MM Narvane Breaks Silence On His Book: ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના અપ્રકાશિત પુસ્તક "ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની" (Four Stars of Destiny) ને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય અને કાનૂની વિવાદ વચ્ચે હવે ખુદ જનરલ નરવણેએ મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેમણે માત્ર સાત શબ્દોમાં આ મામલે પોતાનો પ્રથમ પ્રતિભાવ આપ્યો છે. જનરલ નરવણેએ પુસ્તકની પ્રમોશનલ પોસ્ટ શેર કરતા લખ્યું, "આ પુસ્તકની વર્તમાન સ્થિતિ છે."
પ્રકાશકની સ્પષ્ટતા: પુસ્તક હજુ રિલીઝ જ નથી થયું
જનરલ નરવણેએ તેમના પ્રકાશક 'પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા' (PRHI) ની સત્તાવાર પોસ્ટને ફરીથી શેર કરીને એ વાત પર મહોર મારી છે કે પુસ્તક હજુ સુધી સત્તાવાર રીતે પ્રકાશિત થયું નથી. પેંગ્વિન ઇન્ડિયાએ જાહેર કરેલા નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ પુસ્તક હજુ સુધી પ્રકાશિત થયું નથી. તેની કોઈ પણ નકલ ડિજિટલ કે પ્રિન્ટ ફોર્મેટમાં બજારમાં મુકવામાં આવી નથી, કે તેનું વેચાણ કે વિતરણ શરૂ થયું નથી."
રાહુલ ગાંધીના વિવાદિત દાવા બાદ પ્રતિક્રિયા
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા સંસદના સંકુલમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ પુસ્તકની કથિત નકલ લહેરાવતા જોવા મળ્યા હતા, જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો. રાહુલ ગાંધીના આ કૃત્ય બાદ પુસ્તકની સામગ્રી લીક થઈ હોવાની અટકળો વહેતી થઈ હતી. જોકે, જનરલ નરવણેની તાજેતરની પોસ્ટ સૂચવે છે કે જે કંઈ પણ લહેરાવવામાં આવ્યું હતું અથવા જે પીડીએફ (PDF) ફરતી થઈ છે, તેને લેખક કે પ્રકાશકની કોઈ મંજૂરી મળી નથી.
ગેરકાયદે વિતરણ સામે કાયદાકીય કાર્યવાહીની ચીમકી
પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ફરી રહેલી પુસ્તકની પીડીએફ નકલો સામે લાલ આંખ કરી છે. પ્રકાશકે ચેતવણી આપી છે કે, "પુસ્તકની કોઈપણ નકલ, પછી ભલે તે સંપૂર્ણ હોય કે અંશતઃ, કોઈપણ ફોર્મેટમાં (પ્રિન્ટ, ડિજિટલ કે પીડીએફ) ઓનલાઈન કે ઓફલાઈન પ્રસારિત કરવી એ કોપીરાઈટનું ગંભીર ઉલ્લંઘન છે. અમે આ પ્રકારના ગેરકાયદેસર અને અનધિકૃત વિતરણ સામે કાયદા હેઠળ ઉપલબ્ધ તમામ કાનૂની પગલાં લઈશું." દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ઓલરેડી આ મામલે એફઆઈઆર (FIR) નોંધીને તપાસ કરી રહી છે કે હજુ સુધી મંજૂરી ન મળી હોવા છતાં આ પુસ્તકની સામગ્રી પબ્લિક ડોમેનમાં કેવી રીતે પહોંચી.








