BJP Shiromani Akali Dal alliance: પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણી અકાલી દળ (SAD) એ ફરી એકવાર ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે સંયુક્ત રીતે આ ગઠબંધનની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે અકાલી દળનું NDA માં સ્વાગત કરતાં જણાવ્યું હતું કે આ ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય પંજાબને નશામુક્ત કરવાનો રહેશે.
NDA ના સૌથી જૂના સાથીની વાપસી: અમિત શાહનું નિવેદન
શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધનની જાહેરાત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, "આજે NDA ના સૌથી જૂના સાથીની NDA માં વાપસી થઈ છે." અમિત શાહે પંજાબને નશામુક્ત કરવા માટે 31 ડિસેમ્બર 2029 ની ડેડલાઈન નક્કી કરી છે. તેમણે જણાવ્યું કે પંજાબમાંથી નશો અને ભ્રષ્ટાચાર દૂર કરવો એ અમારું મુખ્ય લક્ષ્ય હશે.
ત્રણ મહિનાની મંત્રણા બાદ નિર્ણય
અમિત શાહે માહિતી આપી કે, સુખબીર સિંહ બાદલ અને નીતિન નવીન વચ્ચે ગઠબંધન અંગે છેલ્લા ત્રણ મહિનાથી વાતચીત ચાલી રહી હતી. આ ગઠબંધન પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ મોટા એલાનો કરશે. તેમણે પંજાબની ચૂંટણીમાં જીતનો દાવો કરતાં કહ્યું કે, "અમને આશા છે કે પંજાબની જનતા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમને જીત અપાવશે."
અગાઉ કેવો રહ્યો છે SAD-BJP ગઠબંધનનો રેકોર્ડ?
ભાજપ અને શિરોમણી અકાલી દળ (SAD) એ અત્યાર સુધીમાં કુલ પાંચ વખત ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડી છે, જેમાંથી ત્રણ વખત સરકાર બનાવવામાં સફળતા મળી છે.
ગઠબંધન પાછળ વોટ બેંક અને પ્રાદેશિક પકડનું ગણિત
બંને પક્ષોના ફરી સાથે આવવા પાછળનું સૌથી મોટું કારણ તેમની વોટ બેંક અને પ્રાદેશિક પકડ છે. 2024 ની લોકસભા ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો:
BJP: પંજાબમાં આશરે 25 લાખ મત એટલે કે 18.56 ટકા વોટ મળ્યા હતા.
શિરોમણી અકાલી દળ (SAD): આશરે 18 લાખ મત એટલે કે 13.42 ટકા વોટ મળ્યા હતા.
સંયુક્ત તાકાત: બંને પક્ષોના મત ઉમેરવામાં આવે તો આ આંકડો આશરે 43 લાખ મત અને કુલ વોટ શેર લગભગ 32 ટકા જેટલો થાય છે, જે આગામી વિધાનસભા ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.








