Cairo Oil Tanker Fire: ઈજિપ્તની રાજધાની કૈરોમાં બુધવારે (25 નવેમ્બર) એક ભયાનક માર્ગ દુર્ઘટના સર્જાઈ હતી. મુખ્ય હાઈવે પર ઓઈલ ટેન્કર પલટી જતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં આસપાસનાં વાહનોને પણ પોતાની ચપેટમાં લઈ લીધાં હતાં. આ દુર્ઘટનામાં 31 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે, જ્યારે આશરે 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે અનેક વાહનો બળીને ખાક થઈ ગયાં હતાં અને ભારે તબાહી સર્જાઈ હતી.
ગીચ વસ્તીવાળા વર્રાક વિસ્તારમાં હાઈવે પર દુર્ઘટના
સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ગ્રેટર કૈરોના ગીઝા પ્રાંતના ગીચ વસ્તી ધરાવતા વર્રાક વિસ્તારના હાઈવે પર બની હતી. કૈરોને આસપાસના વિસ્તારો સાથે જોડતા મુખ્ય રિંગ રોડ પર ઓઈલ ટેન્કર પલટી જતાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની ઝપેટમાં 24થી વધુ કાર અને ટુ-વ્હીલર આવી ગયાં હતાં. અનેક વાહનો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયાં હતાં. ઘટનાના પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બચાવકર્મીઓએ લોકોને વાહનોમાંથી બહાર કાઢ્યા
દુર્ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહતકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે આગમાં ફસાયેલા લોકોને વાહનોમાંથી સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ સ્થાનિક ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોની સંખ્યા આશરે 21 હોવાનું જણાવાયું છે. બીજી તરફ, ઈજિપ્તના રાષ્ટ્રપતિએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટની પ્રક્રિયા શરૂ
દુર્ઘટનાની ભયાનકતાને જોતા મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ સહિતની જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગની ગંભીરતા અને બચાવ કામગીરીને ધ્યાનમાં રાખીને મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈજિપ્તમાં માર્ગ અકસ્માતો ગંભીર ચિંતાનો વિષય
ઈજિપ્તમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં હજારો લોકોનાં મોત થાય છે. દેશમાં માર્ગ સલામતીનો રેકોર્ડ નબળો હોવાનું માનવામાં આવે છે. પૂરઝડપે વાહન ચલાવવું, રસ્તાઓની ખરાબ સ્થિતિ અને ટ્રાફિકના નિયમોનો કડક અમલ ન થવો માર્ગ અકસ્માતો પાછળનાં મુખ્ય કારણોમાં સામેલ છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ ઈજિપ્તના બેની સુએફ નજીક અનેક વાહનો વચ્ચે ટક્કર થતાં 21 લોકોનાં મોત થયાં હતાં. હવે કૈરોમાં ઓઈલ ટેન્કર પલટવાની આ ભયાનક દુર્ઘટનાએ ફરી એકવાર દેશની માર્ગ સલામતી વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.








