Flydubai Flight Hijack Attempt: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી ચોંકાવનારી ઘટનાને લઈને હવે નવા ખુલાસા સામે આવ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે પોતાના જ સાથી પાઈલટ પર ચાકુથી હુમલો કરીને વિમાન પર કબજો કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને કટ્ટરપંથી વિચારધારાનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, ઘટનાનો હેતુ વિમાનને તોડી પાડવાનો હોઈ શકે છે.
5,200 મીટરથી વધુ નીચે આવ્યું વિમાન
સફર શરૂ થયાના આશરે બે કલાક બાદ વિમાન અચાનક 5,200 મીટરથી વધુ નીચે આવી ગયું હતું. જોકે, સમયસૂચકતા દાખવીને મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે હુમલાખોરને કાબૂમાં લીધો હતો. ત્યારબાદ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું. આ ઘટનામાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા થઈ છે. હુમલા દરમિયાન પરિસ્થિતિને સંભાળવામાં તેમની ભૂમિકાને લઈને તેમને ‘હીરો’ તરીકે પણ સંબોધવામાં આવ્યા છે.
ઘટના આતંકવાદ સાથે જોડાયેલી હતી?
ઘટના બાદ યુનાઇટેડ આરબ એમિરેટ્સની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસનો એક મહત્વનો હિસ્સો એ છે કે આ ઘટના કોઈ આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલી હતી કે નહીં. બીજી તરફ, અમેરિકન પ્રમુખ અને યુએઈના અધિકારીઓ તરફથી હુમલા પાછળ ઈરાનની સંભવિત ભૂમિકા હોવાના સંકેતો આપવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. જોકે, આ દિશામાં હજુ સુધી કોઈ અંતિમ અને જાહેર પુરાવો સામે આવ્યો નથી.
પાઈલટને ઈઝરાયલમાં ઉડાનની પરવાનગી કેવી રીતે મળી?
આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ પાઈલટને ઈઝરાયલમાં ઉડાન ભરવાની મંજૂરી મળવા અંગે ઉઠી રહ્યો છે. નેતન્યાહૂએ સ્વીકાર્યું હતું કે ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ન ધરાવતા દેશોના પાઈલટોને લઈને નિયમોમાં એક ખામી રહી ગઈ હતી. તપાસમાં હુમલાખોર ઓમાનનો નાગરિક હોવાનું સામે આવ્યું હોવાનું જણાવાયું છે. ઓમાનના ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ન હોવાથી સામાન્ય રીતે ત્યાંના પાઈલટોને ઈઝરાયલમાં ઉડાન ભરવાની મંજૂરી ન હોવી જોઈએ, પરંતુ નિયમોમાં રહેલી ખામીને કારણે આ વ્યક્તિને પરવાનગી મળી હોવાનું સામે આવ્યું છે.
હવે નિયમોની સમીક્ષા
આ ખામી સામે આવ્યા બાદ ઈઝરાયલ અને યુએઈના વહીવટી તંત્રો નિયમોની સંયુક્ત સમીક્ષા કરી રહ્યા છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે પાઈલટોની મંજૂરી અને સુરક્ષા તપાસની પ્રક્રિયામાં જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ મામલે ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના નેતૃત્વ હેઠળ પણ તપાસ ચાલી રહી હોવાનું જણાવાયું છે.
ફ્લાયદુબઈએ રૂટની ફ્લાઇટ્સ સ્થગિત કરી
ઘટના બાદ ફ્લાયદુબઈએ આ રૂટ પરની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. બીજી તરફ, મુસાફરોને પરત લાવવા અને તેમની સુવિધા માટે અન્ય એરલાઇન્સ દ્વારા વિશેષ ફ્લાઇટ્સ શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે. હવે તપાસમાં હુમલાખોરની ચોક્કસ મંશા, ઘટનામાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં અને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામી અંગે વધુ વિગતો સામે આવવાની રાહ જોવાઈ રહી છે.








