Gujarat Police Action: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે અગાઉ ભેંસને લઈને થયેલા વિવાદ મામલે રાખવામાં આવેલી દાઝને લઈને બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન મારામારીના વીડિયો પણ સામે આવ્યા હતા. જોકે, આ મામલે ગુજરાત પોલીસે કાયદાકીય પગલાં લેવાના બદલે ન્યાયપાલિકાનું કામ પોતે કરવાનું પસંદ કર્યું છે. હાલ, એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પાલનપુર પોલીસ દ્વારા હુમલો કરનાર તમામને લાઇનમાં બેસાડીને તેમને ઢોરમાર મારવામાં આવી રહ્યો છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ભાગળ ગામે ભેંસના વિવાદ મામલે થયેલી દાઝને લઈને બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન ભોગ બનનાર મહિલાનો એવો આક્ષેપ હતો કે, તેઓ છોડાવવા ગયા ત્યારે તેમના વાળ ખેંચીને કપડાં ફાડી નાંખવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સર્ચ તેમજ કોંબિંગ દ્વારા આરોપીઓને ઝડપી લેવાયા હતા.
અસામાજિક તત્ત્વોએ કર્યો પથ્થરમારો
આ ઘટના અંગે વધુ માહિતી આપતા પીડિતાએ જણાવ્યું હતું કે, હું મારા 15 દિવસના બાળક સાથે ઘરની બહાર ઊભી હતી ત્યારે 25-30 લોકોનું ટોળુ અમારા ઘરની તરફ આવ્યું. પથ્થરમારો થતા હું મારા 15 દિવસના બાળકને લઈને ઘરની અંદર તરફ ભાગી અને તે દરમિયાન નીચે પડી ગઈ. જોકે, જેમ-તેમ મે મારા 15 દિવસના બાળકને ઘરમાં પૂર્યો અને બહાર પોતાના પરિવારજન પર કરવામાં આવતા હુમલામાં તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. જોકે, આ દરમિયાન તેને ઠેસ વાગતા નીચે પટકાઈ અને ઈજાગ્રસ્ત થઈ. અગાઉ ફટાકડાનો ઝઘડો હતો અને ગામમાં ત્રીજીવાર આવી ઘટના બની છે, તેમજ ઘરમાં ઘૂસીને હુમલો કરાતાં બાળકનો જીવ જોખમમાં મુકાયો હતો.
પોલીસે કરી કાર્યવાહી
હવે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ એક્શનમાં આવી છે. જેમાં પોલીસે તમામને ઝડપી લીધા છે. સૌથી પહેલાં તો પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક એવો પણ વીડિયો સામે આવ્યો છે, જેમાં પોલીસ પોતે કાયદો હાથમાં લઈને આરોપીઓને લાઇનસર બેસાડીને ઢોર માર મારી રહી છે.
કાયદેસરની કાર્યવાહી થશેઃ Dysp ડૉ. જીગ્નેશ ગામીત
સમગ્ર ઘટનાને લઈને Dysp ડૉ. જીગ્નેશ ગામીતે કહ્યું કે, 'ભાગળ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. FIR મુજબ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.' જોકે, બાદમાં પોલીસ કાયદાકીય નહીં પરંતુ, કાયદો જાણે તેમના ખિસ્સામાં હોય એ મુજબની કાર્યવાહી કરતા જોવા મળી હતી.
શું પોલીસ આ મુજબની કાર્યવાહી કરી શકે?
જો કાયદાકીય રીતે વાત કરીએ તો, કાયદાકીય રીતે પોલીસનું કામ આરોપીની ધરપકડ કરી, પુરાવા એકત્ર કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરવાનું છે. સજા આપવાનો અધિકાર માત્ર ન્યાયતંત્ર પાસે છે, પોલીસ પાસે નહીં.
ભારતીય બંધારણ શું કહે છે?
બંધારણનો અનુચ્છેદ 21 દરેક નાગરિકને 'જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર' આપે છે. આ અધિકાર હેઠળ કોઈપણ વ્યક્તિ (આરોપી પણ) સાથે અમાનવીય વર્તન કે યાતના કરી શકાતી નથી. ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર આરોપીને પણ મળેલો છે.
જાહેરમાં માર મારવાને લઈને ગુજરાત પોલીસને કોર્ટે ફટકારી સજા
ગુજરાત પોલીસ જાહેરમાં માર મારવા મુદ્દે સજા ભોગવી ચૂકી છે. હકીકતમાં 2022માં ખેડા જિલ્લામાં ગરબા કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાના આરોપસર ચાર પોલીસ અધિકારીઓએ લઘુમતિ સમાજના લોકોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં માર માર્યો હતો. જેમાં ગુજરાત હાઇકોર્ટે કોર્ટના તિરસ્કાર બદલ માર મારનાર પોલીસને 14 દિવસની કેદની સજા ફટકારવામાં આવી હતી.
કોર્ટનો તિરસ્કાર કેવી રીતે?
નોંધનીય છે કે, ચાર અધિકારીઓનું વર્તન 1996 ના ડી.કે બસુના ચુકાદામાં પોલીસ દુર્વ્યવહાર અને કસ્ટોડિયલ હિંસા સામે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો અનાદર કરતું હોવાનું જણાયું હતું. ડીકે બસુના ચુકાદામાં પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા ત્રાસ અને દુર્વ્યવહારથી વ્યક્તિના રક્ષણ માટે મુક્ત સમાજમાં ઊંડી ચિંતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. નિઃશંકપણે, પોલીસ કાનૂની ફરજ હેઠળ છે અને ગુનાની તપાસ દરમિયાન ગુનેગારની ધરપકડ કરવાનો અને તેની પૂછપરછ કરવાનો કાયદેસર અધિકાર ધરાવે છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે કાયદો ગુનાના ઉકેલ માટે પૂછપરછ અને તપાસ દરમિયાન કસ્ટડીમાં આરોપીને થર્ડ ડિગ્રી પદ્ધતિઓનો ઉપયોગ અથવા ત્રાસ આપવાની મંજૂરી આપતો નથી.
શું છે ડી.કે બાસુ કેસ?
ડી.કે. બાસુ vs સ્ટેટ ઑફ પંશ્ચિમ બંગાળ (D.K. Basu vs. State of West Bengal, 1997) એ ભારતીય ન્યાયિક ઇતિહાસનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ (Landmark) ચુકાદો છે. આ કેસ પોલીસ કસ્ટડીમાં થતી હિંસા, અત્યાચાર (Custodial Torture) અને મૃત્યુને રોકવા તેમજ ધરપકડ કરાયેલ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે જાણીતો છે.
26 ઓગસ્ટ, 1986ના રોજ પશ્ચિમ બંગાળની 'લીગલ એઇડ સર્વિસિસ' (Legal Aid Services, West Bengal) નામની બિન-રાજકીય સંસ્થાના એક્ઝિક્યુટિવ ચેરમેન દિલીપ કુમાર બાસુ (D.K. Basu) એ ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ (CJI) ને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે 'ધ ટેલિગ્રાફ' અને 'ધ સ્ટેટ્સમેન' જેવા અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચારોનો ઉલ્લેખ કરીને પોલીસ લોકઅપ અને કસ્ટડીમાં થતા અત્યાચાર અને રહસ્યમય મૃત્યુ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ પત્રની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેને જાહેર હિતની અરજી (PIL) તરીકે સ્વીકારી હતી. ત્યારબાદ અશોક કુમાર જોહરી દ્વારા ઉત્તર પ્રદેશમાં થયેલા કસ્ટોડિયલ ડેથ અંગે લખાયેલા પત્રને પણ આ કેસ સાથે જોડી દેવામાં આવ્યો હતો. 18 ડિસેમ્બર, 1996ના રોજ જસ્ટિસ કુલદીપ સિંહ અને જસ્ટિસ ડૉ. એ.એસ. આનંદની બેન્ચે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના મુખ્ય અવલોકનો
કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર ધરપકડ થવાથી કે જેલમાં જવાથી કોઈ નાગરિકના મૂળભૂત અધિકારો છીનવાઈ જતા નથી. બંધારણનો અનુચ્છેદ 21 આરોપીઓ અને કેદીઓને પણ એટલો જ લાગુ પડે છે. તપાસના નામે પોલીસ દ્વારા થતો શારીરિક કે માનસિક અત્યાચાર (Third-degree methods) એ માનવ ગૌરવ પર સીધો પ્રહાર છે. કાયદાના શાસન (Rule of Law) હેઠળ ચાલતા લોકશાહી દેશમાં આવી બર્બરતાને કોઈ સ્થાન નથી.જો કોઈ સરકારી અધિકારી કે પોલીસકર્મી કસ્ટડીમાં હિંસા આચરે છે, તો તેના માટે રાજ્ય (સરકાર) જવાબદાર ઠરે છે અને પીડિત કે તેના પરિવારને નાણાકીય વળતર (Monetary Compensation) ચૂકવવું પડે છે. આમાં સરકાર 'સાર્વભૌમ પ્રતિરક્ષા' (Sovereign Immunity) નું બહાનું કાઢી શકતી નથી.
સુપ્રીમ કોર્ટની 11 ફરજિયાત માર્ગદર્શિકા
કસ્ટોડિયલ હિંસા રોકવા માટે સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશની પોલીસ અને તપાસ એજન્સીઓ માટે નીચે મુજબના 11 નિયમો ફરજિયાત બનાવ્યા છે:
પોલીસકર્મીની સ્પષ્ટ ઓળખ: ધરપકડ કરનાર અને પૂછપરછ કરનાર દરેક પોલીસ અધિકારીના યુનિફોર્મ પર તેમનું નામ અને હોદ્દો દર્શાવતી સ્પષ્ટ અને દેખીતી નેમપ્લેટ (Name Tag) હોવી ફરજિયાત છે. પૂછપરછ કરનાર તમામ અધિકારીઓની વિગતો એક રજિસ્ટરમાં નોંધવી પડશે.
ધરપકડ મેમો (Arrest Memo): ધરપકડ કરતી વખતે પોલીસ અધિકારીએ 'એરેસ્ટ મેમો' તૈયાર કરવો પડશે. તેના પર ઓછામાં ઓછા એક સાક્ષી (જે ધરપકડ કરાયેલ વ્યક્તિના પરિવારનો સભ્ય અથવા તે વિસ્તારની કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોઈ શકે) ની સહી અને ધરપકડ કરાયેલ વ્યક્તિની પ્રતિસહી (Countersign) તેમજ ધરપકડનો સમય અને તારીખ લખવા ફરજિયાત છે.
પરિવાર કે મિત્રને જાણ કરવાનો અધિકાર: ધરપકડ કરાયેલ વ્યક્તિને અધિકાર છે કે તે પોતાની ધરપકડ અને તેને ક્યાં રાખવામાં આવ્યો છે તેની જાણ પોતાના કોઈ એક મિત્ર, સંબંધી અથવા શુભેચ્છકને વહેલી તકે કરી શકે.
બહારગામના સંબંધીને જાણ: જો ધરપકડ કરાયેલ વ્યક્તિનો મિત્ર કે સંબંધી તે જિલ્લા કે શહેરની બહાર રહેતો હોય, તો પોલીસે ધરપકડના 8 થી 12 કલાકની અંદર જે-તે વિસ્તારના લીગલ એઇડ ઓર્ગેનાઇઝેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશન મારફતે ટેલિગ્રામ કે અન્ય માધ્યમથી તે સંબંધીને ધરપકડનો સમય, સ્થળ અને રાખવાની જગ્યાની જાણ કરવી પડશે.
અધિકારોની સમજ: ધરપકડ કરાયેલ વ્યક્તિને કસ્ટડીમાં લેતાની સાથે જ તેને જણાવવું પડશે કે તેને પોતાના પરિવાર કે મિત્રને જાણ કરવાનો અધિકાર છે.
પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ: ધરપકડની વિગતો, જે વ્યક્તિને જાણ કરવામાં આવી છે તેનું નામ અને કયા પોલીસ અધિકારીની કસ્ટડીમાં આરોપી છે, તેની સંપૂર્ણ નોંધ પોલીસ સ્ટેશનની ડાયરી (Station Diary) માં કરવી ફરજિયાત છે.
મેડિકલ ઇન્સ્પેક્શન મેમો: ધરપકડ સમયે જો આરોપી વિનંતી કરે, તો તેના શરીરની તપાસ કરવી પડશે. જો શરીર પર કોઈ નાની કે મોટી ઈજાના નિશાન હોય, તો તેની નોંધ 'ઇન્સ્પેક્શન મેમો' (Inspection Memo) માં કરવી પડશે. તેના પર આરોપી અને ધરપકડ કરનાર પોલીસ અધિકારી બંનેની સહી હોવી જોઈએ અને તેની એક નકલ આરોપીને આપવી પડશે.
દર 48 કલાકે મેડિકલ તપાસ: કસ્ટડીમાં રહેલા આરોપીનું દર 48 કલાકે સરકારી માન્યતા પ્રાપ્ત ડોક્ટર (જેમની પેનલ રાજ્યના આરોગ્ય નિયામક દ્વારા તૈયાર કરાયેલી હોય) દ્વારા મેડિકલ ચેકઅપ કરાવવું ફરજિયાત છે.
મેજિસ્ટ્રેટને દસ્તાવેજો મોકલવા: એરેસ્ટ મેમો અને ઇન્સ્પેક્શન મેમો સહિતના તમામ દસ્તાવેજોની નકલો રેકોર્ડ માટે વિસ્તારના મેજિસ્ટ્રેટ (Illaqa Magistrate) ને મોકલવી ફરજિયાત છે.
પૂછપરછ દરમિયાન વકીલને મળવાનો અધિકાર: ધરપકડ કરાયેલ વ્યક્તિને પૂછપરછ દરમિયાન તેના વકીલને મળવાની પરવાનગી આપવામાં આવશે (જોકે સમગ્ર પૂછપરછ દરમિયાન વકીલ સતત હાજર રહે તે જરૂરી નથી, પરંતુ વચ્ચે મળી શકે છે).
પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી: દરેક જિલ્લા અને રાજ્યના મુખ્ય મથકે એક પોલીસ કંટ્રોલ રૂમ હોવો જોઈએ. ધરપકડ કરનાર અધિકારીએ ધરપકડના 12 કલાકની અંદર આરોપીની ધરપકડ અને તેને ક્યાં રાખવામાં આવ્યો છે તેની માહિતી કંટ્રોલ રૂમને આપવી પડશે, અને કંટ્રોલ રૂમના નોટિસ બોર્ડ પર તે માહિતી જાહેરમાં પ્રદર્શિત કરવી પડશે.
નિયમોના ઉલ્લંઘન બદલ સજાની જોગવાઈ
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો કોઈ પોલીસ અધિકારી આ 11 નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેની સામે ખાતાકીય તપાસ (Departmental Action) શરૂ કરવામાં આવશે, જેમાં સસ્પેન્શન કે બરતરફી થઈ શકે છે. આ ઉપરાંત, તેની સામે 'કોર્ટની અવમાનના' (Contempt of Court) હેઠળ સીધી કાર્યવાહી કરવામાં આવશે, જે સંબંધિત રાજ્યની હાઈકોર્ટમાં ચલાવી શકાય છે અને તેમાં જેલ તથા દંડની સજા થઈ શકે છે.








