E20 Petrol Quality Rules: દેશમાં E20 પેટ્રોલને લઈને વાહનચાલકોની ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર હવે ઇથેનોલનું પ્રમાણ જ નહીં, પરંતુ પેટ્રોલની ગુણવત્તા પર પણ કડક નજર રાખવાની તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વાહનચાલકો દ્વારા માઇલેજ ઘટવા અને વાહનોના પાર્ટ્સને નુકસાન થવાની ફરિયાદો કરવામાં આવી રહી હતી. હવે સરકાર E20 ઇંધણમાં દૂષિત તત્વો અંગેના નિયમોને વધુ કડક બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.
પેટ્રોલના સેમ્પલમાં ક્લોરાઈડ અને ભેજથી ચિંતા વધી
તાજેતરમાં લેવામાં આવેલા કેટલાક પેટ્રોલ સેમ્પલમાં 3 PPMથી વધુ ક્લોરાઈડ અને વધુ પડતા ભેજની હાજરી સામે આવી હોવાનું જણાવાયું છે. આ પ્રકારના દૂષિત ઇંધણને કારણે વાહનોના ફ્યુઅલ સિસ્ટમ અને અન્ય મહત્વપૂર્ણ કમ્પોનન્ટ્સને નુકસાન થવાની શક્યતા અંગે ઓટોમોબાઈલ ક્ષેત્રે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક સેમ્પલમાં ક્લોરાઈડનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જોવા મળતાં ઇંધણની ગુણવત્તા અંગે સવાલો વધુ ગંભીર બન્યા છે.
E20માં ક્લોરાઈડની મર્યાદા હવે ફરજિયાત બની શકે
હાલના ધોરણો મુજબ E20 પેટ્રોલમાં ક્લોરાઈડનું પ્રમાણ 3 PPMથી ઓછું હોવું જોઈએ. અત્યાર સુધી આ ધોરણને ફરજિયાત અમલ કરતાં સ્વૈચ્છિક ધોરણે માનવામાં આવતું હતું. હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) આ મર્યાદાને તમામ સંબંધિત સપ્લાયર્સ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે ફરજિયાત બનાવવાની દિશામાં કામ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
સરકારનો ફોકસ હવે માત્ર ઇથેનોલ બ્લેન્ડિંગ પર નહીં
દેશમાં પેટ્રોલમાં 20 ટકા સુધી ઇથેનોલ મિશ્રણના લક્ષ્યને આગળ વધાર્યા બાદ હવે સરકારનું ધ્યાન ઇંધણની ગુણવત્તા પર પણ કેન્દ્રિત થઈ રહ્યું છે. નવા નિયમો લાગુ થયા બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને ફ્યુઅલ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલી એજન્સીઓએ પેટ્રોલની ગુણવત્તા જાળવવા માટે વધુ કડક ધોરણોનું પાલન કરવું પડી શકે છે.
વાહનચાલકોને શું ફાયદો થશે?
જો ઇંધણમાં દૂષિત તત્વોનું પ્રમાણ નિયંત્રણમાં આવશે તો વાહનોના ફ્યુઅલ ટેન્ક, ફ્યુઅલ સિસ્ટમ અને અન્ય પાર્ટ્સને નુકસાનનું જોખમ ઘટી શકે છે. સાથે જ ઇંધણની ગુણવત્તા વધુ સ્થિર રહેવાની અપેક્ષા છે. જો, કે વાહનનું માઇલેજ માત્ર પેટ્રોલની ગુણવત્તા પર આધારિત નથી. વાહનનું મોડલ, ડ્રાઇવિંગ સ્ટાઇલ, ટ્રાફિક, જાળવણી અને અન્ય પરિબળો પણ માઇલેજ પર અસર કરે છે.
પેટ્રોલ પંપ પર ગુણવત્તા જાળવવાનો પ્રયાસ
સરકારનો હેતુ હવે માત્ર E20 બ્લેન્ડિંગનો ટાર્ગેટ પૂર્ણ કરવાનો નહીં, પરંતુ ગ્રાહકો સુધી ગુણવત્તાયુક્ત ઇંધણ પહોંચાડવાનો પણ છે. જો ક્લોરાઈડ અને અન્ય દૂષિત તત્વો અંગેના ધોરણો કાયદાકીય રીતે ફરજિયાત બનશે, તો પેટ્રોલની ગુણવત્તા અંગે ઓઈલ સપ્લાય સિસ્ટમ પર વધુ જવાબદારી આવશે. આ નિયમોનો અંતિમ અમલ કેવી રીતે થાય છે અને તેની સમયમર્યાદા શું રહે છે તે અંગેની સત્તાવાર જાહેરાત બાદ જ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે.








