India UAE Defense Ties: પશ્ચિમ એશિયામાં પ્રાદેશિક સુરક્ષા અને 'મક્કા પેક્ટ' જેવી ચર્ચાઓ વચ્ચે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)એ સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. ગુરુવાર, 26 નવેમ્બરના રોજ અબુ ધાબીમાં યોજાયેલી ભારત-UAEની 14મી જોઈન્ટ ડિફેન્સ કો-ઓપરેશન કમિટી (JDCC)ની બેઠકમાં બંને દેશોએ આધુનિક હથિયારો અને સંરક્ષણ ઉપકરણોના સંયુક્ત વિકાસ તથા ઉત્પાદનને વેગ આપવા સંમતિ દર્શાવી છે. આ બેઠકમાં AI, સાયબર સુરક્ષા, સૈન્ય તાલીમ અને દરિયાઈ સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે પણ ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
'નો વૉર, નો પીસ'ના માહોલ વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા પર ભાર
અબુ ધાબીમાં યોજાયેલી 14મી JDCC બેઠકની સહ-અધ્યક્ષતા ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને UAEના સંરક્ષણ મંત્રાલયના અંડર સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ નાસિર એમ. અલ અલાવીએ કરી હતી. ભારતીય સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠકમાં વર્તમાન વૈશ્વિક સ્થિતિ અને 'નો વૉર, નો પીસ' એટલે કે ન તો સંપૂર્ણ યુદ્ધ અને ન તો સંપૂર્ણ શાંતિ જેવા જટિલ માહોલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ બદલાતા સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જુલાઈ 2025માં નવી દિલ્હીમાં યોજાયેલી 13મી JDCC બેઠક અને મે 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની UAE મુલાકાત દરમિયાન થયેલા 'ઇન્ડિયા-UAE સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ ફ્રેમવર્ક'ને ઝડપથી અમલમાં મૂકવા અંગે પણ ચર્ચા થઈ હતી.
સંરક્ષણ ક્ષેત્રે ભારત-UAEના 3 મોટા નિર્ણયો
નેક્સ્ટ જનરેશન હથિયારોનું સંયુક્ત ઉત્પાદન: બંને દેશો ભવિષ્યની સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નેક્સ્ટ જનરેશનનાં આધુનિક હથિયારો અને સંરક્ષણ ઉપકરણોનો સંયુક્ત વિકાસ કરશે. આ ઉપરાંત બંને દેશો સાથે મળીને આ હથિયારોનું ઉત્પાદન કરવાની પ્રક્રિયાને પણ વેગ આપશે.
AI, સાયબર સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ: આધુનિક યુદ્ધમાં ટેક્નોલોજી અને ડેટાની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને બંને દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), એડવાન્સ ટેક્નોલોજી, સાયબર સુરક્ષા, સૈન્ય તાલીમ અને દરિયાઈ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારશે.
સંયુક્ત પ્રોજેક્ટ્સની નિયમિત સમીક્ષા: નક્કી કરાયેલી યોજનાઓનો સમયસર અમલ થાય તે માટે બંને દેશોના સહ-અધ્યક્ષો આગામી JDCC બેઠક પહેલાં નિયમિત સમયાંતરે પ્રોજેક્ટ્સની સમીક્ષા અને દેખરેખ રાખશે.
સંરક્ષણ કંપનીઓ વચ્ચે પણ સીધો સંવાદ
સરકારી સ્તરે થયેલી ચર્ચાને આગળ વધારવા માટે ભારતીય સંરક્ષણ ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ પણ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સાથે અબુ ધાબી પહોંચ્યું હતું. અહીં ભારત અને UAEની સંરક્ષણ કંપનીઓ વચ્ચે બિઝનેસ-ટુ-બિઝનેસ બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં સંયુક્ત સાહસો અને ઉત્પાદનની નવી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળે UAEના તવાઝુન ઇન્ડસ્ટ્રિયલ પાર્કની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તવાઝુન ઇકોનોમિક કાઉન્સિલના અધિકારીઓ સાથે સંયુક્ત ઉત્પાદનની સંભાવનાઓ અંગે વાતચીત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન રાજેશ કુમાર સિંહે UAEના સંરક્ષણ રાજ્ય મંત્રી મોહમ્મદ બિન મુબારક ફાદેલ અલ મઝરૂઈ સાથે પણ મુલાકાત કરી હતી. બંને વચ્ચે પ્રાદેશિક ભૂ-રાજકીય સ્થિતિ અંગે વિચારોનું આદાનપ્રદાન થયું હતું. રાજેશ કુમાર સિંહે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વતી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ ઉપરાંત તેમણે અબુ ધાબીના રાષ્ટ્રીય સ્મારક 'વહત અલ કરામા' ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પહાડથી સમુદ્ર સુધી બંને દેશોની સૈન્ય ભાગીદારી
ભારત અને UAE વચ્ચેનો સંરક્ષણ સહયોગ માત્ર બેઠકો અને સમજૂતીઓ પૂરતો મર્યાદિત નથી. જમીન, આકાશ અને સમુદ્ર એમ ત્રણેય ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સૈન્ય તાલમેલ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઑક્ટોબર 2026માં ઉત્તરાખંડના ચૌબટિયા ખાતે 5થી 18 ઑક્ટોબર દરમિયાન બંને દેશોની સેનાઓએ 'માઉન્ટેન ગાર્જિયન 2026' નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં ભારતીય સેનાની ભૈરવ બટાલિયન અને UAEની માઉન્ટેન ઇન્ફન્ટ્રી બટાલિયનના 92 જવાનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન પહાડી વિસ્તારોમાં યુદ્ધની વ્યૂહરચના, ડ્રોન ઓપરેશન અને નિરીક્ષણ જેવી કામગીરીની તાલીમ આપવામાં આવી હતી. આ પહેલાં સપ્ટેમ્બર 2026માં અબુ ધાબીમાં બંને દેશો વચ્ચે 10મી 'નેવી સ્ટાફ ટોક્સ'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વેપારથી આગળ વધીને વ્યૂહાત્મક ભાગીદારી
ભારત અને UAE વચ્ચેના સંબંધો અત્યાર સુધી વેપાર, રોકાણ અને સાંસ્કૃતિક જોડાણ માટે જાણીતા રહ્યા છે. પરંતુ હવે બંને દેશો બદલાતા વૈશ્વિક સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સંરક્ષણ ક્ષેત્રે પણ નજીક આવી રહ્યા છે. નેક્સ્ટ જનરેશન હથિયારોનું સંયુક્ત ઉત્પાદન, આધુનિક ટેક્નોલોજી અને સૈન્ય તાલીમમાં સહયોગ જેવા નિર્ણયો બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા આપી શકે છે.








