Delhi Building Collapse: રાજધાની દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં સોમવારે એક જૂની ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઇમારત કાટમાળમાં ફેરવાતાં અનેક લોકો તેની નીચે ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયા છે, જ્યારે ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ કાટમાળમાંથી 10 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. ઘટના બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ નીચે હજુ કોઈ ફસાયું છે કે કેમ તે શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નવીનીકરણ દરમિયાન બની દુર્ઘટના, માલિક સામે FIR
પ્રાથમિક માહિતી મુજબ, ઇમારતમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ઇમારત ધરાશાયી થઈ હોવાની માહિતી સામે આવી છે. ઘટના સંદર્ભે સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશનમાં ઇમારતના કથિત માલિક હરિરામ અને અન્ય જવાબદારો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105, 290 અને 125(a) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ઇમારત ધરાશાયી થવા પાછળ બેદરકારી કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
મેજિસ્ટ્રેટ તપાસના આદેશ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સમગ્ર મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને સ્પષ્ટ કર્યું છે કે દુર્ઘટના માટે જવાબદાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તપાસ બાદ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
CM રેખા ગુપ્તાએ AIIMS ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી
દુર્ઘટના બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ AIIMS ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે કાટમાળમાંથી બચાવી લેવાયેલા ઘાયલોની સ્થિતિ અંગે ડોક્ટરો પાસેથી માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ તબીબી ટીમ સાથે વાતચીત કરીને તમામ ઘાયલોને તાત્કાલિક અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી હતી. સારવારમાં કોઈ બેદરકારી ન થાય અને ઘાયલોને જરૂરી તમામ તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
દુર્ઘટનાએ ફરી ઉભા કર્યા બેદરકારી સામે સવાલ
જૂની ઇમારતમાં ચાલી રહેલા નવીનીકરણના કામ દરમિયાન બનેલી આ દુર્ઘટનાએ બાંધકામ અને રિનોવેશન દરમિયાન સુરક્ષા નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે મેજિસ્ટ્રેટ તપાસ અને પોલીસ તપાસમાં દુર્ઘટનાનું ચોક્કસ કારણ તથા જવાબદારો અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.








