Congress vs Congress Over Mekedatu Dam: કાવેરી નદી પર પ્રસ્તાવિત મેકેદાતુ ડેમનો વર્ષો જૂનો વિવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે, પરંતુ આ વખતે તેણે કોંગ્રેસ પક્ષની અંદર જ મોટો આંતરિક વિખવાદ ઊભો કર્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને રાજ્ય આ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. બીજી તરફ, તમિલનાડુમાં પણ કોંગ્રેસ શાસક ગઠબંધનનો હિસ્સો છે, જ્યાં મુખ્યમંત્રી વિજયની સરકાર અને સ્થાનિક કોંગ્રેસ એકમ આ ડેમનો સખત વિરોધ કરી રહ્યા છે. પરિણામે, રાજ્યના હિતોની રક્ષા કરવાના મુદ્દે હવે દક્ષિણ ભારતમાં 'કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસ' જેવી સ્થિતિ સર્જાઈ છે.
પીએમ મોદી સમક્ષ ડી.કે. શિવકુમારની માંગથી ભડક્યો વિવાદ
આ સમગ્ર વિવાદની શરૂઆત શુક્રવારે મૈસૂર ખાતે યોજાયેલા એક કાર્યક્રમથી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કેન્દ્ર સરકાર સમક્ષ મેકેદાતુ પ્રોજેક્ટ માટે જરૂરી કાયદાકીય અને પર્યાવરણીય મંજૂરીઓ ઝડપથી આપવાની માંગ કરી હતી. શિવકુમારે મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે કે મેકેદાતુ ડેમ કર્ણાટકમાં જ બનશે અને તેને કોઈ રોકી શકશે નહીં. તેમણે વડાપ્રધાનને વિનંતી કરી હતી કે કેન્દ્ર સરકાર આ મામલે કાયદાકીય રીતે કર્ણાટકની મદદ કરે અને અંતિમ મંજૂરી આપે.
તમિલનાડુ કોંગ્રેસ અધ્યક્ષ મણિક્કમ ટાગોરનો આકરો પ્રહાર
શિવકુમારના આ નિવેદનના બીજા જ દિવસે એટલે કે શનિવાર, 14 નવેમ્બરના રોજ તમિલનાડુ કોંગ્રેસના અધ્યક્ષ મણિક્કમ ટાગોરે આકરી પ્રતિક્રિયા આપી હતી. ટાગોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અને મીડિયા સમક્ષ શિવકુમારના વલણને 'અત્યંત નિંદનીય' અને 'પીડાદાયક' ગણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકના મુખ્યમંત્રી જિદ્દી વલણ અપનાવી રહ્યા છે, જે સુપ્રીમ કોર્ટના આદેશ અને કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલના અંતિમ ચુકાદાનું ખુલ્લું ઉલ્લંઘન છે. ટાગોરે તમિલનાડુના મુખ્યમંત્રી વિજયને પણ આ પ્રોજેક્ટ રોકવા માટે તમામ જરૂરી કાયદાકીય પગલાં ભરવા અપીલ કરી છે.
તમિલનાડુના ખેડૂતોના હિત અને સંઘીય માળખા પર ચિંતા
મણિક્કમ ટાગોરે વધુમાં જણાવ્યું હતું કે કાવેરી નદીના ઉપરના ભાગમાં આવેલું કર્ણાટક, નીચેના ભાગમાં આવેલા તમિલનાડુની સંમતિ વિના એકતરફી રીતે કોઈ પ્રોજેક્ટ શરૂ કરી શકે નહીં. તેમના મતે, આ પ્રકારનું વલણ દેશના સંઘીય માળખાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જો મેકેદાતુ ડેમ બનશે તો તમિલનાડુના ડેલ્ટા વિસ્તારના લાખો ખેડૂતોના જળ અધિકારો છીનવાઈ જશે અને તેમની આજીવિકા જોખમમાં મુકાશે. તમિલનાડુ કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ રાજ્યના ખેડૂતોના હિતો સાથે કોઈ બાંધછોડ નહીં કરે અને આ પ્રોજેક્ટનો અંત સુધી વિરોધ કરશે.

ડી.કે. શિવકુમારનો પલટવાર: 'મારું રાજ્ય, મારો અધિકાર'
તમિલનાડુ કોંગ્રેસના વિરોધ બાદ ડી.કે. શિવકુમારે પણ વળતો જવાબ આપતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈના વિરોધથી ડરવાના નથી. શિવકુમારે કહ્યું કે, "આ મારું રાજ્ય છે અને આ અમારો અધિકાર છે." તેમણે તમિલનાડુના નેતાઓના વિરોધને માત્ર સ્થાનિક રાજનીતિ ગણાવી હતી અને ખાતરી આપી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમિલનાડુને તેના હિસ્સાનું 177 TMC પાણી ચોક્કસપણે આપવામાં આવશે. આ સાથે જ તેમણે તમિલનાડુના પ્રતિનિધિમંડળને પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે, જેથી તેઓ સમજાવી શકે કે આ ડેમ બેંગલુરુની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવાની સાથે તમિલનાડુ માટે પણ ફાયદાકારક સાબિત થશે.








