Red alert for iPhone users: iphoneને દુનિયાના સૌથી સુરક્ષિત સ્માર્ટફોનમાંનો એક માનવામાં આવે છે. પરંતુ હવે iPhone યુઝર્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય સાયબર અપરાધ સંકલન કેન્દ્ર (I4C)એ iPhone વપરાશકર્તાઓ માટે ખાસ ચેતવણી જાહેર કરી છે. સાયબર ગુનેગારો હવે એક નવા અને અત્યંત ખતરનાક હાઇબ્રિડ ફ્રોડ દ્વારા લોકોના iCloud એકાઉન્ટ અને વ્યક્તિગત ડેટાને નિશાન બનાવી રહ્યા છે. નિષ્ણાતોના મતે, જો આ જાળમાં કોઈ વ્યક્તિ ફસાઈ જાય તો તેની તસવીરો, દસ્તાવેજો, બેંકિંગ માહિતી અને અન્ય ખાનગી ડેટા સાયબર ગુનેગારોના હાથમાં પહોંચી શકે છે.આ સમગ્ર છેતરપિંડીની શરૂઆત સામાન્ય રીતે iPhone ગુમ થવાથી અથવા ચોરી થવાથી થાય છે. ફોન હાથમાં આવ્યા બાદ ગુનેગારો સૌથી પહેલા તેને સ્વિચ ઓફ કરી દે છે, જેથી માલિક તેને ટ્રેક ન કરી શકે. ત્યારબાદ તેઓ ખૂબ જ ચાલાકીથી પોતાને Apple Support અથવા Find My iPhone ટીમના પ્રતિનિધિ તરીકે ઓળખાવે છે અને ફોનના માલિકનો સંપર્ક કરે છે.
ફોન ચોરનારાઓ સુધી યુઝરનો નંબર કેવી રીતે પહોંચે છે?
સાયબર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગુનેગારો iCloud એકાઉન્ટમાં "Forgot Password" પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. આ દરમિયાન તેમને એકાઉન્ટ સાથે જોડાયેલો ફોન નંબર મળી જાય છે. ત્યારબાદ તેઓ આંતરરાષ્ટ્રીય નંબર અથવા મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા યુઝરનો સંપર્ક કરીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે. ફ્રોડનો સૌથી ખતરનાક ભાગ અહીંથી શરૂ થાય છે. ગુનેગારો દાવો કરે છે કે ગુમ થયેલો અથવા ચોરાયેલો iPhone મળી ગયો છે અને તેને પરત મેળવવા માટે એક ખાસ લિંક મોકલે છે. ઘણી વખત ફોન પાછો મેળવવાની આશામાં લોકો આ લિંક પર ક્લિક કરી દે છે. લિંક ખોલતા જ Appleની વેબસાઇટ જેવી જ દેખાતી એક નકલી વેબસાઇટ ખુલે છે. આ વેબસાઇટ એટલી અસલી જેવી લાગે છે કે સામાન્ય યુઝર માટે તેની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે.
iCloud એકાઉન્ટ હેક કરીને બધો ડેટા કેવી રીતે હેક કરે છે?
એકવાર યુઝર Apple ID, પાસવર્ડ અથવા OTP દાખલ કરે છે, ત્યારબાદ તેની તમામ માહિતી સીધી સાયબર ગુનેગારો સુધી પહોંચી જાય છે. આ પછી હેકર્સ સરળતાથી iCloud એકાઉન્ટમાં પ્રવેશ મેળવી શકે છે. એકવાર iCloud એકાઉન્ટનો કંટ્રોલ ગુમાવ્યા પછી વ્યક્તિનો આખો ડિજિટલ ડેટા જોખમમાં આવી શકે છે. પૂર્વ સાયબર ક્રાઇમ નિષ્ણાતે પણ આ મામલે ગંભીર ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગાર ગેંગ સતત નવા અને વધુ અદ્યતન રસ્તાઓ દ્વારા લોકોને નિશાન બનાવી રહ્યા છે. તેઓએ જણાવ્યું, કે iCloud એકાઉન્ટ હેક થઈ જાય પછી વ્યક્તિના ફોટા, વીડિયો, મહત્વપૂર્ણ દસ્તાવેજો, કોન્ટેક્ટ્સ અને અન્ય સંવેદનશીલ માહિતીનો દુરુપયોગ થઈ શકે છે.
શું કહે છે નિષ્ણાતો?
સાયબર નિષ્ણાતો સલાહ આપે છે, કે જો તમારો iPhone ગુમ થઈ જાય અથવા ચોરી થઈ જાય તો અજાણ્યા નંબર પરથી આવતાં ફોન, મેસેજ અથવા લિંક્સ પર ક્યારેય વિશ્વાસ ન કરવો. Apple ક્યારેય વ્યક્તિગત માહિતી, પાસવર્ડ અથવા OTP માંગતું નથી. કોઈપણ લિંક પર ક્લિક કરતાં પહેલાં તેની સત્તાવારતા ચકાસવી જરૂરી છે. ડિજિટલ યુગમાં સ્માર્ટફોન માત્ર વાતચીતનું સાધન નથી, પરંતુ તે આપણા જીવનનો ડિજિટલ ખજાનો બની ગયો છે. આવી સ્થિતિમાં એક નાની બેદરકારી તમારા વર્ષોનો ડેટા અને વ્યક્તિગત માહિતી જોખમમાં મૂકી શકે છે. તેથી iPhone યુઝર્સે હવે વધુ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે સાયબર ગુનેગારોની નવી ચાલ તમારા એક ક્લિકની રાહ જોઈ રહી છે.








