કરીને ભારતીય રૂપિયો પર ભારે દબાણ જોવા મળ્યું છે. સોમવારે વિદેશી વિનિમય બજારમાં રૂપિયો પ્રથમ વખત પ્રતિ ડોલર 95ના ઐતિહાસિક નીચા સ્તરને પાર કરી ગયો હતો, જો કે દિવસના અંતે થોડી સુધાર સાથે તે 94.70 પર બંધ રહ્યો હતો.
રૂપિયાના અવમૂલ્યનને અટકાવી શકાય
આ અસ્થિરતાના માહોલ વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)નો મહત્વપૂર્ણ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ભારતીય રિઝર્વ બેંક (RBI)ને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની સલાહ આપવામાં આવી છે. SBIના ઇકોનોમિક રિસર્ચ અનુસાર, હાલમાં ભારત પાસે 700 અબજ ડોલરથી વધુનું મજબૂત ફોરેક્સ રિઝર્વ ઉપલબ્ધ છે, જે 10 મહિના કરતાં વધુના ઈમ્પોર્ટ ખર્ચને આવરી લેવા માટે પૂરતું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે RBI આ વિદેશી મુદ્રા ભંડારનો ઉપયોગ કરીને બજારમાં ડોલર વેચાણ શરૂ કરે, તો રૂપિયાના અવમૂલ્યનને અટકાવી શકાય છે. આ પ્રકારની દખલગીરી સટ્ટાબાજોને પણ નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે, મજબૂત ફોરેક્સ રિઝર્વ હોવાને કારણે ભારત પાસે બજારમાં વિશ્વાસ જાળવવાનો સારો મોકો છે.
250થી 300 મિલિયન ડોલરની ખરીદી ખુલ્લા બજારમાંથી કરે
SBIએ વધુમાં એક મહત્વપૂર્ણ સૂચન આપ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) માટે ડોલર ખરીદવા માટે અલગ 'સ્પેશિયલ વિન્ડો' બનાવવી જોઈએ. હાલ આ કંપનીઓ દરરોજ 250થી 300 મિલિયન ડોલરની ખરીદી ખુલ્લા બજારમાંથી કરે છે, જેના કારણે ડોલરની માંગ વધી જાય છે અને રૂપિયો વધુ નબળો પડે છે. જો RBI આ કંપનીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરે, તો મુખ્ય બજારમાં ડોલરની માંગ ઘટશે અને રૂપિયા પરનો દબાણ હળવો થશે. આથી સ્પષ્ટ થાય છે કે હાલની પરિસ્થિતિમાં માત્ર નજર રાખવી પૂરતી નથી, પરંતુ સક્રિય પગલાં લઈને રૂપિયાને સ્થિર રાખવું સમયની માંગ બની ગઈ છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક તણાવ વચ્ચે મજબૂત નીતિગત હસ્તક્ષેપ દ્વારા જ ભારત પોતાની ચલણ સ્થિરતા જાળવી શકશે.








