Cyclone Akvan Makes Landfall Near Gopalpur: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' (Cyclone Akvan) આજે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કરી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું ઓડિશાના ગોપાલપુર નજીકથી પસાર થયું ત્યારે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જ્યારે પવનના ઝાટકા 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચ્યા હતા. જોકે, દરિયાકાંઠો પાર કર્યા બાદ આ સિસ્ટમ નબળી પડીને 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ ગઈ છે, પરંતુ તેની અસર હજુ પણ ઓછી થઈ નથી. આગામી દિવસોમાં પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી ભારે વરસાદ અને ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો માહોલ જોવા મળશે.
ઓડિશા, બંગાળ અને ઝારખંડમાં અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડાની સૌથી વધુ અસર પૂર્વ ભારતના રાજ્યોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, 20 અને 21 નવેમ્બરના રોજ ઓડિશામાં વ્યાપક વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, ત્યારબાદ 23 નવેમ્બર સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો અને ઝારખંડમાં 20 અને 21 નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બિહારમાં પણ 22 નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે, જેમાં ખાસ કરીને 21 નવેમ્બરે અમુક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ 23 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.
મધ્ય ભારતમાં તોફાની પવન સાથે વરસાદના એંધાણ
'અકવાન' વાવાઝોડાની અસર મધ્ય ભારતના હવામાન પર પણ વર્તાઈ રહી છે. છત્તીસગઢમાં 20 અને 21 નવેમ્બરના રોજ ગાજવીજ અને ભારે વરસાદની શક્યતા છે, જ્યાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેના ઝાટકા 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે. છત્તીસગઢમાં 25 નવેમ્બર સુધી છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. બીજી તરફ, પૂર્વ મધ્યપ્રદેશમાં 20 થી 22 નવેમ્બર દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ પડશે, જ્યારે વિદર્ભ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેજ પવનની ચેતવણી
ભલે વાવાઝોડું દરિયાકાંઠો પાર કરી ગયું હોય, પરંતુ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, યનમ અને રાયલસીમામાં 20 થી 26 નવેમ્બર સુધી વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. ખાસ કરીને 22 થી 24 નવેમ્બર દરમિયાન આ વિસ્તારોમાં ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના ઝાટકા 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તેલંગાણામાં પણ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં આગામી સપ્તાહે વરસાદનું જોર વધશે
આગામી દિવસોમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વરસાદી ગતિવિધિઓ તેજ બનશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 20 થી 23 નવેમ્બર સુધી છૂટોછવાયો વરસાદ પડશે, પરંતુ 24 અને 25 નવેમ્બરે વરસાદનો વ્યાપ વધવાથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાશે. કેરળ અને માહેમાં 20 થી 26 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે, જેમાં 24 અને 25 નવેમ્બરે ભારે વરસાદ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કર્ણાટકના દરિયાકાંઠાના તથા આંતરિક વિસ્તારો અને લક્ષદ્વીપમાં પણ 23 થી 26 નવેમ્બર દરમિયાન ગાજવીજ સાથે વ્યાપક વરસાદ પડવાનો અંદાજ છે.
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટશે
એક તરફ દેશના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં વરસાદનું જોર છે, ત્યારે ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 20 થી 22 નવેમ્બર દરમિયાન ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 22 અને 23 નવેમ્બરના રોજ ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધુમ્મસને કારણે સવારના સમયે રસ્તાઓ પર વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘણી ઓછી થઈ શકે છે, જેથી વાહનચાલકોને મુસાફરી દરમિયાન ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.








