Mayawati vs Akhilesh Yadav: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારીઓ વચ્ચે બસપા સુપ્રીમો માયાવતીએ સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવના ‘PDA રથ’ પર પ્રહાર કર્યો છે. માયાવતીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં રથના રંગને લઈને સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો કે તેમાં સમાજવાદી પાર્ટીના લાલ રંગ કરતાં આરએસએસ-ભાજપનો કેસરી રંગ વધુ જોવા મળે છે. તેમણે એવો પણ સવાલ કર્યો કે શું આ ચૂંટણીના ફાયદા માટે બદલાતા રાજકીય વલણનો સંકેત છે.
‘PDA રથ’ના રંગને લઈને માયાવતીનો પ્રહાર
માયાવતીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે આગામી યુપી વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે જાહેર કરાયેલ સમાજવાદી પાર્ટીનો ‘PDA રથ’ તેના પરંપરાગત લાલ રંગ કરતાં આરએસએસ-ભાજપના કેસરી રંગ જેવો વધુ દેખાય છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણીના સ્વાર્થ માટે સમાજવાદી પાર્ટી પોતાના રંગ અને રાજકીય મુદ્દાઓમાં સતત ફેરફાર કરી રહી છે.
મુસ્લિમ મતદારોને લઈને પણ સવાલ
માયાવતીએ પોતાના નિવેદનમાં એવો સવાલ કર્યો કે શું સમાજવાદી પાર્ટીના વડાનો મુસ્લિમ મતદારો પાસેથી મત મેળવવાનો વિશ્વાસ હવે ઓછો થયો છે. તેમણે દાવો કર્યો કે અગાઉની ચૂંટણીઓમાં મુસ્લિમ સમુદાયે સમાજવાદી પાર્ટીને મોટાપાયે સમર્થન આપ્યું હોવા છતાં ઉત્તર પ્રદેશ અને કેન્દ્રમાં ભાજપને સરકાર બનાવતા રોકી શકાયી નહોતી. આ સંદર્ભમાં તેમણે મુસ્લિમ મતદારોના રાજકીય વલણ અંગે પોતાનો દાવો રજૂ કર્યો હતો.
‘PDAની વાસ્તવિકતા જણાવે સપા’
માયાવતીએ સમાજવાદી પાર્ટીને ‘PDA’ની વાસ્તવિકતા અંગે જનતાને સ્પષ્ટતા કરવા પણ કહ્યું. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણીના હિસાબે PDAની વ્યાખ્યા અને મુદ્દાઓ બદલવામાં આવે છે. તેમણે અખિલેશ યાદવના આંબેડકરવાદી ઓળખ સાથે જોડાયેલા પ્રયાસો પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે જનતાએ આવા પ્રયાસોને સ્વીકાર્યા નથી.
માયાવતીએ BSPની નીતિઓનો ઉલ્લેખ કર્યો
માયાવતીએ કહ્યું કે BSP આંબેડકરવાદી પાર્ટી છે અને ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ની નીતિ અને સિદ્ધાંત પર કામ કરે છે. તેમણે રોટી, રોજગાર, આત્મસન્માન અને સ્વાભિમાન સાથે જીવન જીવવાની વાત કરતા BSPની નીતિઓનો ઉલ્લેખ કર્યો. માયાવતીના આ નિવેદનો 2027ની યુપી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાલી રહેલા રાજકીય પ્રહારોની કડી તરીકે સામે આવ્યા છે.








