Jeffery epstein files: જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલી નવી ફાઇલો સાર્વજનિક થતા જ પૂર્વ બ્રિટિશ રાજદૂત પીટર મેન્ડેલસન ખરાબ રીતે ફસાયા છે. તાજેતરમાં સામે આવેલી એક ચોંકાવનારી તસવીરમાં મેન્ડેલસન અત્યંત વાંધાજનક હાલતમાં જોવા મળી રહ્યા છે. આ તસવીર વાયરલ થતા જ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની લેબર પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ હતી, જેના પગલે મેન્ડેલસને તાત્કાલિક અસરથી પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મેન્ડેલસને સ્વીકાર્યું છે કે તેઓ પાર્ટીની છબી વધુ ખરડાય તેમ ઈચ્છતા નથી.
વાયરલ ફોટોએ મેન્ડેલસનની પોલ ખોલી
સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં લીક થયેલી તસવીરમાં પીટર મેન્ડેલસન માત્ર અન્ડરવેર અને શર્ટમાં જોવા મળી રહ્યા છે, જ્યારે તેમની સાથે રહેલી મહિલા માત્ર બાથરોબમાં છે. આ તસવીર જેફ્રી એપસ્ટીનના વિવાદાસ્પદ ભૂતકાળ અને તેની હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓ તરફ ઈશારો કરે છે. મેન્ડેલસન લાંબા સમયથી એપસ્ટીન સાથેના સંબંધોનો ઈનકાર કરતા રહ્યા હતા, પરંતુ આ તસવીરે તેમના તમામ દાવાઓને પોકળ સાબિત કરી દીધા છે. બ્રિટિશ જનતામાં આ ફોટોને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
એપસ્ટીને મેન્ડેલસનના ખાતામાં 75,000 ડોલર ટ્રાન્સફર કર્યા હતા
માત્ર તસવીરો જ નહીં, પણ નવા દસ્તાવેજોમાં નાણાકીય લેવડદેવડના પુરાવા પણ સામે આવ્યા છે. બેંક રેકોર્ડ્સ મુજબ, વર્ષ 2003 અને 2004 દરમિયાન જેફ્રી એપસ્ટીને પીટર મેન્ડેલસન સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં કુલ 75,000 અમેરિકી ડોલર જમા કરાવ્યા હતા. આ રકમ 25,000 ડોલરના ત્રણ અલગ-અલગ હપ્તામાં ચૂકવવામાં આવી હતી. આ નાણાકીય વ્યવહારો કયા કારણોસર કરવામાં આવ્યા હતા અને તેના બદલામાં મેન્ડેલસને એપસ્ટીનને શું મદદ કરી હતી, તે હવે તપાસનો વિષય બન્યો છે.
પીએમ કીર સ્ટાર્મરનો છેડો ફાડ્યો
આ વિવાદ વધુ વકરતા બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે મેન્ડેલસનથી અંતર જાળવી લીધું છે. સ્ટાર્મરે આ બાબતે ટિપ્પણી કરતા સ્પષ્ટ કર્યું કે, મેન્ડેલસન સાથેના એપસ્ટીનના સંપર્કોની જાણ થતા જ તેમને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાજદૂત પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પીએમ સ્ટાર્મરે વધુમાં ઉમેર્યું કે હવે મેન્ડેલસન સરકાર કે પાર્ટીનો હિસ્સો નથી, તેથી તેઓ આ અંગત અને શરમજનક બાબત પર વધુ કશું કહેવા માંગતા નથી. વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
એપસ્ટીન લિસ્ટમાં વધુ મોટા માથાઓના નામ આવવાની ભીતિ
જેફ્રી એપસ્ટીન જે સેક્સ ટ્રાફિકિંગ રેકેટ ચલાવતો હતો, તેમાં દુનિયાભરના શક્તિશાળી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને હસ્તીઓના નામ સંડોવાયેલા છે. મેન્ડેલસનનું નામ અને તેમની તસવીર સામે આવ્યા બાદ હવે અટકળો તેજ થઈ છે કે આગામી દિવસોમાં વધુ કેટલીક હાઈ-પ્રોફાઈલ હસ્તીઓના રહસ્યો ખુલશે. બ્રિટનની તપાસ એજન્સીઓ પણ હવે મેન્ડેલસન અને એપસ્ટીન વચ્ચેના આર્થિક તાર ક્યાં જોડાયેલા છે તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
એક તસવીરે દાયકાઓ જૂની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવી
પીટર મેન્ડેલસન એક સમયે બ્રિટિશ રાજકારણના કિંગમેકર ગણાતા હતા, પરંતુ એપસ્ટીન સાથેના સબંધોએ તેમની વર્ષોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. રાજીનામું આપતી વખતે મેન્ડેલસને ભારે હૈયે સ્વીકાર્યું કે આ વિવાદથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. અત્યારે તેઓ બ્રિટિશ મીડિયાના નિશાને છે અને તેમની રાજકીય કારકિર્દીનો આ કરુણ અંત હોવાનું માનવામાં આવે છે. આ કિસ્સો ફરી એકવાર સાબિત કરે છે કે પાવર અને લસ્ટનું કોમ્બિનેશન ગમે તેટલા શક્તિશાળી નેતાને જમીનદોસ્ત કરી શકે છે.








