ગુજરાતના ખેડૂતો માટે શુક્રવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે થયેલા પાકના ભારે નુકસાન બાદ રાજ્ય સરકારે ₹10,000 કરોડના સૌથી મોટા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સાંજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય કર્યો હતો અને તેની જાણ એક્સ (પૂર્વે ટ્વિટર) પર કરી હતી.
પ્રતિ હેક્ટર ₹22,000
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સહાય તમામ પાક માટે પ્રતિ હેક્ટર ₹22,000ની દરે અને 2 હેક્ટર સુધીની મર્યાદામાં ચૂકવાશે. આ યોજના હેઠળ રાજ્યના 16,500 ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે. ખાસ વાત એ છે કે જેનાનો સર્વે થયો નથી તે ખેડૂતો પણ અરજી કરી શકશે, જો તેઓ પાત્ર ગણાશે તો તેમને સહાય મળશે.
44 લાખ હેક્ટર જમીનમાં 100% નુકસાનની ગણતરી
સરકારે કુલ 44 લાખ હેક્ટર જમીનમાં 100 ટકા નુકસાન ગણાવીને આ નિર્ણય લીધો છે. આ 10 હજાર કરોડના પેકેજમાં ₹6,429 કરોડ SDRF (State Disaster Response Fund)માંથી અને ₹3,386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવાયા છે, આમ મળીને કુલ ₹9,815 કરોડનું પેકેજ બન્યું છે, જે સહાયની અરજી બાદ વધીને 10 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “આ પેકેજ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ ધરતીપુત્રોને નવી આશા આપવાનો પ્રયાસ છે.”
5100 ટીમોએ ત્રણ દિવસમાં સર્વે પૂર્ણ કર્યો
કમોસમી વરસાદ પછી રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ 5100 ટીમોને દિવસ-રાત ખડેપગે રાખીને 3 દિવસમાં સર્વે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. આ સર્વેમાં કુલ 251 તાલુકાના 16,500 ગામોમાં પાકનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. કૃષિ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ સતત 24x7 કામગીરી કરીને “પંચ રોજકામ” હાથ ધર્યું હતું, જેના આધારે આ વિશાળ રાહત પેકેજ તૈયાર થયું છે.
ગત બે દાયકામાં ન થયો હોય એવો વરસાદ
મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “ગત બે દાયકામાં ન થયો હોય એવો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થયો છે. તેની અસરથી રાજ્યના અનેક જિલ્લાઓના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. હું તથા મારા સાથી મંત્રીઓએ સ્વયં વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને ખેડૂતોની પરિસ્થિતિ જાણી છે.”
મંત્રીઓએ કર્યો પ્રભાવિત વિસ્તારોનો દોરો
મુખ્યમંત્રીની સૂચના બાદ રાજ્યના મંત્રીઓએ સ્થળ પર જઈને ખેડૂતોની સ્થિતિ જાણી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તાપીમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથમાં, જ્યારે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અમરેલી જિલ્લામાં પહોંચી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે સ્થળ પરના અહેવાલો મુખ્યમંત્રીને રજૂ કર્યા બાદ રાજ્ય સ્તરે વિસ્તૃત સમીક્ષા બેઠક બોલાવવામાં આવી.
ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં મોટો નિર્ણય
આ બેઠકમાં કૃષિ, નાણાં અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા અને રમણ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિડિઓ કોન્ફરન્સ મારફતે જોડાયા હતા. ચર્ચા બાદ, રાજ્ય સરકારે ઈતિહાસના સૌથી મોટા ₹10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી, જેને ખેડૂતો માટે “નવું જીવનદાન” ગણાવવામાં આવી રહ્યું છે.
9 નવેમ્બરથી 15,000 કરોડથી વધુની ખરીદી
રાજ્ય સરકારે સહાય પેકેજ સાથે જ ટેકાના ભાવે ખરીદીની પણ જાહેરાત કરી છે. 9 નવેમ્બરથી રાજ્ય સરકાર આશરે ₹15,000 કરોડ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરશે. મુખ્યમંત્રીએ જણાવ્યું, “અન્નદાતા ખેડૂતોની આર્થિક સુખાકારી માટે રાજ્ય સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે અને રહેશે.”
કૃષિ મંત્રીએ પેકેજને આપ્યો આવકાર
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, “ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સંવેદનશીલ રીતે ખેડૂતો માટે ₹10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળશે.”
સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતને ફટકો
આ વર્ષે કમોસમી વરસાદે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોને પણ અસર કરી. ખાસ કરીને મગફળીના પાકને સૌથી વધારે નુકસાન થયું છે, કારણ કે આ વર્ષે આશરે 22 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 16 લાખ હેક્ટર માત્ર સૌરાષ્ટ્રમાં હતું.
અગાઉના પેકેજની સરખામણીમાં સૌથી મોટું સહાય પેકેજ
ગત વર્ષે કપાસના ભાવ ઘટતા ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળી તરફ વળ્યા હતા અને હવે એ જ પાક વરસાદથી બરબાદ થયો છે. અગાઉના પેકેજની સરખામણીમાં આ રાહત પેકેજ રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું છે. 2020માં, કમોસમી વરસાદ બાદ સરકારએ ₹3,795 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. 2024માં, ભારે વરસાદ બાદ ₹1,462 કરોડનું પેકેજ આપવામાં આવ્યું હતું, જેમાં 20 જિલ્લાના 136 તાલુકાના 6,112 ગામોનો સમાવેશ થયો હતો. એ પહેલાં 947 કરોડનું સહાય પેકેજ માત્ર 5 જિલ્લાના 18 તાલુકા માટે જાહેર કરવામાં આવ્યું હતું. હાલનું ₹10,000 કરોડનું પેકેજ આ તમામ અગાઉના પેકેજોને અનેક ગણું મોટું છે.
સહાયના દરો અને માપદંડ
ગત સહાય પેકેજ મુજબ, સરકારએ નુકસાનના પ્રમાણ અને પાકના પ્રકાર મુજબ સહાય નક્કી કરી હતી. બિનપિયત પાક માટે 33% કે તેથી વધુ નુકસાન પર ₹12,000 પ્રતિ હેક્ટર, પિયત પાક માટે 33% કે તેથી વધુ નુકસાન પર ₹22,000 પ્રતિ હેક્ટર અને બાગાયતી પાક માટે ₹27,500 પ્રતિ હેક્ટર સહાય જાહેર કરી હતી. આ વખતે પણ સમાન માળખું અપનાવીને સહાયની રકમ નક્કી કરવામાં આવી છે.
ધરતીપુત્રો માટે આશાનો કિરણ
કમોસમી વરસાદથી ત્રસ્ત ખેડૂતો માટે આ પેકેજ આશાનો કિરણ બનીને આવ્યું છે. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ ખેડૂત સહાયથી વંચિત નહીં રહે, ભલે તેનું નામ સર્વેમાં ન હોય. મુખ્યમંત્રીએ અંતમાં જણાવ્યું કે, “ગુજરાતના ધરતીપુત્રોને આ મુશ્કેલીની ઘડીમાં એકલા નહીં છોડવામાં આવે. રાજ્ય સરકાર ખભે ખભો મિલાવીને ખેડૂતોની સાથે ઉભી છે. આ પેકેજ ફક્ત સહાય નથી, આ ખેડૂતોમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસ ફરીથી જીવંત કરવાનું પ્રતિબદ્ધ વચન છે.”








