Drone Attack on Indian Oil Tanker: ઓમાનના દરિયાકિનારે એક મોટી અને ચિંતાજનક દુર્ઘટના સામે આવી છે. સોહર એન્કોરેજ (Sohar Anchorage) નજીક ઈંધણ લઈને જઈ રહેલા 'એમટી પેટ્રો ડોલ્ફિન' (MT Petro Dolphin) નામના ઓઈલ ટેન્કર પર અચાનક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના 11મી ઓક્ટોબરે ઘટી હતી, જેના કારણે મધ્ય પૂર્વના દરિયાઈ વિસ્તારમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો છે. આ ટેન્કરમાં કુલ 11 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા.
9 ભારતીય નાવિકોનો આબાદ બચાવ, 2 ગુમ
આ ભયાનક હુમલા બાદ સ્થાનિક કોસ્ટ ગાર્ડ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ટેન્કરમાં ફસાયેલા 11 ભારતીયોમાંથી 9 નાવિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ દુઃખદ વાત એ છે કે, હજુ પણ 2 ભારતીય ક્રૂ મેમ્બર્સનો કોઈ પત્તો મળ્યો નથી. દરિયામાં તેમને શોધવા માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
ભારતીય દૂતાવાસ સતત નજર હેઠળ
ઓમાન ખાતે આવેલું ભારતીય દૂતાવાસ આ સમગ્ર રેસ્ક્યુ કામગીરી પર પળેપળની નજર રાખી રહ્યું છે. ભારતીય સત્તાવાળાઓ સ્થાનિક ઓમાની કોસ્ટ ગાર્ડ અને શિપિંગ મેનેજમેન્ટ કંપની સાથે સતત સંપર્કમાં છે, જેથી ગુમ થયેલા બે નાવિકોને વહેલી તકે શોધી શકાય. સુરક્ષિત બચેલા 9 નાવિકોના કુશળ સમાચાર મળતા જ તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે ગુમ થયેલા નાવિકોના સગા-સંબંધીઓ તેમના સહીસલામત પાછા ફરવાની પ્રાર્થના કરી રહ્યા છે.
વેપારી જહાજો માટે સુરક્ષાનો મોટો પ્રશ્ન
આ ઘટનાથી મધ્ય પૂર્વના મહત્વપૂર્ણ જળમાર્ગ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારી અને માલવાહક જહાજો માટે આ માર્ગ અત્યંત સંવેદનશીલ બની ગયો છે. આ વિસ્તારમાં સતત વધી રહેલા હુમલા અને દરિયાઈ સીમાના તણાવને કારણે વ્યાપારી જહાજોના માલિકો અને નાવિકો બંને માટે જોખમ વધી રહ્યું છે.
વિસ્તારમાં પ્રવર્તતો તણાવ અને ઈરાની દળોની કડક ચેતવણી
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં પહેલાથી જ પરિસ્થિતિ વણસેલી છે. આ અગાઉ, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નેવી દ્વારા એક વિડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતું એક ટેન્કર સીમા રેખા પર મુકેલી માઈન સાથે અથડાતા તેમાં મોટો વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું હતું. ઈરાની સૈન્યનો દાવો હતો કે તે જહાજે પોતાની નેવિગેશન સિસ્ટમ બંધ કરી દીધી હતી. સાથે જ ઈરાને કડક ચેતવણી આપી છે કે, જો કોઈ પણ જહાજ વિસ્તારમાં નેવિગેશન બંધ કરીને પ્રતિબંધિત માર્ગે જશે તો તેને દુશ્મન લક્ષ્ય ગણીને તેની સામે લશ્કરી કે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.








