WhatsApp Meta AI Leak: વિશ્વની લોકપ્રિય મેસેજિંગ એપ WhatsAppની વેબસાઇટના કોડમાં Meta AI ચેટબોટ માટેની આંતરિક સૂચનાઓ જાહેર થઈ જતાં ટેક જગતમાં ચર્ચા શરૂ થઈ છે. અહેવાલ મુજબ, WhatsAppના આશરે 80 હેલ્પ અને FAQ પેજના બેકએન્ડ કોડમાં AI ચેટબોટ માટે તૈયાર કરાયેલા ગુપ્ત નિર્દેશો જોવા મળ્યા હતા. તેમાં કાનૂની સલાહ ન આપવી, ડેટા પ્રોટેક્શન સત્તામંડળોનો સંપર્ક કરવાની સલાહ ટાળવી અને કંપનીની જવાબદારી અંગે નિવેદન ન આપવું જેવી સૂચનાઓ સામેલ હતી. મામલો સામે આવ્યા બાદ Metaએ આ કોડને ટેકનિકલ ખામી ગણાવી તેને દૂર કર્યો હોવાનો દાવો કર્યો છે.
WhatsAppના કોડમાં કેવી રીતે સામે આવી ગુપ્ત સૂચનાઓ?
અહેવાલ મુજબ, પ્રાઇવસી એનાલિસિસ કંપની Redactના સંશોધકોએ WhatsAppની વેબસાઇટના સોર્સ કોડની તપાસ દરમિયાન આ સૂચનાઓ શોધી હતી. વેબપેજના કોડમાં HelpContentGalaxyLLMInclude નામના હેડિંગ હેઠળ આશરે 100 સૂચના બ્લોક્સ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સૂચનાઓ સામાન્ય વપરાશકર્તાઓને વેબપેજ પર સીધી દેખાતી નહોતી, પરંતુ પેજના બેકએન્ડ કોડમાં વાંચી શકાય તેવી હતી. તેમાંના કેટલાક વિભાગોનું શીર્ષક “WHAT NOT TO SAY” હતું, જે ચેટબોટને કઈ બાબતો કહેવાનું ટાળવું તે અંગે માર્ગદર્શન આપતું હતું.
AI ચેટબોટને કઈ બાબતો ન કહેવાની સૂચના હતી?
અહેવાલમાં સામે આવેલી સૂચનાઓમાં મુખ્યત્વે નીચેની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ડેટા પ્રોટેક્શન સત્તામંડળોનો સંપર્ક કરવાની સલાહ નહીં
એકાઉન્ટ ડિલીટ કરવા સંબંધિત હેલ્પ પેજની સૂચનાઓમાં ચેટબોટને વપરાશકર્તાઓને ડેટા પ્રોટેક્શન ઓથોરિટી, રેગ્યુલેટર અથવા સુપરવાઇઝરી ઓથોરિટીનો સંપર્ક કરવાની સલાહ ન આપવા જણાવાયું હોવાનો દાવો છે.કાનૂની સલાહ અને દસ્તાવેજોના અર્થઘટનથી દૂર રહેવું
વપરાશકર્તા વકીલ, કોર્ટ, કાનૂની કાર્યવાહી અથવા મુકદ્દમાનો ઉલ્લેખ કરે ત્યારે ચેટબોટે WhatsAppની સેવાની શરતો, પ્રાઇવસી પોલિસી કે અન્ય કાનૂની દસ્તાવેજોનું અર્થઘટન ન કરવું અને કંપની વતી કાનૂની બચાવ રજૂ ન કરવો, તેવી સૂચનાઓ હોવાનો અહેવાલ છે.પ્રાઇવસી કાયદાઓ અંગે ટિપ્પણી ટાળવી
યુરોપના GDPR, બ્રાઝિલના LGPD અને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના CCPA જેવા ડેટા પ્રોટેક્શન કાયદાઓ અંગે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે પણ ચેટબોટને સત્તાવાર અર્થઘટન કે ટિપ્પણી કરવાથી દૂર રહેવા જણાવાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.યુઝરની સ્થિતિ અને આગામી ફીચર્સ અંગે મર્યાદા
અહેવાલમાં દિવ્યાંગ અથવા સાંભળવામાં મુશ્કેલી ધરાવતા વપરાશકર્તાઓ સંબંધિત સપોર્ટ વિનંતીઓ અને હજી લોન્ચ ન થયેલા કોમ્યુનિટી ફીચર્સ અંગેની સૂચનાઓનો પણ ઉલ્લેખ છે. આ સૂચનાઓનો હેતુ ચેટબોટ કઈ માહિતીનો ઉપયોગ કરે અને કયા વિષયો પર જવાબ આપે તેની મર્યાદા નક્કી કરવાનો હોવાનું જણાવાયું છે.
Metaએ શું કહ્યું? ટેકનિકલ બગ ગણાવી કોડ હટાવ્યો
આ મામલો ટેક મેગેઝિન દ્વારા ઉઠાવવામાં આવ્યા બાદ Metaએ અસરગ્રસ્ત લાઇવ વેબપેજમાંથી છુપાયેલો કોડ દૂર કર્યો હોવાનો અહેવાલ છે. WhatsAppના પ્રવક્તા જોશુઆ બ્રેકમેને જણાવ્યું કે ટેકનિકલ ખામીને કારણે આ સૂચનાઓ વેબસાઇટના કોડમાં જાહેર રીતે દેખાઈ રહી હતી અને હવે તેને સુધારી લેવામાં આવી છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ સૂચનાઓ સામાન્ય લોકો માટે તૈયાર કરવામાં આવી નહોતી. તેનો ઉપયોગ WhatsApp સપોર્ટમાં કરવામાં આવતા AI ચેટબોટને માર્ગદર્શન આપવા માટે થતો હતો, જેથી તે ટેકનિકલ સમસ્યાઓ અને પ્રોડક્ટ સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે તથા કાનૂની બાબતો અંગે અનુચિત જવાબ ન આપે.
શું આ લીકથી યુઝર્સનો ખાનગી ડેટા પણ જાહેર થયો?
અહીં એક મહત્ત્વનો તફાવત સમજવો જરૂરી છે. અહેવાલમાં મુખ્યત્વે AI ચેટબોટ માટેની આંતરિક સૂચનાઓ વેબસાઇટના સોર્સ કોડમાં દેખાઈ હોવાની વાત છે. આ માહિતીના આધારે વપરાશકર્તાઓની ખાનગી ચેટ્સ, પાસવર્ડ અથવા વ્યક્તિગત ડેટા પણ લીક થયો હતો એવું કહી શકાય નહીં. જોકે, આ ઘટનાએ AI ચેટબોટને આપવામાં આવતી આંતરિક સૂચનાઓ અને કંપનીઓની કાનૂની તથા પ્રાઇવસી સંબંધિત જવાબદારીઓ અંગે ચર્ચા ઊભી કરી છે. Metaએ આ ઘટનાને ટેકનિકલ બગ ગણાવીને સુધારાની વાત કરી છે








