Donald Trump Tariff Threat and India Reply: રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતા દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની દિશામાં અમેરિકા કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યું છે. જોકે, અમેરિકાની આ ધમકી અને દબાણ વચ્ચે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભારતનું કહેવું છે કે અમેરિકા ભલે ગમે તેટલા કડક નિયમો લાવે, દેશના હિત અને ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી ઓઈલની ખરીદી અંગે નિર્ણયો લેવામાં આવશે.
140 કરોડ ભારતીયોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો સાથે જોડાયેલા તમામ નિર્ણયો 140 કરોડ ભારતીયોના હિતોને ધ્યાનમાં રાખીને લે છે. સરકારની નીતિ દેશની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે અને આ મામલે ભારત પોતાના વલણ પર અડગ રહેશે.
અમેરિકન સેનેટમાં 'લિન્ડસે ગ્રેહામ બિલ' પસાર
અમેરિકામાં આ કાયદાને ‘લિન્ડસે ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન બિલ’ નામ આપવામાં આવ્યું છે. અમેરિકન સેનેટમાં આ બિલ 86-11ની બહુમતીથી પસાર થઈ ચૂક્યું છે અને હવે તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વોટિંગ માટે લાવવામાં આવવાનું છે. બિલનો હેતુ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઓઈલ ખરીદતા દેશો પર 100 ટકા સુધીના ટેરિફ લાદવાનો માર્ગ મોકળો કરવાનો છે.
બિલમાં ભારતનું નામ સામેલ કરવાની માંગ
રિપોર્ટ્સ મુજબ, કેટલાક અમેરિકી સાંસદોએ બિલમાં રશિયા પાસેથી ઓઈલ ખરીદતા ટોચના દેશોના નામ સ્પષ્ટપણે સામેલ કરવાની માંગ કરી છે. તેમાં ભારત, ચીન, તુર્કી, અઝરબૈજાન, હંગેરી, યુએઈ અને સિંગાપોર જેવા દેશોના નામ ચર્ચામાં છે. કેટલાક સાંસદો ભારતનું નામ અલગથી ઉમેરીને તેના પર સીધો 100 ટકા ટેરિફ લાદવાની ભલામણ કરી રહ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
રશિયન ઓઈલ મુદ્દે અમેરિકા અગાઉ પણ લઈ ચૂક્યું છે કડક વલણ
અમેરિકાનો દાવો છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદીને યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાને આર્થિક મદદ પહોંચાડી રહ્યું છે. આ મુદ્દાને લઈને અમેરિકા અગાઉ પણ ભારત પર 50 ટકા ટેરિફ લાદી ચૂક્યું છે. જોકે, ભારતે તે સમયે પણ સ્પષ્ટ કર્યું હતું કે દેશની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિત માટે જરૂરી હોય તેવા નિર્ણયો લેવાનું ચાલુ રાખશે.








