WhatsApp Security Alert: ભારતમાં વ્હોટ્સએપ અને વ્હોટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરતા યુઝર્સ માટે સાયબર સુરક્ષા એજન્સી CERT-Inએ હાઈ-રિસ્ક એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીને એપના અલગ-અલગ વર્ઝનમાં ત્રણ ગંભીર સુરક્ષા ખામીઓ મળી છે. આ ખામીઓનો ફાયદો ઉઠાવીને સાયબર હુમલાખોરો દૂરથી યુઝરના ડિવાઇસને નિશાન બનાવી શકે છે. એટલું જ નહીં, સંવેદનશીલ માહિતી મેળવવા અને એપના ડેટામાં ફેરફાર કરવાનું જોખમ પણ છે. આ ચેતવણી Android, iOS અને Mac યુઝર્સ માટે જાહેર કરવામાં આવી છે.
વ્હોટ્સએપમાં મળી ત્રણ ગંભીર સુરક્ષા ખામીઓ
વ્હોટ્સએપે નવેમ્બર 2026ના સિક્યોરિટી અપડેટમાં ત્રણ સુરક્ષા ખામીઓ અંગે માહિતી આપી છે. આ ખામીઓના કારણે યુઝર્સની પ્રાઇવસી અને ડિવાઇસની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
પહેલી ખામીના કારણે ખાસ પ્રકારના મેસેજ પર ક્લિક કરવાથી ફોનમાં સેવ થયેલી વ્હોટ્સએપ ફાઇલ ડિલીટ થઈ શકતી હતી.
બીજી ખામી Meta AIની સિક્યોરિટી સિસ્ટમ સાથે જોડાયેલી હતી, જેના કારણે સુરક્ષા તપાસમાં છેતરપિંડી થવાનું જોખમ હતું.
ત્રીજી ખામી દ્વારા ખાસ પ્રકારના એડ મેસેજનો ઉપયોગ કરીને યુઝરની IP માહિતી મેળવી શકાતી હતી.
CERT-Inએ શું ચેતવણી આપી?
CERT-Inએ 26 નવેમ્બર 2026ના રોજ CIVN-2026-076 નંબરથી એડવાઇઝરી જાહેર કરી હતી. તેમાં Metaના વ્હોટ્સએપ સાથે જોડાયેલા વિવિધ પ્રોડક્ટ્સમાં સુરક્ષા સંબંધિત ખામીઓની જાણકારી આપવામાં આવી છે. એજન્સીના અનુસાર, આ ખામીઓના કારણે SQL Injection, સર્ટિફિકેટ ચેઇનની યોગ્ય તપાસ ન થવી અને બહારની ટેક્નોલોજી-રિપ્લાય URLનું સંપૂર્ણ વેરિફિકેશન ન થવું જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સાયબર હુમલાખોરો આ નબળાઈઓનો ફાયદો ઉઠાવીને યુઝર્સને ખાસ પ્રકારના મેસેજ અથવા URL મોકલી શકે છે. જો હુમલો સફળ થાય તો ડિવાઇસમાં રહેલી સંવેદનશીલ માહિતી સુધી પહોંચવા, સુરક્ષા નિયંત્રણોને બાયપાસ કરવા અથવા એપના ડેટા સાથે છેડછાડ કરવાની શક્યતા રહે છે.
કયા વ્હોટ્સએપ યુઝર્સને છે જોખમ?
CERT-Inની આ ચેતવણી Android, iOS અને Mac પર વ્હોટ્સએપ તથા વ્હોટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરતા લોકો માટે છે. ખાસ કરીને એપના જૂના વર્ઝનનો ઉપયોગ કરતા યુઝર્સે વધુ સાવચેત રહેવાની જરૂર છે. સુરક્ષા ખામીઓથી બચવા માટે એપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ રીતે સુરક્ષિત રાખો તમારું વ્હોટ્સએપ એકાઉન્ટ
સિક્યોરિટી એલર્ટ બાદ CERT-In અને વ્હોટ્સએપ બંનેએ યુઝર્સને એપ અપડેટ રાખવાની સલાહ આપી છે. પોતાનું એકાઉન્ટ અને ડિવાઇસ સુરક્ષિત રાખવા માટે નીચેના પગલાં અનુસરો:
Android યુઝર્સ Google Play Store પર જઈને વ્હોટ્સએપનું લેટેસ્ટ અપડેટ ચેક કરે.
iPhone યુઝર્સ Apple App Storeમાંથી ઉપલબ્ધ નવું અપડેટ ઇન્સ્ટોલ કરે.
Mac અને WhatsApp Desktopનો ઉપયોગ કરતા યુઝર્સ પણ નવું અપડેટ ઉપલબ્ધ હોય તો ઇન્સ્ટોલ કરે.
અજાણ્યા અથવા શંકાસ્પદ મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરવાનું ટાળો.
વ્હોટ્સએપની સુરક્ષા ખામીઓથી બચવા માટે એપને સમયસર અપડેટ રાખવી સૌથી જરૂરી છે. તેથી જો તમે પણ જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તાત્કાલિક અપડેટ ચેક કરો.








