New Orleans Cruise Ship Accident: અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં મિસિસિપી નદી પર શુક્રવારે મોટો જહાજ અકસ્માત સર્જાયો હતો. બંદર પર બંધાયેલી નદીની ક્રૂઝ બોટ સાથે એક ટેન્કર અથડાતાં અફરાતફરી મચી ગઈ હતી. ટક્કર બાદ ક્રૂઝ બોટમાં પાણી ભરાવા લાગ્યું અને તે પલટી ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે બોટમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 32 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કોઈની હાલત ગંભીર નથી.
ટેન્કરે ગુમાવ્યો સ્ટિયરિંગ પરનો કાબૂ
મળતી માહિતી મુજબ, શુક્રવારે ન્યૂ ઓર્લિયન્સ બંદર નજીક મિસિસિપી નદીમાં બંધાયેલી ક્રૂઝ બોટ સાથે 'એટલાન્ટિક ડામર' નામનું મોટું ટેન્કર અથડાયું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે ટેન્કરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હોવાની આશંકા છે. ટક્કર એટલી જોરદાર હતી કે જહાજના ધાતુના ભાગો અને કાચ તૂટી ગયા હતા. આ સમયે ક્રૂઝ બોટમાં અંદાજે 180 લોકો સવાર હતા. અકસ્માત બાદ બોટ પાણીમાં ફસાઈ ગઈ હતી અને ધીમે ધીમે તેમાં પાણી ભરાવા લાગ્યું હતું.
32 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્માતની જાણ થતાં જ ટગબોટ સંચાલકો, પોલીસ, નજીકના મજૂરો અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. નદીના લગભગ 19 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા પાણીમાંથી મુસાફરો અને બે પોલીસ અધિકારીઓ સહિત અનેક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન ક્રૂઝ બોટમાં પાણી ભરાતાં તે પલટી ગઈ હતી. પ્રત્યક્ષદર્શી ડેવોન ફ્લાનાગને જણાવ્યું હતું કે ઘટનાસ્થળે સંપૂર્ણ અફરાતફરીનો માહોલ હતો અને મદદ માટે અનેક જહાજો પહોંચ્યાં હતાં. ન્યૂ ઓર્લિયન્સનાં મેયર હેલેના મોરેનોએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મિસિસિપી નદી પર આ ખરેખર ચમત્કાર સમાન ઘટના છે. કોઈ વ્યક્તિ ગુમ થઈ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે 32 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, પરંતુ કોઈની સ્થિતિ ગંભીર નથી.
અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ થશે
યુએસ કોસ્ટ ગાર્ડનાં કેપ્ટન મેલાની બાયનમે જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે એવું લાગે છે કે ટેન્કરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. આ સમગ્ર ઘટનાની તપાસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા કરવામાં આવશે. જોકે, દેશમાં ફ્લાઇટ સસ્પેન્શનને કારણે તપાસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકી નહોતી.
મુસાફરો માટે હોટલ અને પરિવહનની વ્યવસ્થા
અકસ્મત બાદ ક્રૂઝ કંપનીએ તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોની હાજરીની ખાતરી કરવા માટે રોલ કોલ કર્યો હતો. આ દરમિયાન અનેક લોકોના ઓળખપત્ર, મોબાઇલ ફોન અને ચાવીઓ ખોવાઈ ગયાં હતાં. મેયર હેલેના મોરેનોએ જણાવ્યું હતું કે મોટાભાગના મુસાફરો વિદેશથી આવ્યા હતા. તેમના માટે ચાર્જર, ભોજન, હોટલમાં રહેવાની વ્યવસ્થા અને પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
ન્યૂ જર્સી અને ફિલાડેલ્ફિયા વચ્ચેના પુલ સાથે પણ જહાજ અથડાયું
અમેરિકામાં જહાજ સાથે જોડાયેલી બીજી એક ઘટના પણ સામે આવી છે. ગુરુવારે ડેલવેર નદી પર એક માલવાહક જહાજ ટાકોની-પાલમિરા પુલ સાથે અથડાયું હતું. આ પુલ ન્યૂ જર્સીના પાલમિરા અને ફિલાડેલ્ફિયા વચ્ચે જોડાણ પૂરું પાડે છે. રાજ્યના પ્રતિનિધિ એડ નીલ્સને જણાવ્યું હતું કે આ અથડામણને કારણે 1,115 મીટર લાંબા પુલ પર ટ્રાફિક ખોરવાયો હતો અને ફિલાડેલ્ફિયા તરફ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. યુએસ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, માલવાહક જહાજ હાલમાં પેન્સિલવેનિયાના બ્રિસ્ટલમાં આવેલી કિન્ડર મોર્ગન સુવિધા પર લાંગરવામાં આવ્યું છે. ત્યાં નિરીક્ષણ ટીમ તપાસ કરી રહી છે. કોસ્ટ ગાર્ડે હજી સુધી જહાજના માલિક કે સંચાલક અંગે વધુ માહિતી જાહેર કરી નથી. 2025ના અંદાજ મુજબ, આ સ્ટીલ પુલ પરથી દરરોજ 76,200 જેટલાં વાહનો પસાર થઈ શકે છે.








