Election Commission SIR Controversy ECI Clarification: વોટર લિસ્ટના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે ચૂંટણી પંચ (ECI)ની અંદર આંતરિક મતભેદો હોવાના મીડિયા અહેવાલો સામે આવ્યા બાદ ચૂંટણી પંચના વર્તુળોએ સ્થિતિ સ્પષ્ટ કરી છે. ECIના સૂત્રો અનુસાર, કોઈપણ બંધારણીય કે કાનૂની મુદ્દા પર નિર્ણય લેતી વખતે ચૂંટણી કમિશનરો પ્રશ્નો પૂછી શકે છે, વિગતો મંગાવી શકે છે કે પોતાની આંતરિક ટિપ્પણી નોંધાવી શકે છે. આ એક સામાન્ય સંસ્થાકીય પ્રક્રિયાનો ભાગ છે અને આવી આંતરિક ટિપ્પણીઓને કાનૂની રીતે 'ઔપચારિક અસહમતિ' (Formal Dissent) ગણી શકાય નહીં. પંચ દ્વારા જારી કરાયેલા તમામ મુખ્ય આદેશો પર ત્રણેય સભ્યોની સર્વસંમતિથી હસ્તાક્ષર થયેલા છે.
નિરીક્ષણ અને ઔપચારિક અસહમતિ વચ્ચેનો તફાવત
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ત્રણ સભ્યોની આ બંધારણીય સંસ્થામાં તમામ કમિશનરોની ભૂમિકા અને અધિકારો એકસમાન હોય છે. કોઈપણ બાબતે અંતિમ નિર્ણય લેતા પહેલા દરેક સભ્યને પોતાનો અભિપ્રાય રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જોકે, તાજેતરમાં મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર મિહર સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં SIR તથા ફોર્મ-6માં ફેરફાર સહિતના 14 જેટલા નિર્ણયો પર રેકોર્ડ પર વાંધો ઉઠાવ્યો હતો. આ રિપોર્ટના જવાબમાં પંચના સૂત્રોએ કહ્યું કે, આ માત્ર વહીવટી સ્તરે ચર્ચા અને 'ઓબ્ઝર્વેશન' નો ભાગ હતો અને નિર્ણયો બહુમતી તથા સર્વસંમતિના ધોરણે જ લેવામાં આવ્યા છે.
ચૂંટણી પંચમાં ભૂતકાળમાં સર્જાયેલા મુખ્ય વિવાદોનો ઈતિહાસ
ચૂંટણી પંચમાં બહુમતી કરતા અલગ અભિપ્રાય કે વિવાદ સર્જાયો હોય એવી આ પહેલી ઘટના નથી.
2019નો આચારસંહિતા વિવાદ: 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તત્કાલીન ચૂંટણી કમિશનર અશોક લવાસાએ વિવાદિત ભાષણો પર ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટ સામે પોતાની અલગ લઘુમતી રાય રેકોર્ડ કરવાની માંગ કરી હતી.
2009નો સોનિયા ગાંધી અયોગ્યતા વિવાદ: તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામીએ ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશી અને નવીન ચાવલાથી અલગ સ્ટેન્ડ લઈને રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો.
એક-સભ્ય કમિશનથી ત્રણ સભ્યોના પંચ સુધીની સફર
1950માં જ્યારે ભારતના ચૂંટણી પંચની સ્થાપના થઈ ત્યારે તે માત્ર એક મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સંચાલિત સંસ્થા હતી. 1950થી 1989 સુધી આ જ વ્યવસ્થા ચાલુ રહી હતી. ત્યારબાદ 1989માં ટૂંકા સમય માટે બે વધારાના કમિશનરો નીમવામાં આવ્યા હતા. છેવટે 1993માં કાયદાકીય સુધારા દ્વારા ચૂંટણી પંચને કાયમી ધોરણે ત્રણ સભ્યોનું બહુ-સભ્યીય પંચ બનાવવામાં આવ્યું હતું, જેથી નિર્ણયોમાં પારદર્શિતા અને સંતુલન જળવાઈ રહે.
રિપોર્ટ સામે વિપક્ષી નેતાઓની આક્રમક પ્રતિક્રિયા
ચૂંટણી પંચના અંતરંગ મતભેદોના અહેવાલો બહાર આવતા જ વિપક્ષી પક્ષોએ સરકાર અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મોરચો માંડ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ'બ્રાયને મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ કરી છે, જ્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ, જયરામ રમેશ અને શિવસેના (UBT) ના સંસદ સંજય રાઉતે સમગ્ર SIR પ્રક્રિયા અને વોટર લિસ્ટ સુધારામાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરીને તપાસની માંગ કરી છે.
SIR, ફોર્મ-6 અને વર્તમાન કાયદાકીય સ્થિતિ
SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન): વોટર લિસ્ટમાંથી બોગસ કે મૃતક મતદારોના નામ હટાવવા અને નવા પાત્ર મતદારોના નામ ઉમેરવા માટે હાથ ધરવામાં આવતી એક સઘન ઝુંબેશ છે.
Form-6 વિવાદ: નવું મતદાર કાર્ડ બનાવવા માટે ફોર્મ-૬ ભરવું પડે છે. વિપક્ષનો આરોપ છે કે, આ ફોર્મમાં વાલીઓ કે દાદા-દાદીના જુના વોટર લિસ્ટના પુરાવા માંગવાના ફેરફારો નિયમોનું ઉલ્લંઘન કરીને ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવ્યા હતા.
ચૂંટણી કમિશનર કાયદો 2023: ડિસેમ્બર 2023માં પસાર થયેલા નવા કાયદા મુજબ ચૂંટણી પંચના તમામ કાર્યો શક્ય હોય ત્યાં સુધી સર્વસંમતિથી અને મતભેદની સ્થિતિમાં બહુમતીથી નક્કી થવા જોઈએ.








