BRICS 2026 Summit: નવી દિલ્હીમાં આયોજિત 18મી બ્રિક્સ (BRICS) સમિટ 2026 દરમિયાન વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચાની વચ્ચે સમિટ સ્થળેથી એક ખૂબ જ રસપ્રદ અને હૃદયસ્પર્શી દ્રશ્ય સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્લોબલ લોકપ્રિયતા માત્ર નેતાઓ પૂરતી સીમિત નથી, પરંતુ વિદેશી પ્રતિનિધિઓમાં પણ તેમનો અનોખો ક્રેઝ છે. શુક્રવારે BRICS બિઝનેસ ફોરમ પૂર્ણ થયા બાદ એક એવી ક્ષણ સર્જાઈ જેણે ત્યાં હાજર તમામ લોકોનું ધ્યાન ખેંચી લીધું હતું.
"Can we take a photo?" વિદેશી મહિલા પ્રતિનિધિઓએ કરી ખાસ વિનંતી
BRICS બિઝનેસ ફોરમના સત્ર બાદ જ્યારે પીએમ મોદી સ્ટેજ અને બેકડ્રોપ પાસે ઉભા હતા, ત્યારે વિદેશી મહિલા પ્રતિનિધિઓનું એક જૂથ તેમની નજીક પહોંચ્યું હતું. પીએમ મોદીને જોઈને આ મહિલાઓ પોતાના ઉત્સાહને રોકી શકી નહીં અને તેમણે ખૂબ જ નમ્રતાથી વિનંતી કરતા પૂછ્યું, "Can we have a picture with you?" (શું અમે તમારી સાથે એક ફોટો પડાવી શકીએ?). પીએમ મોદીએ પણ પોતાના સહજ અને ઉષ્માભર્યા સ્મિત સાથે તરત જ કહ્યું, "હા, ચોક્કસ!" અને તેઓ મહિલા પ્રતિનિધિઓ સાથે તસવીર પડાવવા માટે ઉભા રહી ગયા.
સેલ્ફી અને ગ્રુપ ફોટો લેવા માટે લાગી પડાપડી
પીએમ મોદીની આ સરળતા જોઈને નજીકમાં ઉભેલા અન્ય વિદેશી મહેમાનો અને પ્રતિનિધિઓ પણ તેમની સાથે જોડાવા લાગ્યા હતા. વાતાવરણ એટલું અનૌપચારિક અને ઉત્સાહવર્ધક બની ગયું હતું કે દરેક વ્યક્તિ ભારતીય વડાપ્રધાન સાથે એક યાદગાર ક્ષણ કેમેરામાં કેદ કરવા આતુર દેખાતી હતી. પીએમ મોદીએ પણ કોઈ પણ ઉતાવળ વગર તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, તેમની સાથે હાથ મિલાવ્યા અને અલગ-અલગ જૂથો સાથે ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા.
"અમે બધા ખૂબ નસીબદાર છીએ" – વાતાવરણમાં ગુજ્યું હાસ્ય
ફોટોગ્રાફી દરમિયાન વાતાવરણ ત્યારે વધુ હળવું અને આનંદમય બની ગયું જ્યારે ત્યાં હાજર એક ફોટોગ્રાફરે મજાકિયા અંદાજમાં કહ્યું, "તમે બધી મહિલાઓ ખૂબ જ નસીબદાર છો કે તમને પીએમ મોદી સાથે ફોટો પાડવાનો મોકો મળ્યો." આ સાંભળીને તમામ વિદેશી મહિલા પ્રતિનિધિઓ ખડખડાટ હસી પડી હતી અને એકસૂરે જવાબ આપ્યો હતો, "અમે બધા ખરેખર ખૂબ નસીબદાર છીએ!" મહિલાઓના આ સકારાત્મક પ્રતિભાવ પર પીએમ મોદીએ પણ સ્મિત સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ભારત સરકારના સત્તાવાર હેન્ડલ 'MyGovIndia' દ્વારા આ ખાસ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર થતાંની સાથે જ વાયરલ થઈ ગયો છે અને નેટીઝન્સ પીએમ મોદીના આ ગ્લોબલ ક્રેઝ અને વિદેશી પ્રતિનિધિઓ પ્રત્યેના તેમના સૌજન્યપૂર્ણ વ્યવહારની ભારે પ્રશંસા કરી રહ્યા છે. લોકો કોમેન્ટ્સ કરીને લખી રહ્યા છે કે પીએમ મોદીનો આ અંદાજ બતાવે છે કે વિશ્વભરમાં ભારત અને ભારતીય નેતૃત્વ પ્રત્યે કેવો આદર છે.
18મી BRICS સમિટ 2026નું મહત્વપૂર્ણ આયોજન
ઉલ્લેખનીય છે કે, ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે 18મી BRICS સમિટની યજમાની કરી રહ્યું છે. પીએમ મોદીએ શુક્રવારે BRICS બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું હતું, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત બ્રિક્સ દેશોના અગ્રણી નેતાઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠકોની સાથે સાથે આવી અનૌપચારિક અને સુખદ ક્ષણો પણ સમિટનું મુખ્ય આકર્ષણ બની રહી છે.








