Gandhinagar News: ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં શુક્રવારે મોડી સાંજે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 16 વરિષ્ઠ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ સાથે જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં પણ 83 અધિકારીઓને બઢતી અને બદલીનો લાભ આપી વહીવટી માળખાને નવું રૂપ આપવામાં આવ્યું છે.
મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓની નિમણૂક
GAS કેડરના 16 અધિકારીઓની બદલી હેઠળ ખાદ્ય અને નાગરિક પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, પંચાયત, પ્રવાસન, સામાજિક ન્યાય અને રોજગાર-તાલીમ જેવા અગત્યના વિભાગોમાં નવી નિયુક્તિઓ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણય પાછળ વિવિધ યોજનાઓના અમલીકરણમાં ગતિ લાવવાનો અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો હેતુ રહેલો છે.
આરોગ્ય વિભાગમાં બઢતીનો ધમધમાટ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં કરવામાં આવેલા ફેરફારોમાં કુલ 83 અધિકારીઓ પ્રભાવિત થયા છે. આ આદેશોમાં ખાસ કરીને ડ્રગ કંટ્રોલ વહીવટ પર ભાર મૂકવામાં આવ્યો છે:
બઢતી: વર્ગ-2 ના 10 ઔષધ નિરીક્ષકોને પ્રમોશન આપી મદદનીશ કમિશનર (વર્ગ-1) તરીકે નિમણૂક અપાઈ છે. આ ઉપરાંત, મદદનીશ કમિશનર ક્લાસ-1 ના 11 અધિકારીઓને પણ બઢતી સાથે નવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે.
બદલી: વર્ગ-2 ના 34 ડ્રગ ઇન્સપેક્ટર અને 28 ઔષધ નિરીક્ષકોની આંતરિક બદલી કરવામાં આવી છે.
અધિકારીઓમાં આ નિર્ણયથી ખુશીનો માહોલ
લાંબા સમયથી બઢતીની રાહ જોઈ રહેલા અધિકારીઓમાં આ નિર્ણયથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે, આટલા મોટા પાયે કરવામાં આવેલા ફેરફારોથી રાજ્યની આરોગ્ય સેવાઓ અને વહીવટી કામગીરીમાં વધુ કાર્યક્ષમતા આવશે.


















