Bangladesh Violence News: બાંગ્લાદેશ ફરી એકવાર રાજકીય હિંસા અને આગચંપીની ઘટનાઓથી ધ્રૂજી ઊઠ્યું છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની પ્રતિબંધિત પાર્ટી અવામી લીગ દ્વારા જાહેર કરાયેલા 'લૉકડાઉન' પહેલાં દેશભરમાં તણાવ વધી ગયો છે. રાજધાની ઢાકા સહિત અનેક વિસ્તારોમાં દેશી બોમ્બના ધડાકા, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. ચટગાંવમાં વચગાળાની સરકારના પૂર્વ વડા મોહમ્મદ યુનુસના પૈતૃક નિવાસસ્થાનને પણ આગ ચાંપવામાં આવી છે. દેશના 28 જિલ્લાઓમાં બોમ્બ ધડાકા થયા હોવાના અહેવાલ છે, જ્યારે હિંસક ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયાં છે.
મોહમ્મદ યુનુસના પૈતૃક ઘરને આગચંપી
છેલ્લા બે દિવસ દરમિયાન ઉપદ્રવીઓએ ચટગાંવના પાંચલાઈસ વિસ્તારમાં આવેલા મોહમ્મદ યુનુસના પૈતૃક નિવાસસ્થાનને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત સિલહટ, રાજશાહી, બારીસાલ અને ફરીદપુરમાં યુનુસની ગ્રામીણ બેંકની અનેક શાખાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી. બીજી તરફ, વડાપ્રધાન તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકરોએ પણ ઢાકામાં અવામી લીગના બે નેતાઓનાં ઘરો પર હુમલો કરીને આગ લગાવી હોવાના અહેવાલ છે. આમ, બંને પક્ષો વચ્ચેના રાજકીય સંઘર્ષે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.
28 જિલ્લાઓમાં દેશી બોમ્બના ધડાકા, ચારનાં મોત
બાંગ્લાદેશના કુલ 64 વહીવટી જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓમાં ડઝનબંધ દેશી બોમ્બ ફૂટ્યા હોવાના અહેવાલ છે. અનેક વાહનોને પણ આગને હવાલે કરવામાં આવ્યાં છે. પશ્ચિમી નરાઈલ જિલ્લામાં BNPની રેલી પર અવામી લીગના કાર્યકરોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં સત્તાધારી પક્ષના બે સ્થાનિક નેતાઓનાં મોત થયાં હતાં. આ ઉપરાંત ફરીદપુર અને પિરોજપુરમાં એક BNP નેતા અને એક પરિવહન કર્મચારીનું મોત થયું હતું. ઢાકામાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હોવાનું પણ જણાવાયું છે.
શેખ હસીનાની વાપસીની જાહેરાત બાદ તણાવ વધ્યો
5 ઓગસ્ટ, 2024ના રોજ વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાએ સત્તા ગુમાવી હતી અને ત્યારથી તેઓ ભારતમાં આશ્રય લઈ રહ્યાં છે. ગત વર્ષે એક વિશેષ ટ્રિબ્યુનલે માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ તેમને ગેરહાજરીમાં ફાંસીની સજા સંભળાવી હતી. આ સજાની વરસી નિમિત્તે અવામી લીગે દેશમાં લૉકડાઉનનું એલાન આપ્યું છે. આ મહિનાની શરૂઆતમાં શેખ હસીનાએ ફાંસીની સજા છતાં ગમે તે ભોગે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી. ત્યારથી દેશમાં રાજકીય તણાવમાં વધારો થયો છે. મંગળવારે હસીનાના વતન તુંગીપારામાં તેમના 30 સમર્થકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લેતાં પોલીસે થાણું ખાલી કરવું પડ્યું હતું.
વડાપ્રધાન તારિક રહેમાનની ચેતવણી, સુરક્ષા વધારાઈ
બુધવારે રાત્રે વડાપ્રધાન તારિક રહેમાને અવામી લીગને 'આતંકવાદી સંગઠન' અને 'પરાજિત ફાસીવાદી તાકાત' ગણાવી હતી. તેમણે લોકતાંત્રિક દળોને એકજૂટ થવાની અપીલ કરી હતી. સાથે જ સાંસદોને માત્ર સરકારી તંત્ર પર નિર્ભર ન રહેતાં રસ્તા પર ઉતરવા આહ્વાન કર્યું હતું. હિંસા પર કાબૂ મેળવવા માટે ગોપાલગંજ સહિતના સંવેદનશીલ જિલ્લાઓમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ના હજારો જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ઢાકામાં 565 લોકોની ધરપકડ
સુરક્ષા એજન્સીઓએ હિંસા રોકવા માટે કાર્યવાહી તેજ કરી છે. પોલીસના 24 કલાકના ઓપરેશન દરમિયાન એકલા ઢાકામાંથી 565 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં હસીના સરકારના પૂર્વ શિક્ષણમંત્રી નુરુલ ઇસ્લામ નાહિદનો પણ સમાવેશ થાય છે. ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે જણાવ્યું છે કે તોફાનીઓ સામે ઓડિયો-વીડિયો પુરાવાના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાંગ્લાદેશમાં સતત વધી રહેલી હિંસા વચ્ચે હવે સરકાર અને સુરક્ષા એજન્સીઓ માટે સ્થિતિને કાબૂમાં લેવાનો મોટો પડકાર ઊભો થયો છે








