US Senate Rejects Proposal To Stop Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે અમેરિકી સેનેટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૈન્ય અધિકારો પર લગામ લગાવવાનો વિરોધ પક્ષનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. બુધવારે યુએસ સેનેટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઈરાન પર લશ્કરી હુમલા કરવાના અધિકારને મર્યાદિત કરવાના હેતુથી રજૂ કરાયેલા એક મહત્વપૂર્ણ ઠરાવને નકારી કાઢ્યો છે. આ નિર્ણય સાથે હવે ટ્રમ્પ વહીવટીતંત્ર માટે પશ્ચિમ એશિયામાં ઈરાન વિરુદ્ધ પોતાની આક્રમક સૈન્ય ગતિવિધિઓ ચાલુ રાખવાનો માર્ગ મોકળો બન્યો છે.
દ્વિપક્ષીય બિલ બહુમતીના અભાવે ફગવાયું
ડેમોક્રેટ સાંસદ ટિમ કેન અને રિપબ્લિકન રેન્ડ પોલ દ્વારા સંયુક્ત રીતે આ દ્વિપક્ષીય બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોંગ્રેસની પૂર્વ મંજૂરી વિના ઈરાન સામે ચાલી રહેલી દુશ્મનાવટમાંથી યુએસ દળોને પાછા ખેંચવાનો આદેશ આપવાનો હતો. જોકે, 100 સભ્યોવાળી સેનેટમાં રિપબ્લિકન પાર્ટી પાસે 53-47ની પાતળી બહુમતી છે. ઇઝરાયેલ દ્વારા ટ્રમ્પના નિર્ણયોને મળેલા સમર્થન અને રિપબ્લિકન સભ્યોની એકતાને કારણે આ ઠરાવ જરૂરી મતો મેળવી શક્યો નહીં અને સમાન માર્જિનથી પરાજિત થયો.
ભીષણ સંઘર્ષના પાંચ દિવસ બાદ મતદાન
આ મહત્વપૂર્ણ મતદાન એવા સમયે થયું છે જ્યારે છેલ્લા પાંચ દિવસથી પ્રદેશમાં સંઘર્ષની જ્વાળાઓ ઝડપથી ફેલાઈ રહી છે. તાજેતરના હુમલાઓમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની અને તેહરાનની અનેક વરિષ્ઠ લશ્કરી હસ્તીઓ માર્યા ગયા હોવાના અહેવાલો છે. બીજી તરફ, બદલાની કાર્યવાહીમાં ઈરાને કુવૈતમાં આવેલા યુએસ લશ્કરી મથક પર મિસાઈલ હુમલા કર્યા હતા, જેમાં અમેરિકી સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. આ લોહિયાળ સંઘર્ષ છતાં સેનેટે ટ્રમ્પના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
"કોઈ તાત્કાલિક ખતરો નહોતો", ડેમોક્રેટ્સનો ગંભીર આક્ષેપ
ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવાઈ હુમલાના આદેશ આપીને ગેરબંધારણીય રીતે કોંગ્રેસની અવગણના કરી છે. સાંસદ ટિમ કેને વહીવટી અધિકારીઓ સાથેની ગુપ્ત બ્રીફિંગ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, "રૂમમાં એવા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી જે સૂચવે કે ઈરાન તરફથી અમેરિકા માટે કોઈ તાત્કાલિક ખતરો હતો." વિપક્ષના મતે ટ્રમ્પ સરકાર યુદ્ધ માટે સતત વાજબીપણું બદલી રહી છે.
ટ્રમ્પનો હુંકાર: "ઈરાનનો નાશ થઈ રહ્યો છે"
સેનેટમાં જીત બાદ વ્હાઇટ હાઉસ ખાતે ટેક જાયન્ટ્સના એક સંમેલનને સંબોધતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે, "અમેરિકા અને ઇઝરાયેલ ઈરાન સામે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ખામેનીના સંભવિત ઉત્તરાધિકારીઓ પણ હવે ખતમ થઈ ગયા છે અને તેહરાનનો બેલિસ્ટિક મિસાઇલોનો ભંડાર ઝડપથી નાશ પામી રહ્યો છે." યુદ્ધના મોરચે અમેરિકાના પ્રદર્શન વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે વટથી કહ્યું કે, "કોઈએ મને 10 માંથી પોઈન્ટ આપવાનું પૂછ્યું, મેં કહ્યું અમે 15 પોઈન્ટ પર છીએ." ટ્રમ્પની આ પ્રતિજ્ઞા દર્શાવે છે કે આવનારા દિવસોમાં ઈરાન સામેના હુમલાઓ વધુ તેજ બનશે, જેની વૈશ્વિક અર્થતંત્ર અને પ્રાદેશિક શાંતિ પર ગંભીર અસરો પડી શકે છે.








