Government increased the windfall: ખાંડ અને દૂધના ભાવમાં વધારા વચ્ચે હવે પેટ્રોલ-ડીઝલને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બર 2026થી પેટ્રોલ અને ડીઝલની એક્સપોર્ટ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. એક અહેવાલ મુજબ, પેટ્રોલની એક્સપોર્ટ પર અગાઉ કોઈ વિન્ડફોલ ટેક્સ લાગતો નહોતો, પરંતુ હવે પ્રતિ લિટર રૂ.1.50નો ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. બીજી તરફ, ડીઝલ પર લાગતો SAED અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ મળીને કુલ ટેક્સ રૂ.24થી વધારીને પ્રતિ લિટર રૂ.25 કરવામાં આવ્યો છે.
એક્સપોર્ટ ટેક્સ પ્રતિ લિટર રૂ.19.50થી ઘટાડીને રૂ.19 કર્યો
સરકારે વિમાનમાં વપરાતા ઈંધણ એટલે કે ATFની એક્સપોર્ટ અંગે પણ ફેરફાર કર્યો છે. તાજેતરમાં ATFના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેના પર થોડી રાહત આપતાં એક્સપોર્ટ ટેક્સ પ્રતિ લિટર રૂ.19.50થી ઘટાડીને રૂ.19 કર્યો છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં આ તમામ ફેરફારોની જાણકારી આપવામાં આવી છે. જોકે, દેશમાં સામાન્ય ગ્રાહકો માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પરના સ્થાનિક ટેક્સ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સ્થાનિક બજારમાં વેચાતા પેટ્રોલ-ડીઝલના ટેક્સ
વિન્ડફોલ ટેક્સમાં વધારા બાદ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર થશે કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. જોકે, આ નિર્ણયનો સીધો સંબંધ સ્થાનિક બજારમાં વેચાતા પેટ્રોલ-ડીઝલના ટેક્સ સાથે નથી. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ પેદાશોની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવાનો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થાય ત્યારે ભારતીય રિફાઈનરી કંપનીઓને વિદેશમાં ઈંધણની એક્સપોર્ટ કરીને વધારાનો નફો મેળવવાની શક્યતા રહે છે.
ATF પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો
આવી સ્થિતિમાં સરકાર એક્સપોર્ટ પર વધારાનો ટેક્સ લાદીને સ્થાનિક બજારમાં ઈંધણની ઉપલબ્ધતા જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. પેટ્રોલ પર પહેલીવાર પ્રતિ લિટર રૂ.1.50નો ટેક્સ અને ડીઝલ પર રૂ.1નો વધારો આ જ નીતિનો ભાગ માનવામાં આવે છે. બીજી તરફ, ATF પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી આ ક્ષેત્રને થોડી રાહત મળી છે. મહત્વનું છે કે આ ફેરફારો એક્સપોર્ટ સંબંધિત છે અને હાલમાં સામાન્ય ગ્રાહકો માટે દેશમાં વેચાતા પેટ્રોલ-ડીઝલના સ્થાનિક ટેક્સ દરો યથાવત રાખવામાં આવ્યા છે.








