MNS Worker and Influencer News: મહારાષ્ટ્રના પુણેમાં MNS પ્રમુખ રાજ ઠાકરે અંગે કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને રીલ સ્ટાર મહેશ મોટેને લઈને વિવાદ સર્જાયો છે. અહેવાલો મુજબ, MNS કાર્યકર્તાઓએ મહેશ મોટેને પકડીને પાર્ટી કાર્યાલયમાં લઈ ગયા હતા, જ્યાં તેના ચહેરા પર કાળો રંગ લગાવવામાં આવ્યો અને રાજ ઠાકરેની તસવીર સામે માફી મંગાવવામાં આવી.
કાર્યકર્તાઓએ પકડીને કાર્યાલયમાં લઈ ગયા
MNSના હડપસર વિધાનસભા ક્ષેત્રના ઉપવિભાગ અધ્યક્ષ શુભમ જગદાલેના જણાવ્યા અનુસાર, મહેશ મોટેએ રાજ ઠાકરે અંગે કથિત વાંધાજનક ભાષામાં વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ તે આશરે 15-20 દિવસ માટે કેરળ ગયો હતો. પુણેના કાત્રજ વિસ્તારમાં પરત ફર્યાની જાણ થતાં MNS કાર્યકર્તાઓ તેને એક પાર્કમાંથી પકડીને MNSના જનસંપર્ક કાર્યાલયમાં લઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
માથે ચંપલ મુકાવી ઉઠક-બેઠક કરાવી
અહેવાલો મુજબ, કાર્યાલયમાં મહેશ મોટાના ચહેરા પર કાળો રંગ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના માથે ચંપલ મુકાવીને ઉઠક-બેઠક કરાવવામાં આવી અને રાજ ઠાકરેની તસવીર સામે સાષ્ટાંગ દંડવત કરીને માફી મંગાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
રડતા-રડતા ઈન્ફ્લુએન્સરે માફી માગી
ઘટના બાદ મહેશ મોટાનો માફી માગતો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રડતો જોવા મળે છે. તેણે પોતાની ટિપ્પણીને ભૂલ ગણાવી રાજ ઠાકરે અને MNS કાર્યકર્તાઓ પાસે બિનશરતી માફી માગી હતી. સાથે જ તેણે અપીલ કરી હતી કે હવે તેને વધુ પરેશાન કરવામાં ન આવે.
MNS નેતાએ આપી ચેતવણી
MNS નેતા શુભમ જગદાલેએ આ ઘટનાને લઈને કહ્યું હતું કે મહેશ મોટોને કાર્યાલયમાં MNSની “ખાસ શૈલી”માં ‘મહાપ્રસાદ’ આપવામાં આવ્યો છે. તેમણે ચેતવણી આપી કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ રાજ ઠાકરે વિરુદ્ધ આવી ટિપ્પણી કરશે તો તેને પણ આ જ રીતે જવાબ આપવામાં આવશે. આ નિવેદન MNS નેતાનું છે અને સ્વતંત્ર રીતે તેની પુષ્ટિ કરવામાં આવી નથી.








