X Account Suspended: એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) એ સ્પામ, બોટ્સ અને ઓટોમેટેડ એકાઉન્ટ્સ સામે અત્યાર સુધીનું સૌથી કડક અભિયાન શરૂ કર્યું છે. X ના પ્રોડક્ટ હેડ નિકિતા બિયરે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, પ્લેટફોર્મ હવે એવા એકાઉન્ટ્સને શોધીને સસ્પેન્ડ કરી રહ્યું છે જે મનુષ્યો દ્વારા નહીં પણ મશીન દ્વારા સંચાલિત છે. આ પગલું ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા દુરુપયોગ અને ડેટા સ્ક્રેપિંગને રોકવા માટે લેવામાં આવ્યું છે.
સ્ક્રીન પર ટૅપ નહીં થાય તો એકાઉન્ટ થશે બંધ
નિકિતા બિયરે ચેતવણી આપી છે કે પ્લેટફોર્મ પર ઓટોમેશનને જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "જો એકાઉન્ટની સ્ક્રીન પર કોઈ મનુષ્ય દ્વારા ટૅપ કરવામાં નહીં આવે, તો તે એકાઉન્ટ અને તેની સાથે જોડાયેલા તમામ અન્ય એકાઉન્ટ્સને કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવશે." ડેવલપર્સ દ્વારા કરવામાં આવતા કોઈપણ પ્રકારના પ્રયોગો કે એક્સપેરિમેન્ટ્સને પણ આ નિયમ હેઠળ માફ કરવામાં આવશે નહીં. X નું લક્ષ્ય પ્લેટફોર્મને માત્ર વાસ્તવિક યુઝર્સ માટે સુરક્ષિત રાખવાનું છે.
ઓટોમેટેડ ડેટા સ્ક્રેપિંગ પર પ્રતિબંધ
ઘણી કંપનીઓ અને ડેવલપર્સ પ્લેટફોર્મ પરથી ડેટા ચોરવા માટે ઓટોમેટેડ સિસ્ટમ અથવા 'સ્ક્રેપિંગ' નો ઉપયોગ કરે છે. X એ ચેતવણી આપી છે કે તેમની સિસ્ટમ હવે કોઈપણ પ્રકારના ઓટોમેટેડ સર્ચ કે સ્ક્રેપિંગને તાત્કાલિક પકડી લેવા સક્ષમ છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે જે ડેવલપર્સ ઓફિશિયલ API (Application Programming Interface) નો ઉપયોગ કરે છે તેમને કોઈ વાંધો આવશે નહીં, પરંતુ ગેરકાયદેસર રીતે ડેટા મેળવનારાઓ સામે કડક કાર્યવાહી થશે.
'OpenClaw' થી વધતા ખતરા સામે લાલ આંખ
આ નવી કાર્યવાહી પાછળ 'OpenClaw' જેવી ઓપન-સોર્સ AI ફ્રેમવર્કની વધતી લોકપ્રિયતા જવાબદાર છે. OpenClaw યુઝર્સને એવા AI એજન્ટ્સ બનાવવાની છૂટ આપે છે જે મનુષ્યની દખલ વગર જાતે જ મેસેજ મોકલી શકે છે અને પ્રોસેસ કરી શકે છે. નિકિતા બિયરે અગાઉ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે જો આવા AI એજન્ટ્સ પર લગામ નહીં કસાય, તો આગામી 90 દિવસમાં Gmail, iMessage અને ફોન કોલ્સ જેવી કમ્યુનિકેશન ચેનલો સ્પામથી એટલી ભરાઈ જશે કે તેનો ઉપયોગ કરવો અશક્ય બની જશે.
નવી નીતિનો હેતુ
ચેટજીપીટી (ChatGPT) કે જેમિની (Gemini) જેવા ચેટબોટ્સ યુઝરના આદેશ પર કામ કરે છે, પરંતુ OpenClaw એજન્ટ્સ સ્વતંત્ર રીતે કામ કરી શકતા હોવાથી તે સ્પામ ફેલાવવાનું મોટું સાધન બની શકે છે. X ની આ નવી નીતિનો હેતુ આવા AI એજન્ટ્સને પ્લેટફોર્મથી દૂર રાખવાનો છે.








