Ambaji Gabbar Shakti Corridor: ઉત્તર ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે હાથ ધરવામાં આવેલા અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને ગુજરાત હાઈકોર્ટે મોટો અને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ મહત્વાકાંક્ષી 'ડ્રીમ પ્રોજેક્ટ' સામે ઊભા થયેલા કાનૂની અવરોધો હવે દૂર થઈ ગયા છે. હાઈકોર્ટે જમીન સંપાદન વિરુદ્ધ કરવામાં આવેલી અરજીઓને રદ કરીને આ કોરિડોરની નિર્માણ કામગીરીને આગળ ધપાવવા માટે લીલીઝંડી આપી દીધી છે. આ નિર્ણયથી યાત્રાધામ અંબાજી અને ગબ્બર વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસ અને પ્રવાસનને મોટો વેગ મળશે.
જમીન વિવાદ અને કોર્ટની કડક ટીપ્પણી
આ સમગ્ર વિવાદની વાત કરીએ તો, અંબાજી કેળવણી મંડળ દ્વારા બનાસકાંઠા કલેક્ટરના જમીન રિઝમ્પશન (સંપાદન) આદેશ સામે હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અરજદારોનો દાવો હતો કે આ વિવાદિત જમીનનો ઉપયોગ શાળા અને વિદ્યાર્થીઓના રમતગમતના મેદાન તરીકે થઈ રહ્યો છે. જોકે, ગુજરાત હાઈકોર્ટે બનાસકાંઠા કલેક્ટરના આદેશમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને કેળવણી મંડળની અરજીઓને ફગાવી દઈ કલેક્ટરના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
જાહેર હિત અને સરકારી પક્ષની દલીલો
કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. સરકારી પક્ષે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે વિવાદિત જમીન મૂળભૂત રીતે સરકારી માલિકીની જ છે અને વિશાળ જનહિત તેમજ પ્રવાસીઓની સુવિધા માટે આ જમીન અત્યંત જરૂરી છે. આ સાથે સરકારે કોર્ટને એ બાબતથી પણ માહિતગાર કરી હતી કે પ્રોજેક્ટ માટે જરૂરી જમીનનો કબજો પહેલેથી જ મેળવી લેવામાં આવ્યો છે. હાઈકોર્ટે પણ રાજ્ય સરકારની દલીલોને માન્ય રાખીને પ્રોજેક્ટના સામાજિક અને ધાર્મિક મહત્વને પ્રાધાન્ય આપ્યું હતું.
અંબાજી અને ગબ્બર વચ્ચે શક્તિ કોરિડોરનું મહત્વ
અંબાજી માતાના મુખ્ય મંદિરથી લઈને ગબ્બર પહાડ સુધી નિર્માણ પામનારો આ શક્તિ કોરિડોર માત્ર એક રસ્તો નથી, પરંતુ શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને આધુનિક સુવિધાઓનો સંગમ બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગબ્બર દર્શને આવતા લાખો માઈભક્તો માટે સલામત, ઝડપી અને સુંદર માર્ગ, પદયાત્રીઓ માટે ફુટપાથ, આરામગૃહ, લાઇટિંગ અને અન્ય નાગરિક સુવિધાઓ તૈયાર કરવામાં આવશે. ભવિષ્યમાં આ કોરિડોર આંતરરાષ્ટ્રીય સ્તરના ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે.
ધાર્મિક પ્રવાસન અને સ્થાનિક રોજગારીને મળશે બળ
ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક નકશા પર અંબાજીનું સ્થાન અનન્ય છે. શક્તિ કોરિડોરનું કામ ઝડપથી પૂરું થવાથી બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક અર્થતંત્રને મોટો લાભ થશે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળા સહિત સમગ્ર વર્ષ દરમિયાન દેશ-વિદેશથી આવતા કરોડો શ્રદ્ધાળુઓને આ સુવિધાનો સીધો લાભ મળશે. પ્રવાસન વધવાની સાથે સાથે સ્થાનિક વેપારીઓ, હોટેલ ઉદ્યોગ અને નાના-મોટા રોજગાર મેળવતા લોકોને આર્થિક સમૃદ્ધિની નવી તકો પ્રાપ્ત થશે.








