Hamza Bin Laden New Video: 9/11 હુમલાની 25મી વર્ષગાંઠ વચ્ચે અલ-કાયદાની સત્તાવાર મીડિયા શાખા ‘અસ-સહાબ’ દ્વારા લગભગ 50 મિનિટનો એક નવો પ્રચાર વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. વીડિયોમાં ઓસામા બિન લાદેનના પુત્ર અને કથિત ઉત્તરાધિકારી હમઝા બિન લાદેન જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ હમઝા હજુ જીવિત છે કે કેમ તે અંગે ફરી સવાલો ઊભા થયા છે. જો, કે અગાઉ અમેરિકન ગુપ્તચર અહેવાલોમાં હમઝા 2019ની આસપાસ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ વિસ્તારમાં અમેરિકન લશ્કરી કાર્યવાહીમાં માર્યો ગયો હોવાનું જણાવાયું હતું.
વીડિયોમાં અયમાન અલ-ઝવાહિરીની તસવીરો પણ જોવા મળી
‘11 સપ્ટેમ્બરના હુમલાઓની એક ક્વાર્ટર સદી’ નામના આ વીડિયોમાં હમઝા બિન લાદેન ઉપરાંત માર્યા ગયેલા અલ-કાયદા નેતા અયમાન અલ-ઝવાહિરીની કેટલીક અગાઉ જાહેર ન થયેલી તસવીરો પણ જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો, કે ઉપલબ્ધ માહિતી અનુસાર અલ-કાયદાએ હજુ સુધી હમઝાના મૃત્યુ અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ સ્વીકાર કર્યો નથી અને ઝવાહિરીના મૃત્યુ અંગે પણ કોઈ શોક સંદેશ જાહેર કર્યો નથી.
બિન લાદેનના નામનો ઉપયોગ ભરતી માટે થઈ રહ્યો હોવાનો દાવો
ગુપ્તચર વિશ્લેષકોના મતે, વીડિયોના માધ્યમથી યુવાનોને સંગઠનની વિચારધારા તરફ આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. હમઝા બિન લાદેનનું નામ અને તેની છબીનો ઉપયોગ કરીને અલ-કાયદાની જૂની છબી ફરી ઉભી કરવાનો તથા નવી ભરતીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સંગઠનના વર્તમાન નેતૃત્વની વિચારધારાને આગળ વધારવાનો પ્રયાસ પણ હોવાનું માનવામાં આવે છે.
કરાચી હુમલાના ફૂટેજથી વીડિયોની શરૂઆત
આ વીડિયોની એક મહત્વની બાબત એ છે કે તેની શરૂઆત આંતરરાષ્ટ્રીય સ્તરના મોટા હુમલાઓના બદલે 2014માં કરાચી નેવલ ડોકયાર્ડ પર AQIS દ્વારા કરવામાં આવેલા હુમલાના ઐતિહાસિક ફૂટેજથી થાય છે. ગુપ્તચર વિશ્લેષકોના મતે, આ પસંદગી અલ-કાયદાના પ્રચારમાં દક્ષિણ એશિયા અને ખાસ કરીને પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદી નેટવર્કને આપવામાં આવતી પ્રાથમિકતા તરફ ઈશારો કરી શકે છે.
હમઝાને ઓસામાના ઉત્તરાધિકારી તરીકે રજૂ કરવાનો પ્રયાસ?
વિશ્લેષકોના મતે, વીડિયોનું નિર્માણ જૂની જેહાદી છબી અને ભાવનાત્મક પ્રભાવને ફરી જીવંત કરવા માટે આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું હોવાનું જણાય છે. વીડિયોમાં હમઝા ઘણી વખત દેખાય છે અને પરંપરાગત વસ્ત્રોમાં, માટીની દિવાલની સામે બેઠેલો તથા નજીકમાં એસોલ્ટ રાઇફલ સાથે જોવા મળે છે. આવી રજૂઆતનો હેતુ હમઝાને તેના પિતા ઓસામા બિન લાદેનના વારસદાર તરીકે દર્શાવવાનો અને અલ-કાયદાની જૂની આતંકવાદી છબીને ફરી પ્રચારિત કરવાનો પ્રયાસ હોઈ શકે છે. જોકે, આ વીડિયો હમઝા ખરેખર જીવિત હોવાનો સ્વતંત્ર પુરાવો છે કે નહીં તે અંગે હજુ સવાલો યથાવત્ છે.








