WhatsApp Guest Call Feature: વોટ્સએપે યુઝર્સ માટે નવું ગેસ્ટ કોલ ફીચર રજૂ કર્યું છે, જેની મદદથી હવે વોટ્સએપનો ઉપયોગ ન કરતા લોકો સાથે પણ કોલ કરી શકાશે. આ સુવિધા દ્વારા યુઝર્સ કોલ લિંક જનરેટ કરીને એવા વ્યક્તિને મોકલી શકશે, જેના સ્માર્ટફોનમાં વોટ્સએપ ઇન્સ્ટોલ નથી. સામેની વ્યક્તિ લિંકની મદદથી કોલમાં જોડાઈ શકશે. આ ફીચરથી વોટ્સએપ યુઝર્સ માટે અન્ય લોકો સાથે જોડાવું વધુ સરળ બનશે.
શું છે WhatsAppનું ગેસ્ટ કોલ ફીચર?
વોટ્સએપના નવા ગેસ્ટ કોલ ફીચર હેઠળ યુઝર્સ ખાસ કોલ લિંક બનાવીને વોટ્સએપ ન વાપરતા લોકોને મોકલી શકશે. આ લિંક પર ક્લિક કરીને તેઓ કોલમાં જોડાઈ શકશે અને તેના માટે વોટ્સએપ એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. આ સુવિધા વ્યક્તિગત કોલ અને ગ્રુપ કોલ બંને માટે ઉપયોગી બની શકે છે. જોકે, કોલમાં જોડાવા માટે ગેસ્ટને કોલ શરૂ કરનાર યુઝરની મંજૂરી લેવી પડશે. જો સામેની વ્યક્તિ કોલમાં જોડાવા ન ઇચ્છતી હોય, તો તે લિંકને અવગણી પણ શકે છે.
ફ્રી કોલિંગ સાથે પ્રાઇવસીનું પણ ધ્યાન
ગેસ્ટ કોલ ફીચરમાં કોલ માટે કોઈ સમયમર્યાદા ન હોવાનું જણાવાયું છે. એટલે કે, યુઝર્સ આ સુવિધા દ્વારા લાંબા સમય સુધી વાતચીત કરી શકશે. વોટ્સએપના સામાન્ય કોલની જેમ ગેસ્ટ કોલમાં પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સુરક્ષા આપવામાં આવે છે. કોલ શરૂ કરનાર યુઝર પાસે ગેસ્ટને કોલમાં જોડાવાની મંજૂરી આપવાનો અધિકાર રહેશે. આ ઉપરાંત, જરૂર પડે તો તે કોલ દરમિયાન કોઈપણ ગેસ્ટને દૂર પણ કરી શકશે. આ રીતે કોલ પર કોને જોડવા અને કોને દૂર કરવા તે નિયંત્રિત કરી શકાશે.
સ્ક્રીન શેરિંગ અને ઇમોજી રિએક્શનની સુવિધા
ગેસ્ટ કોલમાં જોડાનારા લોકોને પણ કોલ દરમિયાન કેટલીક સ્ટાન્ડર્ડ સુવિધાઓનો લાભ મળશે. તેમાં સ્ક્રીન શેરિંગ અને ઇમોજી દ્વારા રિએક્શન આપવાની સુવિધાનો સમાવેશ થાય છે. આથી માત્ર વાતચીત જ નહીં, પરંતુ સ્ક્રીન પરની માહિતી શેર કરવા અને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવા માટે પણ આ ફીચર ઉપયોગી બની શકે છે.
WhatsApp પર ગેસ્ટ કોલ કેવી રીતે કરવો?
ગેસ્ટ કોલ કરવા માટે નીચેના સરળ સ્ટેપ્સ અનુસરો:
સૌથી પહેલાં તમારા સ્માર્ટફોનમાં WhatsApp ખોલો.
ત્યારબાદ Calls ટેબમાં જાઓ.
ત્યાં દેખાતા ‘+’ના નિશાન પર ક્લિક કરો.
કોલ લિંક જનરેટ કરો.
આ લિંક વોટ્સએપ ન વાપરતા વ્યક્તિ સાથે શેર કરો.
લિંક ખોલ્યા બાદ તે વ્યક્તિ કોલમાં જોડાવાની વિનંતી કરી શકશે. ત્યારબાદ કોલ શરૂ કરનાર યુઝરે તેને મંજૂરી આપવી પડશે.
વોટ્સએપનું આ ફીચર એવા લોકો માટે ઉપયોગી બની શકે છે, જેઓ વોટ્સએપનો ઉપયોગ કરતા નથી પરંતુ અન્ય લોકો સાથે કોલ દ્વારા જોડાવા માગે છે.








