Jewar Airport Renamed Narendra Modi Airport: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર મહોર મારવામાં આવી છે. આ બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઐતિહાસિક એલાન કર્યું છે. તેમણે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, નોઈડાના જેવર ખાતે નિર્માણાધીન નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ હવે બદલીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી 'નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ' રાખવામાં આવશે. આ પ્રસ્તાવને કેબિનેટની બેઠકમાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.
વડાપ્રધાન મોદીના 25 વર્ષના અદભુત સેવાકાળ અને રાષ્ટ્રનિર્માણને સમર્પિત
આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબરનો દિવસ દેશના ઇતિહાસમાં એક અત્યંત ગૌરવશાળી અધ્યાય તરીકે નોંધાયો છે. સરકારના વડા તરીકે અવિરત અને સમર્પિત લોકસેવા યાત્રાના 25 વર્ષ પૂર્ણ થવા પર ઉત્તર પ્રદેશની સમગ્ર મંત્રી પરિષદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હાર્દિક અભિનંદન કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ માટે આ વિશેષ ગૌરવની બાબત છે કે, વડાપ્રધાન યુપીની જ પવિત્ર ધરતી પરથી લોકપ્રિય જનપ્રતિનિધિ અને સાંસદ તરીકે દેશનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. તેમણે 'સેવા એ જ સમર્પણ' અને 'રાષ્ટ્ર પ્રથમ'ના મૂળમંત્ર સાથે રાષ્ટ્રનિર્માણને પોતાનું સર્વોચ્ચ ધ્યેય બનાવ્યું છે.
કાશી અને મા ગંગાથી શરૂ થયેલી આત્મસંબંધની અદ્ભુત યાત્રા
CM યોગીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશ વચ્ચેનો સંબંધ અત્યંત આત્મીય અને ભાવનાત્મક છે. જ્યારે 2014માં વડાપ્રધાન કાશી આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, "મને મા ગંગાએ બોલાવ્યા છે." કાશી અને મા ગંગાથી શરૂ થયેલો આ આત્મીય સંબંધ સમયની સાથે સતત ગાઢ બનતો ગયો છે અને આજે તે રાજ્યના સર્વાંગી કાયાકલ્પ અને વિકાસનો મુખ્ય આધાર બની ગયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સંકલ્પ તથા 'ટીમ ઇન્ડિયા' ની ભાવના સાથે ઉત્તર પ્રદેશ આજે અભૂતપૂર્વ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.
2017 પહેલાના અસ્થિર યુપીથી લઈને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુશાસન સુધીનો પ્રવાસ
ઉત્તર પ્રદેશની બદલાતી તસ્વીર રજૂ કરતા મુખ્યમંત્રીએ યાદ અપાવ્યું કે, 2017 પહેલા ઉત્તર પ્રદેશ પ્રસાશકીય અસ્થિરતા, જન-જનમાં અસુરક્ષાની ભાવના અને પાયાની સુવિધાઓના અભાવ સામે ઝઝૂમી રહ્યું હતું પરંતુ, વડાપ્રધાનની દૂરદર્શિતાથી પ્રેરણા લઈને યુપીએ ગવર્નન્સની નવી કાર્યસંસ્કૃતિ અપનાવી છે. જેના પરિણામે સુશાસન, મજબૂત કાયદો અને વ્યવસ્થા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ અનુકૂળ વાતાવરણ આજે ઉત્તર પ્રદેશની નવી ઓળખ બનીને ઉભરી આવ્યા છે. આ નામો બદલવાની સાથે રાજ્યમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે.








