YouTube view scam: કૌભાંડ હવે માત્ર પૈસાની હદ સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ ડિજિટલ દુનિયામાં તેનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે. સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના આ યુગમાં જ્યાં પ્લેટફોર્મએ નવી ઊંચાઈઓ હાંસલ કરી છે, ત્યાં જ ઠગબાજીનાં રસ્તાઓ પણ એટલા જ આધુનિક બની ગયા છે. આવામાં એક આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે, જે યૂટ્યુબ જેવા મોટા પ્લેટફોર્મ પર પણ પ્રશ્ન ઊભા કરે છે. આવો જાણીએ સમગ્ર મામલો શું છે?
ગેરકાયદેસર ઓપરેશનનો ખુલાસો
બ્રાઝિલના રિયો ડિ જેનેરોના મકાએમાં 3 ડિસેમ્બર 2025ના રોજ અધિકારીઓએ એક ગેરકાયદેસર ઓપરેશનનો ખુલાસો કર્યો છે, જેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. અહીં સેંકડો ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેના દ્વારા યૂટ્યુબ મ્યુઝિક વીડિયોના વ્યૂઝ કૃત્રિમ રીતે વધારવામાં આવી રહ્યા હતા. આ સમગ્ર સેટઅપ આ રીતે તૈયાર કરાયું હતું કે, પ્લેટફોર્મના અલ્ગોરિધમને ગૂંચવણમાં મૂકવામાં આવે અને વીડિયો વધારે લોકપ્રિય દેખાય. જાણવામાં આવી રહ્યું છે કે આ ઉપકરણો દ્વારા એક જ કન્ટેન્ટને વારંવાર પ્લે કરાવવામાં આવતું હતું, જેના કારણે વ્યૂઝ કાઉન્ટ ઝડપી રીતે વધતા હતા. આવા ફેક વ્યૂઝ્સ ફક્ત કન્ટેન્ટની વાસ્તવિક લોકપ્રિયતા ખોટી રીતે પ્રદર્શિત કરતા નથી, પરંતુ ડિજિટલ ઇકોસિસ્ટમની વિશ્વસનીયતા પર પણ પ્રશ્ન ઊભો કરે છે.
વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ
આ દરમિયાન, આવા કૌભાંડ સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કઈ રીતે ઘણા ઉપકરણોને એક સાથે જોડીને સતત વીડિયો ચલાવવામાં આવે છે. આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થયા છે અને સમજવા લાગ્યા છે કે ઓનલાઈન વ્યૂઝ અને ટ્રેન્ડ્સ પાછળ હકીકતમાં શું રમત ચાલે છે.
'ક્લિક ફાર્મ' શું છે
આ પ્રકારના ફેક વ્યૂઝ અને ક્લિક ફાર્મની રમત ફક્ત બ્રાઝિલ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. ઘણી રિપોર્ટ્સ અને વાઇરલ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે સેંકડો મોબાઈલ ફોન અથવા ઉપકરણોને એક સાથે જોડીને સતત વીડિયો ચલાવવામાં આવે છે, જેના કારણે વ્યૂઝ અને એન્ગેજમેન્ટ કૃત્રિમ રીતે વધારવામાં આવે છે. આ સમગ્ર નેટવર્કને 'ક્લિક ફાર્મ' કહેવામાં આવે છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અલ્ગોરિધમને ગૂંચવણમાં મૂકી કન્ટેન્ટને વાઇરલ દેખાડવાનું કામ કરે છે. આથી સ્પષ્ટ થાય છે કે ઇન્ટરનેટ પર જોવા મળતી દરેક વાઇરલ વસ્તુ ખરેખર સાચી નથી, પરંતુ તેના પાછળ એક મોટી સંગઠિત સિસ્ટમ પણ કાર્યરત હોઈ શકે છે.








