Indore sewage water: દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે વારંવાર સન્માન પામેલા ઈન્દોરમાં એક ભયાનક દુર્ઘટનાએ સમગ્ર પ્રણાલીને કટઘરામાં ઉભી કરી દીધી છે. શહેરના ભાગીરથપુરા વિસ્તારમાં નર્મદા જળ સપ્લાયના નામે નાગરિકોને માનવ મળમૂત્રથી દૂષિત પાણી પીવડાવવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ગંભીર લાપરવાહીના પરિણામે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે. લેબોરેટરી તપાસમાં સામે આવેલા તથ્યો બાદ હવે 'સ્વચ્છ ઈન્દોર'ના દાવાઓ પર મોટા સવાલો ઊભા થયા છે.
લેબ રિપોર્ટમાં સામે આવ્યું ભયાનક સત્ય
ગુરુવારે MGM મેડિકલ કોલેજ અને ઈન્દોર નગર નિગમની લેબોરેટરીમાં કરવામાં આવેલી પાણીની ગુણવત્તા તપાસના રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટ મુજબ, પાણીના નમૂનાઓમાં ઈ-કોલાઈ (E. coli) અને શિગેલા (Shigella) જેવા અત્યંત ઘાતક બેક્ટેરિયા મળી આવ્યા છે. આ બેક્ટેરિયા સામાન્ય રીતે માનવ મળમાં જોવા મળે છે અને ગંભીર ઝાડા, ડિહાઇડ્રેશન અને ચેપનું કારણ બને છે. જિલ્લા કલેક્ટર શિવમ વર્માએ ખુદ આ માહિતીની પુષ્ટિ કરી છે. ગુરુવારે વધુ એક દર્દીના મોત બાદ મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે.
સોમવારથી હાહાકાર, હજારો લોકો અસરગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે ગત સોમવારથી ભાગીરથપુરા અને આસપાસના વિસ્તારોમાં દૂષિત પાણી પીવાથી લોકો એક પછી એક બીમાર પડવા લાગ્યા હતા. શરૂઆતમાં ઉલ્ટી, ઝાડા અને તાવની ફરિયાદો વધતા સ્થાનિક હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ ઉમટી પડી હતી. મંગળવાર સુધીમાં આઠ લોકોના મોત થયા હતા. હાલ સુધીમાં લગભગ 2800 દર્દીઓ નોંધાયા છે. તેમાંથી 201 લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યારે 32 દર્દીઓને ICUમાં દાખલ કરાયા છે, જેમની હાલત અત્યંત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
સહાય આપતી વખતે મંત્રી સામે લોકોનો આક્રોશ
આ ઘટનાને પગલે રાજકીય સ્તરે પણ ગરમાવો જોવા મળ્યો. કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે ગુરુવારે ચાર મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની સહાય રાશિના ચેક આપ્યા હતા. જોકે, આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. લોકોનો આક્ષેપ છે કે શાસન દ્વારા જાહેર કરવામાં આવતો મૃત્યુઆંક વાસ્તવિક સંખ્યાથી ઘણો ઓછો છે. મંત્રીને લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. વિજયવર્ગીયે સ્વીકાર્યું હતું કે વાસ્તવિક મૃત્યુઆંક વધુ હોઈ શકે છે અને ઝાડા તથા દૂષિત પાણીના કારણે થયેલા તમામ મોતની તપાસ કરી સહાય આપવામાં આવશે.
NHRC અને હાઈકોર્ટની કડક કાર્યવાહી
આ ગંભીર મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. આયોગે મધ્ય પ્રદેશના મુખ્ય સચિવને નોટિસ જારી કરીને બે સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. NHRCએ નોંધ્યું છે કે સ્થાનિક લોકોએ વારંવાર દૂષિત પાણીની ફરિયાદો કરી હતી, છતાં સંબંધિત અધિકારીઓએ સમયસર કોઈ કાર્યવાહી કરી નહોતી. બીજી તરફ, હાઈકોર્ટમાં દાખલ થયેલી બે જનહિત અરજીઓ પર શુક્રવારે સુનાવણી થવાની છે, જેમાં રાજ્ય સરકારને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવો પડશે. આ સમગ્ર ઘટનાએ ઈન્દોરના સ્વચ્છતા મોડેલ, પાણી પુરવઠા વ્યવસ્થા અને પ્રશાસનની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે દોષિત અધિકારીઓ સામે કઈ રીતે કાર્યવાહી થાય છે અને આવી દુર્ઘટના ફરી ન બને તે માટે સરકાર કયા કડક પગલાં લે છે.








