Explosion Rocks Irans Bandar Abbas Port City: ઈરાનમાં શનિવારે મોડી રાત્રે શ્રેણીબદ્ધ પ્રચંડ વિસ્ફોટો થતા સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ બંદર શહેર બંદર અબ્બાસથી લઈને ઈસ્ફહાન જેવા સંવેદનશીલ પરમાણુ મથકો ધરાવતા શહેરોમાં એકસાથે થયેલા આ ધડાકાઓએ દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રારંભિક અહેવાલો મુજબ, આ હુમલાઓમાં 4 બાળકો સહિત કુલ 14 લોકોના કરુણ મોત નીપજ્યા છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આ હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના નૌકાદળના કમાન્ડરના ગેસ્ટ હાઉસને સીધું નિશાન બનાવવામાં આવ્યું હોવાનું મનાય છે.
પરમાણુ પ્લાન્ટ્સ અને વ્યૂહાત્મક શહેરો નિશાન પર
ઈરાનના સત્તાવાર મીડિયા અને સ્થાનિક અહેવાલો અનુસાર, વિસ્ફોટોની અસર માત્ર એક શહેર પૂરતી મર્યાદિત નથી. ઈરાનના ત્રણ અત્યંત મહત્વપૂર્ણ પરમાણુ પાવર પ્લાન્ટ ધરાવતા શહેરો ઈસ્ફહાન, નતાન્ઝ અને સાવેહમાં મોટા વિસ્ફોટો થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત પરંદ, તવરીજ, આહવાઝ અને પાકદાશ્ત શહેરોમાં પણ આસમાન ચીરી નાખતા અવાજો સંભળાયા હતા. આ તમામ સ્થળો ઈરાનની સંરક્ષણ અને પરમાણુ ક્ષમતા માટે કરોડરજ્જુ સમાન ગણાય છે.
બંદર અબ્બાસમાં ભયાનક તારાજી
ઈરાનના વ્યૂહાત્મક બંદર શહેર બંદર અબ્બાસમાં વિસ્ફોટની તીવ્રતા સૌથી વધુ હતી. શહેરના મોઆલેમ બુલવાર્ડ પર સ્થિત આઠ માળની એક રહેણાંક ઇમારતમાં ભીષણ ધડાકો થયો હતો, જે IRGCના ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાય છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઇમારતના બે માળ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા હતા. ધડાકાના કારણે આસપાસ પાર્ક કરેલા અનેક વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને નજીકની દુકાનોને પણ ભારે નુકસાન થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વિસ્ફોટનો અવાજ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
કમાન્ડર પર હુમલો અને આર્મી ચીફનું નિવેદન
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલાનો મુખ્ય હેતુ IRGC નૌકાદળના ટોચના કમાન્ડરને ખતમ કરવાનો હોઈ શકે છે. આ ઘટના બાદ ઈરાની આર્મી ચીફ અમીર હતામીએ રાષ્ટ્રને સંબોધતા કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, "ઈરાનના સશસ્ત્ર દળો સંપૂર્ણપણે સતર્ક છે અને દેશની સુરક્ષા સામેના કોઈપણ સંભવિત હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે." આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકી લશ્કરી ગતિવિધિઓ ચરમસીમા પર છે.
અમેરિકા અને ઈઝરાયેલનો ઈનકાર
આ વિસ્ફોટો બાદ પશ્ચિમી દેશો અને ઈઝરાયેલ પર શંકાની સોય તાઈ રહી હતી. જોકે, ઈઝરાયેલના બે વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનમાં થયેલા આ વિસ્ફોટોમાં ઈઝરાયેલનો કોઈ હાથ નથી. બીજી તરફ, અમેરિકાએ પણ આ ઘટનામાં પોતાની સંડોવણી હોવાનો ઈનકાર કર્યો છે. તેમ છતાં, સંવેદનશીલ પરમાણુ મથકો પર એકસાથે થયેલા હુમલાઓ કોઈ મોટા લશ્કરી ઓપરેશન અથવા અત્યાધુનિક સાયબર એટેક તરફ ઈશારો કરી રહ્યા છે.
ઈરાનમાં કટોકટી જેવી સ્થિતિ
હાલમાં સમગ્ર ઈરાનમાં કટોકટી જેવી સ્થિતિ છે. વિસ્ફોટોનું ચોક્કસ કારણ જાણવા માટે ઈરાની સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ આતંકવાદી જૂથ કે દેશ પર આરોપ મૂકવામાં આવ્યો નથી.








