Bhutan Glacial Lake Outburst Flood: ભારતના પાડોશી દેશ ભૂતાનના ગાસા જિલ્લામાં શિંતાફૂ ગ્લેશિયર સરોવરમાંથી અચાનક પાણીનો મોટો પ્રવાહ છૂટતાં સરહદી વિસ્તારોમાં પૂરનો ભય ફેલાયો છે. 29 ઓક્ટોબરની સાંજે બનેલી આ ઘટનાને પગલે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને આસામના ધુબરી સહિતના વિસ્તારોમાં સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે. સંકોશ નદીના કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, અલીપુરદ્વાર જિલ્લામાં આશરે 10 હજાર લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે NDRF અને SDRFની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે.
ભૂતાનમાં ગ્લેશિયર સરોવરમાંથી અચાનક પાણીનો પ્રવાહ
ભૂતાનના ગાસા જિલ્લાના લુંગો વિસ્તારમાં વાકિલા પર્વતની નીચે આવેલા શિંતાફૂ સરોવરમાંથી અચાનક પાણીનો મોટો પ્રવાહ છૂટ્યો હતો. આ પાણી મો ચુ અને મોફુ નદીના જળપ્રવાહ સાથે સંકળાયેલા વિસ્તારમાંથી આગળ વધીને સંકોશ નદી તરફ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટના બાદ નદી કિનારે રહેતા લોકોને ચેતવવા માટે સાયરન વગાડવામાં આવ્યાં હતાં. ભૂતાનના સ્થાનિક અહેવાલો અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારે પાણીના પ્રવાહને કારણે ગાસા ત્સાચુના ગરમ પાણીના ઝરણા પાસેના માળખાને નુકસાન થયું હતું અને લાયા તરફ જતો રસ્તો પણ કેટલાક સ્થળે અવરોધિત થયો હતો. Reutersના અહેવાલ મુજબ, 30 ઓક્ટોબરની સવાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નહોતા.
ભારતના સરહદી વિસ્તારોમાં પૂરની ચેતવણી
ભૂતાનમાં ગ્લેશિયર સરોવરમાંથી પાણી છૂટવાની ઘટના બાદ ભારતના પશ્ચિમ બંગાળ અને આસામના કેટલાક વિસ્તારોમાં સાવચેતી વધારવામાં આવી હતી. સંકોશ નદીના જળસ્તરમાં અચાનક વધારો થવાની આશંકાને ધ્યાનમાં રાખીને અલીપુરદ્વાર જિલ્લાના કુમારગ્રામ સહિતના વિસ્તારોમાં લોકોને નદીકાંઠાથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળે જવા સૂચના આપવામાં આવી હતી. ભારત સરકારની વિશેષ પૂરની એડવાઈઝરીમાં ઉપરવાસમાં પાણીનો પ્રવાહ વધે તો અલીપુરદ્વાર અને આસામના ધુબરી જિલ્લામાં નદીના જળસ્તરમાં અચાનક વધારો થઈ શકે તેવી ચેતવણી આપવામાં આવી હતી. પ્રારંભિક અંદાજ મુજબ, પાણીનો પ્રવાહ ભારત-ભૂતાન સરહદ સુધી પહોંચવામાં 6થી 8 કલાક લાગી શકે છે.
10 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
પૂરની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને અલીપુરદ્વાર જિલ્લામાં મોટા પાયે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહેવાલો મુજબ, આશરે 4થી 5 હજાર લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે 6 હજારથી વધુ લોકોને અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. શાળાઓ અને અન્ય ઇમારતોનો ઉપયોગ અસ્થાયી રાહત કેન્દ્ર તરીકે કરવામાં આવ્યો હતો. સ્થળાંતરિત લોકો માટે પીવાનું પાણી, સૂકો ખોરાક અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. વહીવટીતંત્રે લોકોને ગભરાવાની જગ્યાએ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી.
NDRF અને SDRFની ટીમો તૈનાત
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના તુફાનગંજ અને બોક્સીરહાટ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં SDRFની ટીમો તૈનાત કરવામાં આવી હતી. NDRFની ટીમને પણ રાહત અને બચાવ કામગીરી માટે રવાના કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને સિવિલ ડિફેન્સની ટીમો પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી હતી. પશ્ચિમ બંગાળના વનમંત્રી મનોજ કુમાર ઉરાંવે વીડિયો સંદેશ દ્વારા સંકોશ નદીના કિનારે રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને વહીવટીતંત્રને સહકાર આપવા જણાવ્યું હતું.
શિંતાફૂ સરોવર કેમ છે જોખમી?
શિંતાફૂ સરોવર ભૂતાનનાં સંભવિત જોખમી ગ્લેશિયર સરોવરોમાંનું એક છે. હિમનદીઓના પીગળવાથી બનેલા આવા સરોવરોમાં પાણીનો જથ્થો વધી જાય અથવા કુદરતી અવરોધમાં ભંગાણ સર્જાય તો અચાનક પાણીનો વિશાળ પ્રવાહ નીચેના વિસ્તારો તરફ ધસી શકે છે. આ પ્રકારની ઘટનાને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ એટલે કે GLOF કહેવામાં આવે છે. આવા પૂર સાથે પાણી ઉપરાંત કાદવ, પથ્થરો, વૃક્ષોના મોટા ટુકડા અને કાટમાળ પણ વહીને આવી શકે છે. તેથી નદીકાંઠાના ગામો, રસ્તાઓ, પુલો અને ખેતીની જમીનને નુકસાન થવાનું જોખમ રહે છે. જોકે, શિંતાફૂ સરોવરમાંથી પાણી છૂટવાનું ચોક્કસ કારણ અને સમગ્ર નુકસાનનું પ્રમાણ જાણવા માટે વધુ મૂલ્યાંકન જરૂરી છે.
પાણીનો પ્રવાહ ઘટ્યો, છતાં સતર્કતા યથાવત્
કેટલાક અહેવાલો અનુસાર, અલીપુરદ્વારના કુમારગ્રામ વિસ્તારમાં પાણીના પ્રવાહની તીવ્રતામાં થોડો ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ ભારતીય વિસ્તારમાં ફ્લેશ ફ્લડની અસર ઓછી થઈ હોવાના અને સ્થળાંતરિત લોકોને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. તેમ છતાં, સંકોશ નદી અને તેની આસપાસના વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા દેખરેખ ચાલુ રાખવામાં આવી હતી. નદીના જળસ્તરમાં ફેરફાર અને ઉપરવાસમાંથી આવતા પાણી પર સતત નજર રાખવામાં આવી રહી હતી.








