Arvind Kejriwal Extortion Threat: આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલને લોરેન્સ ગેંગના નામે ખંડણી માટે ધમકી મળ્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, અજાણ્યા શખ્સે કેજરીવાલ પાસે 7 કરોડ રૂપિયાની માગણી કરી હતી અને રૂપિયા નહીં આપે તો તેમને તથા તેમની દીકરી હર્ષિતા કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મોહાલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
AAP ધારાસભ્ય જરનૈલ સિંહને ફોન અને વોટ્સએપ મેસેજ
પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય ગણાવતા એક અજાણ્યા વ્યક્તિએ દિલ્હીના તિલક નગરથી AAPના ધારાસભ્ય જરનૈલ સિંહને ફોન અને વોટ્સએપ મેસેજ દ્વારા ધમકી આપી હતી. ધારાસભ્ય જરનૈલ સિંહે પોલીસને આપેલી લેખિત ફરિયાદ મુજબ, 6 નવેમ્બર 2026ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે તેમના પર્સનલ મોબાઇલ નંબર પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. આ ઉપરાંત તેમને વોટ્સએપ મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો. વોટ્સએપ પ્રોફાઇલ પર ‘~ $H’ નામ દર્શાવવામાં આવતું હતું.
‘7 કરોડ આપી દે, નહીં તો જાનથી મારી નાખીશ’
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અજાણ્યા શખ્સે ફોન અને ટેક્સ્ટ મેસેજમાં ધમકી આપતાં લખ્યું હતું કે, “લૉરેન્સ ગૅંગમાંથી બોલું છું, અરવિંદ કેજરીવાલને કહી દે 7 કરોડ આપી દે, નહીં તો અરવિંદ કેજરીવાલ અને તેની દીકરી હર્ષિતા કેજરીવાલને જાનથી મારી નાખીશ.” આ મેસેજમાં 7 કરોડ રૂપિયાની ખંડણી માગવાની સાથે કેજરીવાલ અને તેમની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
ધારાસભ્યએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી
જરનૈલ સિંહે મોહાલીના SSPને આપેલી ફરિયાદમાં અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેજરીવાલ એક પ્રમુખ રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમને અને તેમના પરિવારને આપવામાં આવેલી ધમકી જાહેર તથા રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે.
મોબાઇલ નંબર અને લોકેશન ટ્રેસ કરવાની માગ
ધારાસભ્યએ પોલીસ સમક્ષ આરોપીના મોબાઇલ નંબરના કોલ ડિટેલ રેકોર્ડ (CDR), IP લૉગ અને લોકેશન ટ્રેસ કરવાની માગ કરી છે. સાથે જ આરોપીની વહેલી તકે ધરપકડ કરવા અને અરવિંદ કેજરીવાલ તથા તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ માંગ કરવામાં આવી છે.








