Bangladesh Violence Against Hindus: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાયના સભ્યો, ખાસ કરીને વેપારીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નિશાન બનાવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. નરસિંગડી જિલ્લામાં રાત્રે એક હિન્દુ કરિયાણા વેપારીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટના જેસોર જિલ્લામાં એક હિન્દુ ઉદ્યોગપતિ અને અખબારના સંપાદકની હત્યાના ગણતરીના કલાકોમાં જ બની છે. છેલ્લા 25 દિવસમાં સતત થઈ રહેલી હત્યાઓને કારણે લઘુમતી સમુદાયમાં ભારે ફફડાટ અને અસલામતીની લાગણી વ્યાપી ગઈ છે.
દુકાન બંધ કરીને ઘરે પરત ફરતા મોની ચક્રવર્તીની હત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, નરસિંગડી જિલ્લાના પલાશ ઉપજિલ્લામાં રહેતા મોની ચક્રવર્તી રાત્રે 11 વાગ્યાની આસપાસ પોતાની કરિયાણાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અંધારાનો લાભ લઈને અજાણ્યા હુમલાખોરોએ તેમના પર સ્થાનિક રીતે બનાવેલા તીક્ષ્ણ હથિયારો (છરી) વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે મોની ચક્રવર્તી લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. સ્થાનિક લોકો તેમને તાત્કાલિક પલાશ ઉપજિલ્લા આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
જેસોરમાં અખબારના સંપાદકની ગોળી મારી હત્યા
નરસિંગડીની ઘટનાના થોડા કલાકો પહેલા જ જેસોર જિલ્લામાં 38 વર્ષીય રાણા પ્રતાપ બૈરાગીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. રાણા પ્રતાપ એક ફેક્ટરીના માલિક હોવાની સાથે દૈનિક 'બીડી ખબર' અખબારના કાર્યકારી સંપાદક પણ હતા. હુમલાખોરોએ તેમને નિશાન બનાવી સીધી માથામાં ગોળી મારી દીધી હતી. એક જ સાંજમાં બે હિન્દુ અગ્રણીઓની હત્યા થતા સમગ્ર બાંગ્લાદેશમાં લઘુમતી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
25 દિવસમાં હત્યાનો આંકડો વધ્યો
બાંગ્લાદેશમાં ડિસેમ્બર મહિનાથી હિન્દુ યુવાનો અને વેપારીઓને વ્યવસ્થિત રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે:
18 ડિસેમ્બર: મૈમનસિંઘ જિલ્લાના ભાલુકામાં દિપુ ચંદ્ર દાસની ઉગ્રવાદી ટોળા દ્વારા હત્યા.
25 ડિસેમ્બર: અમૃત મંડલ નામના હિન્દુ યુવાનની હત્યા.
11 જાન્યુઆરી: ચિત્તાગોંગના દાગનભુઇયાનમાં 28 વર્ષીય ઓટો ડ્રાઈવર સમીર દાસની છરીના ઘા ઝીંકી હત્યા અને લૂંટ.
15 જાન્યુઆરી: મોની ચક્રવર્તી અને રાણા પ્રતાપ બૈરાગીની હત્યા.
પોલીસ તપાસ અને લઘુમતીઓમાં ભય
પલાશ પોલીસ સ્ટેશનના ઓફિસર ઇનચાર્જ (OC) શાહિદ અલ મામુને આ હત્યાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ગુનેગારોને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. જોકે, પોલીસના દાવાઓ છતાં લઘુમતી સમુદાયમાં સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિક હિન્દુ નેતાઓના જણાવ્યા મુજબ, હિન્દુ સમુદાયના આર્થિક રીતે સક્ષમ વેપારીઓને નિશાન બનાવીને તેમની મિલકતો પચાવી પાડવા અથવા તેમને ડરાવવા માટે આ હિંસા આચરવામાં આવી રહી છે. તાજેતરના અઠવાડિયામાં વધેલા હુમલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે, પરંતુ હજુ સુધી કોઈ મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં સફળતા મળી નથી.








