Congo School Fire News: કોંગોના પૂર્વ શહેર બુકાવુમાં ગુરુવારે એક અત્યંત દર્દનાક દુર્ઘટના બની હતી. નજીકના એક ઘરમાં લાગેલી આગ જોતજોતામાં આસપાસની બે શાળાઓ સુધી ફેલાઈ ગઈ હતી. ભીષણ આગ અને ત્યારબાદ સર્જાયેલી નાસભાગમાં 26 વિદ્યાર્થીઓનાં મોત થયા છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
પાડોશના ઘરમાંથી શરૂ થઈ આગ
સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આગની શરૂઆત સૌપ્રથમ નજીક આવેલા એક ઘરમાંથી થઈ હતી. આ વિસ્તાર ગીચ વસ્તી ધરાવે છે અને મોટાભાગનાં મકાનો લાકડાનાં બનેલા હોવાથી આગ ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ હતી. થોડા જ સમયમાં આગ ફુરાહા સેકન્ડરી સ્કૂલ અને ઉજામા પ્રાઇમરી સ્કૂલ સુધી પહોંચી ગઈ હતી.
19 છોકરીઓ સહિત 26 વિદ્યાર્થીઓનાં મોત
પ્રાંતિય સરકારના આંકડા મુજબ, આ ગોઝારી ઘટનામાં કુલ 26 વિદ્યાર્થીઓનાં મોત થયા છે. મૃતકોમાં 19 છોકરીઓ અને 7 છોકરાઓનો સમાવેશ થાય છે. આગ અચાનક ફાટી નીકળતાં શાળામાં ગૂંગળામણભર્યું વાતાવરણ સર્જાયું હતું અને કેટલાક વિદ્યાર્થીઓ અંદર જ ફસાઈ ગયા હતા. શ્વાસ રૂંધાવાના કારણે પણ કેટલાક વિદ્યાર્થીઓનાં મોત થયા હતા.
સાંકડા રસ્તા અને નાસભાગ બની જીવલેણ
શાળામાંથી બહાર નીકળવાના રસ્તા સાંકડા હોવાથી આગ લાગ્યા બાદ ભારે અફરાતફરી મચી ગઈ હતી. જીવ બચાવવા માટે બહાર દોડી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ નીચે પડી ગયા હતા અને નાસભાગમાં દબાઈ જવાથી તેમનાં મોત થયા હતા. આગથી બચવા માટે અનેક વિદ્યાર્થીઓએ બારીઓમાંથી કૂદીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો.
ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
આગમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્થાનિક સ્વાસ્થ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ઘાયલો પહોંચતાં તબીબી સ્ટાફને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક સ્તરે રાહત અને બચાવ કામગીરી હજુ ચાલી રહી છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.








