India retail inflation rises: પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક વેપારમાં સર્જાયેલી અનિશ્ચિતતાની અસર હવે ભારતીય અર્થતંત્ર પર પણ દેખાવા લાગી છે. ફેબ્રુઆરી મહિનામાં દેશનો છૂટક મોંઘવારી દર વધીને 3.21 ટકા નોંધાયો છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં અસ્થિરતા સર્જાઈ છે, જેના કારણે તેલ પુરવઠા અને આંતરરાષ્ટ્રીય વેપાર પર જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિએ ભારતીય બજારમાં પણ મોંઘવારીના દબાણને વધાર્યું છે.
જાન્યુઆરીની સરખામણીએ મોંઘવારીમાં વધારો
સરકારી આંકડાઓ મુજબ જાન્યુઆરી મહિનામાં છૂટક મોંઘવારી દર 2.75 ટકા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને 3.21 ટકા સુધી પહોંચી ગયો છે. છૂટક મોંઘવારી માપવા માટે ઉપયોગમાં લેવાતો મુખ્ય સૂચકાંક ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) છે. આંકડાઓ દર્શાવે છે કે મોંઘવારીનો ફટકો શહેરોની સરખામણીએ ગામડાઓમાં વધુ અનુભવાયો છે. ફેબ્રુઆરીમાં ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર 3.37 ટકા રહ્યો હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 3.02 ટકા નોંધાયો છે. જોકે આ આંકડો હજુ પણ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 4 ટકાના લક્ષ્યાંકથી નીચે છે, જેના કારણે તાત્કાલિક રીતે નાણાકીય નીતિમાં મોટા ફેરફારની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો
ફેબ્રુઆરીમાં મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલો ઉછાળો માનવામાં આવે છે. જાન્યુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર 2.13 ટકા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને 3.47 ટકા થયો છે. આ ઉપરાંત હાઉસિંગ ક્ષેત્રે પણ થોડો વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં હાઉસિંગ મોંઘવારી 2.05 ટકા હતી, જે ફેબ્રુઆરીમાં વધીને 2.12 ટકા થઈ ગઈ છે. ઈંધણ અને લાઈટ કેટેગરીમાં મોંઘવારી દર 0.14 ટકા નોંધાયો છે. બીજી તરફ કેટલાક ક્ષેત્રોમાં મોંઘવારીમાં ઘટાડો પણ નોંધાયો છે. સ્વાસ્થ્ય સેવાઓનો મોંઘવારી દર 2.19 ટકાથી ઘટીને 1.90 ટકા થયો છે, જ્યારે કપડાં અને બૂટ-ચપ્પલની કેટેગરીમાં મોંઘવારી 2.98 ટકાથી ઘટીને 2.81 ટકા રહી છે.
ઈમ્પોર્ટેડ મોંઘવારીનું વધતું જોખમ
અર્થશાસ્ત્રીઓના મતે પશ્ચિમ એશિયામાં ઊભી થયેલી પરિસ્થિતિ ભારત માટે આયાતી મોંઘવારીનું જોખમ વધારી શકે છે. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુનીમાં વેપારી જહાજોની અવરજવર ખોરવાઈ છે. આ જળમાર્ગ વિશ્વના કુલ તેલ વેપારના લગભગ 20 ટકા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો આ માર્ગ લાંબા સમય સુધી અવરોધિત રહેશે તો ઊર્જા ઈમ્પોર્ટ પર નિર્ભર દેશો, ખાસ કરીને ભારત જેવા દેશોમાં ઈંધણના ભાવમાં વધારો થઈ શકે છે. વિશ્લેષકોનું માનવું છે કે જો વૈશ્વિક સપ્લાય ચેન પર તણાવ લાંબો સમય સુધી રહેશે તો આગામી મહિનાઓમાં ભારતની મોંઘવારી પર વધુ દબાણ જોવા મળી શકે છે.








